અમદાવાદ : BJPનાં મહિલા સભ્ય સામે ઉચાપતના આક્ષેપ છતાં ન્યાય સમિતિનાં ચેરમેન બનાવાતાં વિવાદ

0
23

અમદાવાદ: અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપના મહિલા સભ્ય સામે ઉચાપતનો આક્ષેપ છતાં તેમને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બનાવી દેવાયા છે. ભાજપના સત્તાધીશોએ તમામ નિયમો નેવે મૂકી કરેલી નિમણૂકથી વિવાદ સર્જાયો છે. તત્કાલીન ડીડીઓએ 2005થી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હોવા છતાં નિયમ વિરુદ્ધ અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યાં હતાં. મહિલા સભ્યનું સભ્યપદ રદ કરવા હાલ હાઇકોર્ટમાં કેસ ચાલે છે, જેની સુનાવણી આગામી 28મીએ છે.

મહિલા સભ્યનું સભ્ય પદ રદ કરવા હાઈકોર્ટમાં કેસ ચાલે છે, જેની સુનાવણી 28મીએ છે
જિલ્લા પંચાયત ડીડીઓ અરુણ મહેશબાબુએ કહ્યું કે હું અમદાવાદમાં નથી. આવ્યા પછી કેસની સમીક્ષા કરીશ. બીજીતરફ વિરોધપક્ષ કોંગ્રેસના નેતા અમરસિંહ સોલંકી અને ડાહ્યા રાઠોડે કહ્યું કે સામાજિક ન્યાય સમિતીના ચેરમેન રાધામનજી સેનમામ વર્ષ 2005માં વિરમગામના જાલનપુરગામના સરપંચ હતાં. ત્યારે તેમણે 1.95 લાખની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. જેની સામે રજૂઆત બાદ ડીડીઓએ તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં હતાં. જેની સામે મહિલા સભ્યે કરેલી અરજીના સંદર્ભમાં વિકાસ કમિશનર ડીડીઓના હુકમને માન્ય રાખ્યો હતો અને મહિલા સભ્ય પાસેથી ઉચાપતની રકમ વસૂલાવાનો પણ આદેશ કર્યો હતો. આ પછી કોઇ હલચલ નહીં થતાં સ્થાનિક નાગરિક દિનેશ સેનમાએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેની સુનાવણી 28મી ઓગસ્ટે છે. આ મામલે અગાઉ વિકાસ કમિશનરને લેખિત રજૂઆત કરી કોંગ્રેસે મહિલા સભ્યનું પદ રદ કરવા માંગ કરી છે. પરંતુ હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. તેના બદલે તેમની નિયમ વિરુદ્ધ ન્યાય સમિતીના ચેરમેન તરીકે નિમણૂક કરતા વિવાદ સર્જાયો છે.

ભાજપ કોંગેસેની સામસામે આક્ષેપબાજી
ભાજપના મહિલા સભ્યની નિમણૂક કરવાના મામલે ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામસામે આવ્યા છે. કોંગ્રેસના કહે છે કે વિકાસ કમિશનર સમક્ષ મહિલા સભ્યનું પદ રદ કરવા રજૂઆત કરી છે. હાઇકોર્ટમાં પિટિશન ચાલુ છે. ચૂંટણીમાં વિગતો છૂપાવી છે. જેથી તેઓ સત્તા પર ન રહી શકે . જ્યારે ભાજપના સભ્યો કહે છે કે પોલીસ ફરિયાદ થઇ નથી. જેથી ચૂંટણી લડી શકે. ચેરમેન બનાવવાનો નિર્ણય યોગ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here