સલાબતપુરામાં રહેતા યુવાને ત્રણ માસ પહેલા તેની પત્નીને તલાક આપ્યાં હતાં. બાદમાં તે પતિને ફરી લાવવા માંગતો હોવાથી ટેન્શનમાં રહેતો હતો. માનસિક તણાવમાં આવી ગયેલા યુવકે ઘરે જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. સમગ્ર કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘરે જ ફાંસો ખાઈ લીધો
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સલાબતપુરાના ઉમરવાડા ખાતે જૂના ટેનામેન્ટમાં રહેતા 30 વર્ષીય શાહરૂખ શબ્બીરખાન પઠાણ રવિવારે વહેલી સવારે ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આસપાસના લોકોને જાણ થતાં શાહરૂખના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખસેડતા અગાઉ પોલીસને જાણ કરી હતી.
માનસિક દબાવમાં આપઘાત કર્યો
પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે શાહરૂખના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા અને એક સંતાન છે. તે પરિવારનું ભરણપોષણ કરવા માટે માર્કેટમાં સાડીનો કોન્ટ્રાક્ટ ધરાવતા હતા. જોકે ત્રણ માસ પહેલા તેના પત્ની સાથે તલાક થયા હતા. જોકે શાહરૂખ તેની પત્ની સાથે ફરી રહેવા માગતા હતા. આવા સંજોગો માટે સતત ટેન્શનમાં રહેતા હોવાથી આ પગલું ભર્યું હતું. આ અંગે સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.