3 વર્ષથી જુદી રહેતી પત્નીનો પતિએ પીછો કરી કાફેમાં મિત્રો સાથે ફ્રેન્ડશિપ ડે ઊજવતી પકડી

0
49

અમદાવાદ: પતિ શંકાશીલ હોવાનું કહીને 3 વર્ષથી જુદી રહેતી પત્ની રવિવારે મિત્રો સાથે ફ્રેન્ડશિપ ડે ઊજવવા સેટેલાઈટમાં આવેલા મોકા કાફેમાં પહોંચી હતી. જ્યારે બીજી બાજુ પત્ની મિત્રો સાથે ફ્રેન્ડશિપ ડે ઊજવવા જવાની હોવાનું પતિ સારી રીતે જાણતો હોવાથી તે સવારથી જ પત્નીની વોચમાં બેસી ગયો હતો. જો કે પત્ની કાફેમાં પહોંચી તેની પાછળ જ પતિ ત્યાં પહોંચી ગયો હતો અને ઝઘડો બધાના ફોટા પાડી લીધા હતા.

સ્મિતનો સ્વભાવ શંકાશીલ હોવાથી નાની નાની બાબતે ઝઘડો થતો
મૂળ જૂનાગઢના વતની ઊર્જાબહેન(29) નાં લગ્ન ફેબ્રુઆરી 2016 માં મૂળ જૂનાગઢના વતની અને હાલમાં બોપલ શ્રી ચરણ એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિત ભાડજા સાથે થયાં હતાં. લગ્નના 5 થી 6 મહિના સુધી ઊર્જાબહેન અને સ્મિત સાથે રહ્યા હતા. પરંતુ સ્મિતનો સ્વભાવ શંકાશીલ હોવાથી નાની નાની બાબતે ઝઘડો કરી મારઝૂડ કરતો હોવાથી ઊર્જાબહેન બોપલ બાલેશ્વર વિહારમાં માતા-પિતા-ભાઇ સાથે રહે છે.

ઊર્જાબહેન ત્યાં પહોંચીને હજુ તો મિત્રોને મળી રહ્યાં હતાં
જ્યારે ઊર્જાબહેન છેલ્લા 4 વર્ષથી અમદાવાદ – મહેસાણા હાઈવે પરના ઈન્દ્રાડ ગામ ખાતે એક કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. રવિવારે ફ્રેન્ડશિપ ડે હોવાથી મિત્રોને મળવા માટે ઊર્જાબહેન બપોરે 2.30 વાગ્યે ઘરેથી એકલાં એક્ટિવા લઇને સેટેલાઈટ મોકા કાફે પહોંચ્યાં હતા. જો કે ઊર્જાબહેન ત્યાં પહોંચીને હજુ તો મિત્રોને મળી રહ્યાં હતાં ત્યારે જ પતિ સ્મિત તેમની પાછળ ત્યાં આવી પહોંચ્યો હતો.

ઊર્જા સાથે ઝપાઝપી કરી 
ઊર્જાને મિત્રો સાથે જોઇને સ્મિત ગુસ્સે થઇ ગયો હતો અને બોલવા લાગ્યો હતો કે આ છોકરી બહુ ચાલુ છે, આને સમજાવો, આ બીજા છોકરાઓને મળવા જતી હતી કે તમને મળવા આવી છે, તેમ કહીને ઊર્જા સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો અને ત્યાં હાજર ઊર્જા અને તેના ફ્રેન્ડઝના ફોટા પાડી લીધા હતા. આ અંગે ઊર્જાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બે મહિના પહેલા પણ પત્નીએ ફરિયાદ નોંધાવી હતી
સ્મિત અવારનવાર આ જ રીતે ઊર્જાબહેનનો પીછો કરતો હતો અને હેરાન પરેશાન કરતો હતો. જેથી 2 મહિના પહેલા ઊર્જાબહેને સ્મિત વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેનો કેસ હાલમાં તપાસ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here