દિશા સાથે દુષ્કર્મ બાદ હત્યા અને તેના પાછળ પતિના આપઘાતને લઇ હાલ પુજાની સ્થિતિ દયનીય બની

0
5

મૂળ ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના નોકરી અર્થે આવેલા પરિવાર હાલ દાનહના નરોલી સ્થિત એક સોસાયટીમાં ભાડે રહે છે. વર્ષ 2016માં લગ્ન કરીને પૂજા (નામ બદલ્યું છે) પણ આ પરિવારના એક સભ્ય તરીકે આવે છે. 25 વર્ષની નાનકડી ઉંમરમાં પુજાએ પરિવાર સાથે ભાવિ જીવનના જોયેલા સપના અને તેની આખી દુનિયા જ એક અણઘાર્યા તોફાનમાં વિખેરાઇ ગઇ છે.

પુજા તેમની સાડા ત્રણ વર્ષની પુત્રી દિશા (નામ કાલ્પનિક છે) અને પતિ સાથે રહેતી હતી. પતિ નરોલીની એક પ્રાઇવેટ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટમાં નાનકડાં પગારમાં નોકરી કરતો હતો. એક માસ અગાઉ જ પુજાએ બાળકને જન્મ આપ્યો હોવાથી સમગ્ર પરિવારમાં નવા સભ્યને લઇને ઉત્સાહ હતો. જોકે, પુજા અને તેમના પરિવાર માટે ગત શુક્રવારનો દિવસ જીવનમાં કદી ન ભરપાઇ થઇ શકે એવી આંધી લઇને આવ્યો હતો. સાંજે સાડા ત્રણેક વાગ્યે માસુમ દિશા બહાર રમવા માટે ગઇ હતી. પડોશી યુવક સંતોષ કોમળ બાળકીને હાથ પકડીને પોતાની રૂમમાં જઇ દુષ્કર્મ આચરી હથિયારથી દિશાનું એક જ ઝાટકે ગળું કાપી નાંખ્યું હતું.

પોલીસે સર્ચ ઓપરેશનમાં પડોશમાં રહેતા સંતોષની કાળી કરતૂત બહાર આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. લાડકી બાળકી સાથે દુષ્કર્મ કરનારને જીવવાનો કોઇ અધિકાર નથી એમ કહીને આક્રોશમાં પિતાએ આરોપીને મારવા માટે તેની પાછળ દોટ મુકી હતી. આખરે બાળકીની જિંદગીને છીનવી લેનાર નરાધમને કંઇ કરી ન શક્યો એ અફસોસ અને આાઘતમાં પિતાએ એસિડ ગટગટાવતા તેમનું મોત થયું હતું. દિશા સાથે દુષ્કર્મ બાદ હત્યા અને તેના પાછળ પતિના આપઘાતને લઇ હાલ પુજાની સ્થિતિ દયનીય બની છે.

બનાવના સાત દિવસ પછી પણ પુજા પોતાની પુત્રી અને પતિના મોતને ભુલી શકી નથી. પુજાએ દર્દભર્યા અવાજે જણાવ્યું કે, પતિનો નાનકડો પગાર અને તેમાં થોડીઘણી બચત પુત્રના જન્મ સમયે ઓપરેશન અને અન્ય કામમાં ખર્ચાય ગઇ. હાલ તેઓ તેમના પિતરાઇ ભાઇના ઘરે નાના બાળક સાથે આશરો લીધો છે. વતનમાં સસરાનું અગાઉ જ નિધન થઇ ચુક્યું છે અને સાસુમાં બિમાર હોવાથી હોસ્પિટલમાં છે.

આવા સંજોગમાં પુત્રી અને પતિની મરણોત્તર વિધિ કરાવવા માટે વતન ઉત્તરપ્રદેશ તો જવું છે પણ ટિકિટ તો શું તેમના પરિવારના ભરણપોષણ માટે પણ એક રૂપિયો બચ્યો નથી. રૂમનું ભાડું અને પાણીથી લઇને તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટે રૂપિયાની આવશ્યક રહેતી હોય છે. પતિ જ્યા કામ કરતાં હતા એ કંપનીમાંથી પણ મદદ કરવા જણાવ્યું છે. જોકે, હજી મલી નથી. એક માસના બાળક અને માંડ 25 વર્ષની નાનકડી ઉંમરમાં દિશાની માતા ઉપર હાલ તો આખી દુનિયાના દુ:ખોનો પહાડ તૂટ્યો છે. સેલવાસના ચકચારિત આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટેમાં ચલાવીને આરોપીને કડક સજા કરવા માટે મહિલા સગઠનોએ માગ કરી છે.

સિવિલમાં આરોપીને મારવા દોડતા માતા બેભાન થઇ ઢળી પડી હતી

દિશાની માતાએ હાલમાં જ સિઝેરિયનથી બાળકને જન્મ આપ્યો છે. ઘટના બાદ પૂજા તેમના સંબંધી સાથે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે ગઇ હતી ત્યારે પોલીસ પણ આરોપીના મેડિકલ ટેસ્ટ કરાવવા માટે લઇ આવ્યા હતા. આરોપીને જોતા જ માતાની આંખમાં આક્રોશ આવ્યો હતો અને ઓપરેશનના 20 ટાંકા હોવા છતાં પણ આરોપીને મારવા માટે વ્હીલચેરમાંથી ઊભી થઇને દોડી હતી. જોકે, આરોપી સુધી પહોંચે એ પહેલાં જ પુજા ઢળી પડી હતી.

મારો પણ એટલો પગાર નથી કે, બે પરિવારને સંભાળી શકું

દિશાના કાકાએ જણાવ્યું કે, હું પણ એક પ્રાઇવેટ કંપનીમાં સામાન્ય પગારમાં નોકરી કરૂં છું. ભાભી અને તેમના નાનકડાં બાળકને જોઇને હ્રદય કંપી ઉઠે છે. પણ મજબૂરી આગળ બેબશ બની જાઉ છું. મારો પણ એટલો પગાર નથી કે બે પરિવારને સંભાળી શકું તેવી સ્થિતિ છે. આખરે ભાભીને બાળક સાથે વતનમાં મોકલી આપીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here