એગ્રી કોમોડિટી : ગુજરાતમાં સારો વરસાદ થવાથી વાવેતરમાં વધારો થયો

0
0

હવામાન ખાતા દ્વારા સિઝનની શરૂઆતમાં કરવામાં આવેલ વહેલા અને સારા ચોમાસાની આગાહીઓ ખોટી સાબીત થઇ રહી છે. એક સપ્તાહ વહેલા વરસાદના બદલે પંદર દિવસ લેઇટ છે અને હજુ મોટા ભાગના જિલ્લાઓમાં અપુરતો વરસાદ છે. વાવણી થઇ ચૂકી છે પરંતુ જ્યાં વરસાદ નથી ત્યાં પરિસ્થિતી ખરાબ છે. સપ્તાહમાં સારા વરસાદના અહેવાલો છે જેના કારણે પાકને જીવતદાન મળી જશે. ઓછા વરસાદ છતાં રાજ્યમાં ગતવર્ષની તુલનાએ વાવેતર વિસ્તાર જળવાઇ રહ્યો છે.

રાજ્ય સરકારના અહેવાલ મુજબ 19 જુલાઇ સુધીમાં કુલ વાવેતર 57.20 લાખ હેક્ટરમાં પૂર્ણ થઇ ચૂક્યું છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 57.38 લાખ હેક્ટરમાં નોંધાયું હતું.સિઝનના કુલ 69 ટકા વાવેતરની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. છેલ્લા એક સપ્તાહમાં 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે. ગુજરાતના ખેડૂતોને ખરીફ સિઝનમાં કઠોળ અને કપાસમાં સારા ભાવ મળ્યા હોવાથી વાવેતર પ્રત્યે ઉત્સાહ વધ્યો છે.

કપાસની 82 ટકા વાવણી એટલે કે 21 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ચૂક્યું છે. સામાન્ય વર્ષોમાં કપાસનું 25-27 લાખ હેક્ટર વચ્ચે વાવેતર રહે છે. ખેડૂતોને કપાસમાં મણ દીઠ સિઝનના અંતે રૂ.1200થી વધુના ભાવ મળ્યા હોવાથી આ વર્ષે વાવેતર વધી જાય તેવા સંકેતો મળી રહ્યાં છે. કઠોળના વાવેતર 50 ટકાથી વધુ વધી 3.07 લાખ હેક્ટરમાં રહ્યાં છે.

હવે સારો વરસાદ થાય તો રેકોર્ડબ્રેક ઉત્પાદનની આશા

ગુજરાતમાં લેઇટ ચોમાસું છતાં વાવેતરની કામગીરી પ્રોત્સાહજનક જોવા મળી છે પરંતુ બીજા અને અંતીમ રાઉન્ડમાં સારો વરસાદ થાય તો ખરીફ સિઝનમાં રેકોર્ડબ્રેક ઉત્પાદનનો આશાવાદ અગ્રણી ખેડૂત નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે. ચાલુ વર્ષે ખેડૂતોને તેલીબિયાં પાકોની તુલનાએ અનાજ-કઠોળ અને કપાસમાં સારા ભાવ મળ્યા હોવાથી ખેડૂતો તે તરફ આકર્ષાયા છે. મગફળીનું વાવેતર 17.50-18 લાખ હેક્ટર આસપાસ રહી જશે તેવું અનુમાન છે. અંતીમ વરસાદ કેવો રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે.

સારા ભાવ માટે ખેડૂતો FPO તરફ વળ્યા

ખેડૂતો સારા ભાવ મેળવવા માટે માર્કેટ યાર્ડ ઉપરાંત એફપીઓ તરફ ડાઇવર્ટ થવા લાગ્યા છે. કોરોના મહામારીના કારણે ખેડૂતો માટે એક નવું વેચાણ કેન્દ્ર સર્જાયું છે. મોટા ભાગના ખેડૂતો ખેતર બેઠા વેચાણ કરી રહ્યાં છે. એફપીઓ ખેડૂત મંડળ બનાવી ક્વોલિટી માલો મોટા પાયે એકત્ર કરી અન્ય રાજ્યોમાં માલોનું વેચાણ કરી સારી કમાણી કરી રહ્યાં હોવાનું અગ્રણીઓનું કહેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here