મુર્ધન્ય-પ્રખ્યાત લેખક-પત્રકાર કાંતિ ભટ્ટનું ૮૮ વર્ષની જૈફ વયે મુંબઈમાં નિધન

0
53

પત્રકારની પાઠશાળા જેવા મૂળ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામના વતની એવા કાંતિ ભટ્ટનું મુંબઈના કાંદિવલીમાં ૮૮ વર્ષની જૈફ વયે નિધન થયું છે. થોડા દિવસ પહેલા તેમણે એમનો ૮૮મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સમયે તેમણે ગરબા પણ રમ્યા હતા. કાંતિભટ્ટનો જન્મ ૧૫ જુલાઇ ૧૯૩૧માં ભાવનગરના ઝાંઝમેરમાં થયો હતો. પિતાનું નામ હરગોવિંદભાઇ અને માતાનું નામ પ્રેમ કુંવરબેન છે. કાંતિ ભટ્ટને ચાર ભાઇ અને ત્રણ બહેનો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કાંતિ ભટ્ટ ભાવનગર મ્યુનિસિપલમાં નોકરી કરી હતી. ત્યારબાદ ૧૦ વર્ષ મલેશિયાના પીનાંગમાં કાકા સાથે વેપારમાં જોડાયા હતા.૧૯૭૭માં કેન્યામાં થોડો સમય કામ કર્યું હતું.અંતે તેમણે ૧૯૬૬માં પત્રકારત્વમાં પગ મૂક્યો હતો. ૬ દાયકાથી વધુ સમયથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તેમણે હજારો લેખો લખ્યા અને લગભગ તમામ અખબારમાં ટોચના કટાર લેખ લખ્યા હતા.

ખૂબ કામ કરવાના સંસ્કાર કાંતિ ભટ્ટને નાનપણથી જ મળેલા હતા. તેઓ શિક્ષક અને ખેડૂત પિતાના પુત્ર હતા. તેમના પિતા હરગોવિંદદાસ શિક્ષક હોવાની સાથે કલાકાર પણ હતા. નાનાપણથી જ તેમને કળાના સંસ્કારો મળેલા હતા. નવ વર્ષની ઉંમરે તેઓ ગ્રામ પંચાયતની લાયબ્રેરી ચલાવતા હતા. સહકારી મંડળીના સેક્રેટરી પણ હતા. મહુવામાં તેઓએ પ્રાથમિક શિક્ષણ લીધું. ૧૯૪૨માં તેઓએ રાયફલ ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. તેઓ ૧૫ વર્ષની ઉંમરે મહુવાના મેગેઝીનના તંત્રી હતા. તેઓએ ઝંકાર નામનું હસ્તલિખિત સામયિક શરૂ કર્યું હતું. તેઓ અચાનક બીમાર પડતા ડોક્ટરોએ કહ્યું હતું કે તેઓ છ મહિના જીવશે. પણ પોતાના દ્રઢ મનોબળથી તેઓ જીવ્યા. જાતે આયુર્વેદના પુસ્તકો વાંચી પોતાની બીમારીનો ઈલાજ કર્યો અને સાજા થયા હતા.

તેમનું હુલામણું નામ બચુ હતુ. તેમને કોઈ વ્યસન ન હતુ. તેમણે જીવનમાં પ્રથમ પુસ્તક સરસ્વતીચંદ્ર વાંચેલું હતું. તેમનું ભાવતું ભોજન અડદની દાળ, બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો હતું. બીજાની નિંદા કરનાર વ્યક્તિ ઉપર તેમને ગુસ્સો આવતો હતો. લેખનમાં તેમનો મનગમતો વિષય ખેતીવાડી હતો. કાંતિ ભટ્ટને ૨૦૦૬માં વજુ કોટક ચંદ્રક મળ્યો ત્યારે એક અંદાજ મુજબ ત્યાં સુધી તેમના લેખોની સંખ્યા ૪૦ હજારથી વધુ હતી. તેઓએ ૫૦ વર્ષમાં ૫૦ હજાર લેખો લખેલા. વર્ષના એક હજાર એટલે કે રોજના ત્રણ લેખો એ પણ વિવિધરંગી વિષયો ઉપર લખતા. તેઓ વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠીને છના ટકોરે લખવા બેસી જતા. તેઓ ત્રણ કલાકમાં બે લેખ લખે તો જ તેમને જંપ પળે.

મહુવાની હાઇસ્કૂલમાં અખાડાના મેગેઝીન ‘ઝણકાર’ના તંત્રી પણ રહીં ચૂક્યાં છે. ૧૯૬૭માં ‘વ્યાપાર’માં સબ એડીટર બન્યાં બાદ ચિત્રલેખા, મુંબઇ સમાચાર, દિવ્ય ભાસ્કર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા સહિત ઘણા મેગેઝીનોમાં પોતાના લેખ લખ્યાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here