લોકડાઉન : પરપ્રાંતીયોને વતન મોકલવાનો ખર્ચ ઉપાડવાની સોનિયા ગાંધીની જાહેરાત બાદ વડોદરા શહેર કોંગ્રેસ કામગીરીમાં લાગ્યું,

0
6

વડોદરા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વતન જવા માંગતા હોય તેવા પરપ્રાંતીયોને ખર્ચ કોંગ્રેસ આપશે. તેવી જાહેરાત કરતા વડોદરા શહેર કોંગ્રેસ પરપ્રાંતીયોને વતનમાં મોકલવા માટે કામે લાગી ગયું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, વડોદરા શહેરમાં રોકાયેલા પરપ્રાંતિયોના 3 હજાર જેટલા ફોર્મ ભરી તેઓને વતનમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

કેન્દ્ર સરકાર પરપ્રાંતીયોને વતનમાં મોકલવામાં ધરાર નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્ય સરકારો પરપ્રાંતીયોને વતનમાં મોકલવામાં ધરાર નિષ્ફળ ગયું છે. પરપ્રાંતીયોને વતનમાં મોકલવામાં આવશે. તેવી માત્ર જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ પરપ્રાંતીયોએ કયા સ્થળે જઇને ફોર્મ ભરવું કેવી રીતે જવું તે અંગેની કોઇ માહિતી પૂરી પાડવામાં આવી નથી. એતો ઠીક સરકાર દ્વારા પરપ્રાંતીયો પાસે ભાડુ વસુલ કરવામાં આવી રહ્યું છે, જે શરમજનક બાબત છે.

પરપ્રાંતીયોને વતન મોકલવાની કાર્યવાહી શરૂ કરી

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં મુશ્કેલીમાં મુકાયેલા પરપ્રાંતીયોને વતનમાં મોકલવા માટે કોંગ્રેસ દ્વારા ખર્ચ ઉપાડવામાં આવશે. તેવી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જાહેરાત કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરો કામે લાગી ગયા છે. મકરપુરા વિસ્તારમાં ફસાયેલા 1200, છાણીમાં ફસાયેલા 400 સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા 3000 જેટલા પરપ્રાંતિયોઓના કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. અને તેઓને વતન મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોંગ્રેસ મહામારીના સમયમાં કોઇ રાજકારણ કરવા માંગતું નથીઃ પ્રશાંત પટેલ

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ મહામારીના સમયમાં કોઇ રાજકારણ કરવા માંગતું નથી. માત્ર કોંગ્રેસ જે પરપ્રાંતિયો ફસાયા છે. તેઓને વતનમાં મોકલવા માટે કામગીરી કરી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ શહેરમાં પણ વિવિધ મુશ્કેલીમાં મુકાયેલા છે. તેવા લોકોને મદદરૂપ થવા માટે કામે લાગી ગયું છે. અમારી સરકારને એકજ માંગ છે કે, લોકડાઉનમાં કફોડી હાલતમાં મુકાયેલા લોકોને જરૂરી સુવિધા પૂરી પાડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here