મૌલાના અનસ સાથે લગ્ન કર્યા બાદ સના ખાને કહ્યું, અચાનક જ આ નિર્ણય નહોતો લીધો, તેમને મેળવવા વર્ષોથી પ્રાર્થના કરતી હતી

0
11

લગ્નના એક મહિના બાદ સના ખાને કહ્યું હતું કે તેણે આખરે અનસ સઈદ સાથે નિકાહ કેમ કર્યાં. લગ્નના એક મહિના પહેલાં સનાએ ગ્લેમર વર્લ્ડ છોડવાની જાહેરાત કરી હતી. સનાએ કહ્યું હતું કે આ એક રાતમાં લેવાયેલો નિર્ણય નથી પરંતુ તેણે સઈદ જેવા વ્યક્તિને મેળવવા માટે વર્ષોથી પ્રાર્થના કરી હતી.

લગ્ન પર સનાએ શું કહ્યું?
ઈન્ટરવ્યૂમાં સનાએ કહ્યું હતું, ‘અનસમાં સૌથી સારી વાત એ લાગી કે એ શરીફ છે અને તેમનામાં હયા છે. તે જજમેન્ટલ નથી. તેમણે મને કહ્યું હતું, ‘જો કોઈ વસ્તુ ગટરમાં પડી ગઈ હોય તો તેના પર તમે 10 ડોલ પાણી નાખો તો પણ તે સાફ થતી નથી, પરંતુ તમે તે વસ્તુને ગટરમાંથી બહાર કાઢીને એક ગ્લાસ પાણી નાખશો તો તે સાફ થઈ જશે.’ આ વાતની મારા પર ઊંડી અસર થઈ હતી.’

ઈન્ડસ્ટ્રી અંગે કહ્યું, હું ખોટા ફીલ્ડમાં હતી
શો-બિઝ છોડવા અંગે સનાએ કહ્યું હતું કે ગ્લેમર તથા પ્રસિદ્ધિએ તેને આંધળી કરી દીધી હતી અને તેને ખ્યાલ જ ના આવ્યો કે તે ખોટા ફીલ્ડમાં હતી. સનાએ કહ્યું હતું કે તેને અનેક લોકોએ સવાલ કર્યો હતો કે તેને આ વાત સમજવામાં આટલો સમય કેમ લાગ્યો.

સનાએ આ વાતનો જવાબ આપતા કહ્યું હતું, ‘ઘણી બાબતો તમને તરત જ રિયલાઈઝ થતી નથી. તમને ગ્લેમર અને નામ મળી જાય છે તો તમને કંઈ દેખાતું નથી. તમે નિર્ણય લઈ શકતા નથી. મારા માટે તો આ ઘર ચલાવવાનો સવાલ હતો. મારા પરિવારમાં હું એકમાત્ર કમાનાર હતી. લૉકડાઉનમાં મને આ વાત સમજાઈ અને મેં આ પગલું ઊઠાવ્યું. હું જે કામ કરતી હતી તે મારું નહોતું. મને ઈન્ડસ્ટ્રીએ જે આપ્યું તેના માટે હું હંમેશાં આભારી રહીશ, પરંતુ મને એ વાતનો અહેસાસ થયો કે હું આ માટે નહોતી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here