અમદાવાદ – 1 કરોડની જંગી ખોટ ખાતી AMTSને ધમધમતી બનાવવા 1 મિનિટની બનાવાઈ ડોક્યુમેન્ટરી ફિલ્મ

0
53

  • STORY BY : PAWAN MAKAN

આશરે સાત દાયકાથી વધુ સમયથી અમદાવાદીઓને જાહેર પરિવહન સેવા પૂરી પાડતી AMTSની એક સમયે દેશભરમાં પ્રતિષ્ઠા હતી. ભારતભરમાંથી વિવિધ શહેરોના પ્રતિનિધિમંડળ સિટી બસ સેવાનો અભ્યાસ કરવા AMTSની મુલાકાતે આવતા હતા.

શહેરીજનો પણ બસની અવરજવર પરથી પોતાની ઘડિયાળનો સમય મેળવતા હતા તેટલી હદે AMTS બસની નિયમિતતા અને તેનો રૂઆબ હતો, પરંતુ છેલ્લા આઠ-દસ વર્ષથી AMTSમાં આંતરિક રાજકારણથી એટલી હદે સડો ઘૂસી ગયો છે કે ગમે ત્યારે આ સંસ્થાને ખંભાતી તાળાં લાગી જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. વચ્ચે તો ખરેખર સંસ્થાને તાળાં મારી દેવાશે તેવી કફોડી હાલત ઊભી થઇ હતી. તેમ છતાં કોર્પોરેશનની ગ્રાંટની કાંખ ઘોડીથી ચાલતી AMTSથી વિમુખ થઇ રહ્યા છે. આવા સંજોગોમાં સત્તાવાળાઓએ પેસેન્જર્સને આકર્ષવા ખાસ ડોક્યુમેન્ટરી ફિલ્મનો સહારો લેવા જઇ રહ્યા છે.

શાસક પક્ષને પણ ફિલ્ડ ડ્યૂટીમાં રસ નથી

છેલ્લા લાંબા સમયથી AMTSના રૂટને બિલ્ડરોના લાભાર્થે જે તે સ્કીમ સુધી લંબાવવા, છેક સાણંદ જેવા દૂરના સ્થળે AMTS બસ દોડાવવી, પેસેન્જર્સનો સર્વે કે ડિમાન્ડને જોયા વગર રૂટ તૈયાર કરવા જેવા તંત્રના અણઘડ આયોજન ઉપરાંત પ્રાઇવેટ ઓપરેટરો સમક્ષ તંત્રની શરણાગતિ, છેક લાલદરવાજા જેવા મહત્ત્વપૂર્ણ ટર્મિનસના અંદરના પ્લેટફોર્મથી પેસેન્જર્સને લઇ જતા શટલ રિક્ષાવાળાની દાદાગીરી જેવા એક નહીં અનેક કારણ આ સંસ્થાની સતત થઇ રહેલી પડતી માટે જવાબદાર છે. AMTSના મહિને દોઢ લાખનો પગાર લેતા ઉચ્ચ અધિકારીનો પોતાની કેબિન છોડીને પેસેન્જર્સની મુશ્કેલી જોવા-સમજવા પર જતા નથી તે તો જાણે સમજ્યા, પણ શાસક પક્ષને પણ ફિલ્ડ ડ્યૂટીમાં રસ નથી.

દરરોજ એક કરોડ રૂપિયાની જંગી ખોટ

બીજી તરફ તંત્રે આર્થિક દેવાની ઊંડી ખીણમાં ધકેલાયેલી અને દરરોજ એક કરોડ રૂપિયાની જંગી ખોટ ખાતી એએમટીએસને લોકપ્રિય બનાવવા રૂ. ૧.૧૮ લાખના ખર્ચે એક મિનિટની ખાસ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. તાજેતરમાં મળેલી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં ચેરમેન અતુલ ભાવસારે આ અંગે તંત્રની એક દરખાસ્તને લીલીઝંડી આપી હતી.

આ ડોક્યુમેન્ટરી ફિલ્મથી અપાશે જાણકારી

ચેરમેન અતુલ ભાવસારને ડોક્યુમેન્ટરી ફિલ્મની વિગત સંદર્ભે પૂછતાં તેઓ કહે છે, તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને બસ કન્સેશન, વિકલાંગ, મૂકબધિર, માનસિક વિકલાંગ અને પ્રજ્ઞાચક્ષુને કન્સેશન, શહેરીઓને લગ્ન, ઉજાણી સહિતના સારા-માઠા પ્રસંગોએ વિવિધ પ્રકારની સ્પેશિયલ બસ વરધી, ધાર્મિક સ્થળો માટેની ખાસ યોજના, પેસેન્જર્સ માટે રૂ. ૩૫ની પુખ્તવયના નાગરિક અને બાળક માટે રૂ. ૧૦ની ટિકિટ લઇને ગમે તે રૂટની બસમાં સવારે નવથી રાતના અગિયાર સુધી ગમે તે સ્થળે જઇ શકે તેવી મનપસંદ પ્રવાસ યોજના, મહિલા પેસેન્જર્સ માટેની ખાસ મનપસંદ પ્રવાસ યોજના જેવી સંસ્થા દ્વારા અપાતી વિભિન્ન સેવા અને રાહતોની જાણકારી શહેરીજનોને આ ડોક્યુમેન્ટરી ફિલ્મના માધ્યમથી અપાશે. જે રિવરફ્રન્ટ સહિતનાં સ્થળોએ તંત્રે લગાડેલા LEDના વિશાળ સ્ક્રીન સહિતની જગ્યાએથી દર્શાવાશે.

જોકે આમાં મોટો પ્રશ્ન એ છે કે પેસેન્જર્સને આકર્ષવા માટે તૈયાર થતી આ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોયા બાદ શહેરીજનો એએમટીએસ બસ પકડવા ઊમટશે તો પણ તંત્ર અનિયમિત સમય, વારંવાર કરાતા બસરૂટના ડાઇવર્ઝન કે બસરૂટના કેન્સલેશન જેવી રોજના માથાના દુઃખાવા જેવી બનેલી પેસેન્જર્સ માટે અપ્રિય બનેલી બાબતોથી બચાવી શકશે? કેમ કે મૂળ પાયાની બાબતરૂપ બસનું સુચારુ ઢંગે સંચાલનને તો તંત્ર ભૂલી ગયું છે!

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “CN24NEWS ગુજરતી” ની નવી મોબાઇલ એપ્લિકેશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here