અમદાવાદ : આચાર્ય દેવવ્રતે ગુજરાતના 20માં રાજ્યપાલ તરીકે સંસ્કૃતમાં શપથ લીધા

0
38

અમદાવાદઃ ગુજરાતના 20માં રાજ્યપાલ પદે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યાં છે. આચાર્ય દેવવ્રતને ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસે રાજભવન ખાતે શપથ લેવડાવ્યા છે.આ શપથ સમારોહમાં વિદાય લઇ રહેલા રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી. નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, ધારાસભ્યો રાજ્યપાલના પરિવારજનો, વરિષ્ઠ સચિવો, આમંત્રિતો તેમજ ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા . તેમજ મુખ્ય સચિવ ડૉ.જે.એન. સિંહે રાષ્ટ્રપતિ દ્વારા જારી કરવામાં આવેલું રાજ્યપાલ નિમણૂંક પત્રનું વાંચન તેમજ શપથ વિધિનું સંચાલન કર્યું હતું.

આ પહેલા આચાર્ય દેવવ્રત ગઈકાલે સાંજે જ ગુજરાત આવી ગયા હતા. જ્યાં મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેમનું ઓ.પી. કોહલી તથા લેડી ગવર્નર શ્રીમતી અવિનાશ કોહલીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.

1959માં જન્મ, યોગિક સાયન્સમાં ડિપ્લોમા છે
આચાર્ય દેવવ્રતનો જન્મ 18 જાન્યુઆરી 1959ના રોજ લહેરીસિંહના ઘરે હરિયાણામાં થયો હતો. તેમણે હિન્દી અને ઈતિહાસમાં માસ્ટર અને બી.એડની ડિગ્રીઓ મેળવેલી છે. માત્ર એટલું જ નહીં, તેઓએ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપેથી(દિલ્હી)માંથી નેચરોપેથી અને યોગિક સાયન્સમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ અધ્યાપન અને વહીવટી તંત્રનો 34 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.

બાળપણનું નામ સુભાષ
ચારભાઈઓમાં સૌથી નાના આચાર્ય દેવવ્રતનું બાળપણનું નામ સુભાષ હતું. તેઓ સામાજિક જીવનની શરૂઆતમાં જ દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોથી પ્રભાવિત થયા અને આર્ય સમાજ સાથે જોડાયા. 1981માં તેઓ સુભાષમાંથી ગુરૂકુળ(કુરુક્ષેત્ર)ના આચાર્ય દેવવ્રત બની ગયા. તે સમયે ગુરૂકુળમાં 5થી 10 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. હાલ 15-20 હજાર વિદ્યાર્થીઓ આ ગુરૂકુળમાં અભ્યાસ કરી રહ્યા છે. તેની સાથે સાથે આચાર્ય દેવવ્રત અનેક સામાજિક કાર્યો સાથે સંકળાયેલા રહ્યા છે. તેઓ યોગ, ગૌવંશ બચાઓ, ઓર્ગેનિક કૃષિ, કન્યા કેળવણી, આયુર્વેદ અને નેચરોપેથીને પ્રોત્સાહન આપતા રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here