વિશ્વબેન્ક પછી હવે IMFનો દાવો : આ વર્ષે ભારતનો ગ્રોથ 12.5% રહેશે, ચીન પણ પાછળ રહેશે

0
5

ઈન્ટરનેશન મોનેટરી ફંડે મંગળવારે 2021માં ભારતનો વિકાસ દર ઝડપથી વધીને 12.5% રહેવાનું અનુમાન લગાવ્યું છે. આ વિકાસ દર ચીનથી પણ વધુ હશે. જોકે, આઈએમએફએ વર્લ્ડ બેંક સાથેની વાર્ષિક બેઠક પહેલા તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકમાં કહ્યું છે કે, 2022માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 6.9%ની આસપાસ આવી જશે. ભારતનો વિકાસ દર 2020માં ઘટીને 8% પર આવી ગયો હતો, પરંતુ 2021માં આ આંકડો 12.5% રહે તેવું અનુમાન છે.

ભારતની મજબૂત કમબેક કરવાની આશાઃ ચીફ ઇકોનોમિસ્ટ

બીજી તરફ, આઈએમએફએ ચીનનો વિકાસ દર 2021માં 8.6% અને 2022માં 5.6% રહેશે એવું અનુમાન લગાવ્યું છે. ગયા વર્ષે ચીનનો વિકાસ દર 2.3% રહ્યો હતો અને તે કોરોના મહામારી વખતે પણ સકારાત્મક વિકાસ દર હાંસલ કરનારો દુનિયાનો એકમાત્ર દેશ હતો. આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે કહ્યું કે, ‘અમે વૈશ્વિક અર્થતંત્ર માટે પહેલાના અનુમાનોની સરખામણીએ વધારે મજબૂત કમબેકની આશા રાખીએ છીએ. અમને આશા છે કે, 2021માં વૈશ્વિક વિકાસ દર 6% અને 2022માં 4.4% રહેવાનું અનુમાન છે.’

પ્રવાસન પર નિર્ભર દેશોનો વિકાસદર ઘણો ઓછો

ગયા વર્ષે એટલે કે 2020માં વૈશ્વિક વિકાસ દરમાં 3.3%નો ઘટાડો આવ્યો હતો. આઈએમએફના રિપોર્ટ પ્રમાણે, કોરોના મહામારીના કારણે આર્થિક નુકસાનને લઈને હજુ પણ ઘણું જોખમ છે. વિશ્વ સામે હજુ ઘણાં પડકારો છે. જોકે, દુનિયાના વિવિધ દેશોએ લૉકડાઉનમાં ઢીલ મૂક્યા પછી વિકાસ દર સુધરવાની આશા છે. ગોપીનાથે પણ તેમની બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, ‘મહામારી હજુ ખતમ નથી થઈ અને અનેક દેશોમાં દર્દીઓ વધી રહ્યા છે. દુનિયાના વિવિધ અર્થતંત્રોની ફરી પાટા પર ચડવાની ગતિ તમામ દેશોમાં જુદી જુદી છે. જેમ કે, પ્રવાસન પર નિર્ભર દેશોમાં વિકાસ દર ઘણો ઓછો છે. એટલે મધ્યમ ગાળામાં વૈશ્વિક વૃદ્ધિ દર નરમ પડીને 3.3% રહી શકે છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here