રાજકોટમાં 124 બાળકોના મોત બાદ એક રાતમાં જ વધુ 4 બાળકો મોતને ભેટ્યા, બે બાળકોની હાલત ગંભીર

0
21

રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી મહિનાના પ્રથમ પાંચ દિવસમાં વધુ 13 બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લી એક રાતની અંદર વધુ 4 બાળકો મોતને ભેટ્યા છે. અને વધુ બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આથી બાળકોના મોતનો સિલસિલો યથાવત છે. કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મીડિયાને અંદર જવા દેવામાં આવતું નથી તેમજ બાળકોના મોત અંગેની માહિતી છૂપાવવામાં આવી રહી છે. સત્તાધિશો બે બાળકોના મોત થયાનું કહે છે પરંતુ સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે ચારના મોત થયા છે.

સિવિલ હોસ્પિટલ બાળકોના મોતને રોકવામાં નિષ્ફળ

સિવિલ હોસ્પિટલ બાળકોના મોતને રોકવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. ગઇકાલે પોતાના બાળકો મોતને ભેટશે તેવા ડરથી 51 પરિવારો પોતાના બાળકોને લઇને જતા રહ્યા હતા. NICUમાં બાળકોની ક્ષમતા અને સાર સંભાળ રાખી શકવાની કોઇ વ્યવસ્થાના અભાવે બાળકો મોતને ભેટી રહ્યા છે. 2019ના વર્ષમાં રાજકોટમાં 1235 બાળકો મોતને ભેટ્યા હતા.

મોત પાછળનું કારણ પણ જણાવ્યું નહીં: મૃતક બાળકના પરિવારજન

પંકજભાઇએ જણાવ્યું હતું કે, પાંચ દિવસથી બાળક અહીં હતું, જસદણ જન્મ થયા પછી વજન ઓછું હોવાને કારણે ત્યાંથી અહીં સિવિલ હોસ્પિટલ લાવવાનું કહ્યું હતું. પાંચ દિવસથી અહીં મારૂ બાળક હતું. અહીં બાળકને મળવા પણ દેતા નથી. દિવસમાં એક કલાક અંદર જવા દે છે. મને હોસ્પિટલથી ફોન આવ્યો કે, તમારૂ બાળક મૃત્યુ પામ્યું છે તેને લઇ જાવ. મોત પાછળનું કારણ પણ અમને જણાવ્યું નથી. મૃત્યુ પછી મેં બાળકનું મોઢુ જોયું.

માતાના પેટમાં હોય તે રીતે બાળક સાચવવું પડે
ડો.રાકેશ પટેલના જણાવ્યા અનુસાર એનઆઈસીયુમાં દોઢ કિલો વજનનું બાળક આવે એટલે નક્કી કરેલો પ્રોટોકોલ હોય છે જેમાં ઈન્ફેક્શન કંટ્રોલ, હાઈપોથર્મિયા પ્રિવેન્શન તેમજ ન્યૂટ્રિશિયન કેર છે, આ બધુ ગર્ભમાં બાળકને મળે છે અને તેથી જ એનઆઈસીયુમાં બાળકને માતાના પેટમાં હોય તે રીતે સાચવવાનું હોય છે. આ બધે સરખા જ હોય છે. ફરક એટલો કે તેમની હોસ્પિટલમાં દર બે નવજાતે એક નર્સ હોય છે, એક નર્સ ઈમરજન્સી માટે હોય છે. 3 મેડિકલ ઓફિસર અને એક કો-ઓર્ડિનેટર ફરજ બજાવી રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ રાખે છે. જેથી દર મહિને માત્ર 1થી 2 ટકા જ મૃત્યુદર જળવાય છે. ડો. યજ્ઞેશ પોપટે જણાવ્યું કે, બાળકના પલ્સ અને શ્વાસ સતત ચકાસાય છે, વોર્મરમાં શરીરનું તાપમાન જાળવી રખાય છે તેમજ માતાનું દૂધ 1-1 એમએલ ગણીને દેવાય છે જેથી બાળકને નુકસાન ન કરે. જો ઈન્ફેક્શનની શંકા હોય તો સાથે સાથે તે પણ કરવું પડે.

મેડિકલ ઓફિસર માત્ર એક, 6 રેસિડેન્ટ ડોક્ટર
બીજી તરફ રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં 54 બાળક 45 વોર્મરમાં રખાય છે. બે બાળકો દીઠ એક નર્સ તો દૂર સિવિલ પાસે માત્ર 35 નર્સ છે જેમાં વળી અલગ અલગ શિફ્ટમાં કામ કરે છે જેથી દર દસ બાળકે એક નર્સ રહે છે. આ નર્સ એક બાળકને જૂએ અને 10માં બાળક સુધી પહોંચવામાં ખાસ્સો સમય વીતી જાય છે. મેડિકલ ઓફિસર માત્ર એક જ છે જ્યારે બાકીની જવાબદારી 6 રેસિડેન્ટ ડોક્ટર પર છોડી દીધી છે જે શીખવા માટે કામ કરે છે અને અનુભવહીન છે. એક જ સિનિયર રેસિડેન્ટ છે તેમજ એચઓડી સહિત માત્ર એક ફેકલ્ટી જે વહીવટી કામોમાંથી ઊંચા નથી આવતા. આ કારણોથી જ મૃત્યુદરમાં મસમોટો તફાવત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here