3 ઓગસ્ટે રક્ષાબંધન : 558 વર્ષ પછી શ્રાવણ મહિનાની પૂનમે ગુરુ અને શનિ પોત-પોતાની રાશિમાં રહેશે, સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે

0
4

સોમવાર, 3 ઓગસ્ટે શ્રાવણ મહિનાના સુદ પક્ષની પૂનમ છે. આ તિથિએ રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ વર્ષે સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે. ભદ્રા પછી જ બહેન પોતાના ભાઇને રાખડી બાંધી શકશે. 9.29 પછી આખો દિવસ રાખડી બાંધી શકાશે. 3 તારીખે સવારે 7.30 વાગ્યા પછી આખો દિવસ શ્રવણ નક્ષત્ર રહેશે. પૂનમના દિવસે પૂજા બાદ પોતાના ગુરુના આશીર્વાદ પણ લેવાં.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ જણાવ્યું કે, રક્ષાબંધનના દિવસે ગુરુ પોતાની રાશિ ધનમાં અને શનિ મકરમાં વક્રી રહેશે. આ દિવસે ચંદ્ર પણ શનિ સાથે મકર રાશિમાં રહેશે. આવો યોગ 558 વર્ષ પહેલાં 1462માં બન્યો હતો. તે વર્ષમાં 22 જુલાઈએ રક્ષાબંધન ઉજવવામાં આવી હતી. આ વર્ષે રક્ષાબંધનના દિવસે રાહુ મિથુન રાશિમાં અને કેતુ ધન રાશિમાં છે. 1462માં પણ રાહુ-કેતુની આ સ્થિતિ હતી.

બારેય રાશિ ઉપર ગ્રહોની અસરઃ-
મેષ, વૃષભ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર, મીન રાશિના લોકો માટે ગ્રહોનો યોગ શુભ રહેશે. આ લોકોને આકરી મહેનતનું ફળ મળી શકે છે. સ્વાસ્થ્ય લાભ મળશે. નોકરીમાં સફળતા મળવાના યોગ છે. કર્ક રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. મિથુન, સિંહ, તુલા, કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ લોકોને સમયનો સાથ મળશે નહીં. કામ વધારે રહેશે.

વિધિવત પૂજા કર્યા પછી રાખડી બાંધવી જોઇએ.

રક્ષાબંધનના દિવસે સવારે જલ્દી જાગવું જોઇએ. સ્નાન કર્યા બાદ દેવી-દેવતાઓની પૂજા કરવી. પિતૃઓ માટે ધ્યાન કરવું. આ શુભ કામ પછી પીળા રેશમી વસ્ત્રમાં સરસો, કેસર, ચંદન, ચોખા, દૂર્વા અને પોતાના સામર્થ્ય પ્રમાણે સોનું કે ચાંદી રાખીને રક્ષાસૂત્ર બનાવી લેવું. ત્યાર બાદ ઘરના મંદિરમાં એક કળશની સ્થાપના કરવી. તેના ઉપર રક્ષાસૂત્ર રાખવું. વિધિવત પૂજા કરવી. પૂજામાં હાર-ફૂલ ચઢાવો. વસ્ત્ર અર્પણ કરો, ભોગ ધરાવો, દીવો પ્રગટાવી આરતી કરો. પૂજા બાદ આ રક્ષાસૂત્રને જમણા હાથે બંધાવી લેવું જોઇએ.

સૌથી પહેલાં ઇન્દ્રાણીએ દેવરાજ ઇન્દ્રને રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

પં. શર્મા પ્રમાણે પ્રાચીન સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થઇ રહ્યું હતું. આ યુદ્ધમાં દેવતાઓએ પરાજિત થવું પડ્યું. અસુરોએ સ્વર્ગ ઉપર અધિકાર કરી લીધો. દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતા આ સમસ્યાને દૂર કરવા માટે દેવગુરુ બૃહસ્પતિ પાસે પહોંચ્યાં. ઇન્દ્રએ દેવગુરુને કહ્યું કે, હું સ્વર્ગ છોડીને જઇ શકું નહીં. અસુરોએ અમને પરાજિત કરી દીધા છે, અમારે ફરીથી યુદ્ધ કરવું પડશે.

ઇન્દ્રની આ વાત ઇન્દ્રાણીએ પણ સાંભળી લીધી, ત્યારે તેમણે કહ્યું કે, કાલે શ્રાવણ મહિનાની પૂનમ છે. હું તમારા માટે વિધિ-વિધાનથી રક્ષાસૂત્ર તૈયાર કરીશ, તેને બાંધીને તમે યુદ્ધ કરવા જાવ. તમને અવશ્ય વિજય પ્રાપ્ત થશે. બીજા દિવસે દેવરાજ ઇન્દ્ર રક્ષાસૂત્ર બાંધીને અસુરો સાથે યુદ્ધ કરવા ગયા અને તેમણે અસુરોને પરાજિત કરી દીધાં. ત્યારથી જ આ પર્વ ઉજવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here