મણિપુરમાં હિંસા બાદ શાંતિ જાળવવાના પ્રયાસો પર મોટી અસર પડી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહની અપીલ બાદ 1 જૂનના રોજ રાજ્યમાં વિવિધ સ્થળોએ 140 હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રીએ 24 કલાક પહેલા અપીલ કરી હતી કે જેમની પાસે હથિયારો છે તેઓ આવીને પોલીસને સોંપે નહીંતર પોલીસ રાજ્યમાં હથિયારો જપ્ત કરવા માટે તપાસ અભિયાન ચલાવશે.
સરકારે દરેકને સુરક્ષા દળો પાસેથી લૂંટેલા હથિયારો પરત કરવાની અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે અનધિકૃત શસ્ત્રો અને દારૂગોળો કબજે કરતી કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે કહ્યું હતું કે, ખીણ અને પહાડી જિલ્લાઓમાં સશસ્ત્ર પોલીસ બટાલિયન, પોલીસ સ્ટેશન વગેરેમાંથી લૂંટાયેલા હથિયારો અને દારૂગોળો નજીકના પોલીસ સ્ટેશન અથવા મણિપુર રાઇફલ્સ તથા ઇન્ડિયન રિઝર્વ બટાલિયન વગેરેને પરત કરવામાં આવે.
મુખ્યમંત્રી એન. બિરેન સિંહે કહ્યું કે, સુરક્ષા કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પાસેથી અનધિકૃત શસ્ત્રો અને દારૂગોળો મળી આવશે તો તેની સામે આર્મ્સ એક્ટ 1959 અને નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને મણિપુર સરકારે હથિયારો પરત કરવાની વાત કર્યા બાદ છેલ્લા 24 કલાકમાં 140 જેટલા હથિયારો પરત કરવામાં આવ્યા છે અને બીજા લોકો પણ હથિયારો પાછા આપવા માટે આવી રહ્યા છે.