નફ્ફટ પોલીસ : અમદાવાદમાં વધુ એક યુવતી પાગલ પ્રેમીનો ભોગ બની, ગેંગરેપની ધમકી આપતા યુવતીએ ધાબા પરથી પડતું મૂક્યું

0
55

શહેરના સોલા પોલીસ દ્વારા મહિલાઓને હેરાન કરતા રોમિયોની સામે કાર્યવાહી અને ગુનો ન નોંધવાના કારણે બે દિવસ પહેલા ચાંદલોડિયામાં પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ યુવતીને ઘરમાંથી ઉપાડી અને જાહેરમાં છરીના ઘા માર્યા હોવાની ઘટના બની છે ત્યારે વધુ એક પાગલ પ્રેમીનો કિસ્સો સામે આવ્યો છે. ચાણક્યપુરીમાં રહેતી યુવતીને તેના ઘરની સામે જ દુકાન ધરાવતા યુવકે ઘરમાં ઘુસી ગેંગરેપ કરવાની અને સગાઈ તોડાવવાની ધમકી આપતા યુવતીએ પાંચમા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતી હાલ અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને તેની કમર અને એક હાથ ભાંગી ગયો છે.

યુવતીની કમર અને એક હાથ તૂટી ગયો

ઘાટલોડિયાના ચાણક્યપુરી વિસ્તારમાં સેક્ટર-3માં રહેતા અને ચપ્પલ બનવવાનું કામ કરતા સન્ની કુલવારી માતા, નાનો ભાઈ અને બહેન સાથે રહે છે. સન્નીના ઘરની સામે જ ફેશન કિંગ નામની કનુ સિંગાડીયાની દુકાન આવેલી છે. ચપ્પલ બનાવવાનું કામ હોવાથી તેઓ સાથે વ્યાપારી સંબંધ હતા. સન્નીની બહેનની રાજસ્થાન સગાઈ કરી છે. 30 જુલાઈના રોજ કનુ સન્નીના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે ‘ તમે જ્યાં સગાઈ કરી છે ત્યાં છોકરાને મેં કહી દીધું છે કે આ મારી મંગેતર છે તેની સાથે લગ્ન કરવાના છે. જો તમે બીજી જગ્યાએ લગ્ન કરાવ્યા તો રેણુંમેં ઉઠાવી જઈ ગેંગરેપ કરીશ. જબરજસ્તીથી લગ્ન અને ગેંગરેપની ધમકી આપતા રેણુંએ ધાબા પરથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રેણુને તાત્કાલિક સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉપરથી નીચે પડતા તેની કમર અને એક હાથ તૂટી ગયો હતો.

યુવતી હોસ્પિટલમાં હતી છતાં ધમકી આપતો હતો

યુવતીનાભાઈ સન્નીએ  અસારવા સિવિલ હોસ્પિટલમાં મારી બહેનને લઈ ગયા બાદ સોલા પોલીસ ત્યાં આવી હતી. માત્ર એક કાગળમાં સહી કરાવી લીધી હતી. ડાઈંગ ડિકલેરેશન નથી લીધું છતાં તેઓ લઇ લીધું તેમ કહી જતા રહ્યા હતા. પોલીસે કોઈ માહિતી આપતી નથી. મારી બહેનને હોસ્પિટલમાં લઈ ગયા બાદ પણ અમને ધમકી આપવામાં આવી હતી કે પોલીસને એવું લખાવજો કે વાળ ઓળતા નીચે પડી ગઈ હતી. સોલા પોલીસે પણ કશું કર્યું નહિ પોલીસ પણ સામેવાળી વ્યક્તિને મળી ગઈ છે અને તેઓ કહે તેમ જ કાર્યવાહી કરે છે. સોલા પોલીસે કાર્યવાહી ન કરતા અમે મુખ્યમંત્રી અને કમિશનર ઓફિસ ગયા હતા. કમિશનર ઓફિસમાં રજુઆત કરવી પડી હતી અને ત્યાંથી દબાણ આવતા સોલા પોલીસે ગઈકાલે અમારી ફરિયાદ લીધી છે.

સોલા પોલીસ સ્ટેશનની કાર્યવાહી સામે સવાલો

શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ SHE ટીમ બનાવી મહિલાઓની સુરક્ષાની વાતો કરે છે. પરંતુ તેમની પોલીસ જ સુરક્ષાની જગ્યાએ કાર્યવાહી ન કરી તોડ કરે છે. છેલ્લા કેટલાય સમયથી સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી વધી છે. સોલા પોલીસના કર્મચારીઓ માત્ર હપ્તાખોરી કરતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ કોઈ જ કામગીરી નથી કરતો માત્ર વહીવટ કરતા હોવાની ચર્ચા જાગી છે. ગુનો ન નોંધવાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવતા શું પોલીસ કમિશનર પીઆઈ અને પોલીસકર્મીઓ સામે પગલાં લેશે કે હજી આવી યુવતીઓએ ગળે છરીના ઘા ખાવા કે ઊપરથી નીચે પડી જીવ આપવા પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here