મુખ્યમંત્રીને મળ્યા બાદ પરિવર્તન પેનલના સુકાની અશોક ચૌધરીએ કહ્યું- દૂધસાગર ડેરીમાં બિનજરૂરી ભરતી અને મોટા પગારદારોને દૂર કરાશે.

0
3

દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરીના એકહથ્થુ શાસન ધ્વસ્ત કરનાર ભાજપ સમર્થિત પરિવર્તન પેનલના અશોક ચૌધરી સહિત વિજેતા સભ્યોએ બુધવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની મુલાકાત લીધી હતી. બાદમાં ડેરીની વિજેતા પેનલના સુકાની અશોક ચૌધરીએ મીડિયા સંબોધનમાં જણાવ્યું કે, ચૂંટાયેલા કોઇ સભ્ય કે તેમના સગાને ડેરીમાં નોકરીએ નહીં રખાય કે કોન્ટ્રાક્ટ પણ નહીં અપાય.

આ ચૂંટણી ઢંઢેરાના પહેલા દિવસથી અમે કહેલું છે. ડેરીમાં બિનજરૂરી ભરતી અને મોટા પગારદારોને દૂર કરી ખર્ચનું ભારણ ઘટાડીશું. મુલાકાત સમયે ધારાસભ્ય ઋષિકેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે, ચેરમેનના દાવેદારના આ વિધાનોથી ખોટી રીતે ભરતી થયેલા કર્મીમાં અંદરખાને ફફડાટ પ્રસર્યો છે.

મુખ્યમંત્રીએ પશુપાલકોના હિતમાં મદદની ખાતરી આપી

અશોક ચૌધરીએ કહ્યું કે, દૂધસાગર ડેરીમાં 2100 કરોડનું દેવું છે, આ દેવું ઓછું થાય તેની પર પ્રાથમિકતા આપીશું. પશુપાલકોને દૂધના પૂરતા ભાવ મળી રહે તેવા પ્રયાસો કરાશે. મુખ્યમંત્રીએ દૂધસાગર ડેરીના લાખો સભાસદોના હિતમાં કામ કરી સૌથી વધુ પ્રગતિ કરતી ડેરી બને તેવી શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ ડેરીના ચૂંટાયેલા સભ્યોને પશુપાલકોના હિતમાં કામ કરવા આહ્વાન કરી સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.