Wednesday, September 29, 2021
Homeઅમદાવાદ : ગળાના ભાગમાં ગંભીર ઇજાથી પીડાતા 16 વર્ષના છોકરાની સિવિલના તબીબોએ...
Array

અમદાવાદ : ગળાના ભાગમાં ગંભીર ઇજાથી પીડાતા 16 વર્ષના છોકરાની સિવિલના તબીબોએ કરી જટિલ સર્જરી

સમગ્ર વાત એવી છે કે, રાજસ્થાનના પાલી જીલ્લામાં રહેતા ભરતને ગળાના ભાગમાં ગંભીર ઇજા થતા તેને હલન-ચલનમાં તકલીફ થવા લાગી. લાંબા સમયથી હેરાનગતિ ભોગવતા ભરતના પરિવારજનોએ જોધપુરની ખાનગી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં નિદાન અર્થે સંપર્ક સાધ્યો. પરંતુ દરેક જગ્યાએ નિશાશા જ સાંપડી. વિવિધ હોસ્પિટલમાં નિદાન કરાવવા છતા પણ તેની પીડામાં ક્યાંય સુધાર જોવા મળ્યો નહીં. વળી રાજસ્થાનમાં સુપ્રતિષ્ઠિત મણકાના તબીબને છેલ્લે બતાવ્યું ત્યારે તેઓએ 8 થી 10 લાખની ગળાના મણકાની સર્જરીનું સૂચન કર્યું. પરંતુ તેમાં પણ સંપૂર્ણપણે સાજા થઇ જવાની કોઇપણ પ્રકારની ગેરંટી નહોતી.

પ્રાઈવેટ હોસ્પિટલે 8-10 લાખમાં ઓપરેશન કરાવવા કહ્યું

ભરતભાઇ જેવા ગરીબ પરિવાર માટે 8થી 10 લાખના ખર્ચે સર્જરી કરાવવું અશક્ય બની રહ્યું હતું. જેથી તેઓને જીવન અને દર્દભર્યા જીવન વચ્ચે પીડા ભોગવવાનું જ પસંદ કરીને જીવન ગાળવાનું શરૂ કર્યું. પરંતુ દિવસે ને દિવસે ભરતની પીડામાં વધારો થતો ગયો. છેલ્લે તેમના એક મિત્રએ ગુજરાત સરકારની સરકારી હોસ્પિટલ અને તેમાં પણ ખાસ કરીને એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગમાં આવી સર્જરી વિનામૂલ્યે શક્ય હોવાનું જણાવ્યું.

ગરદનમાં સમસ્યાથી પીડાતા ભરતની તસવીર
ગરદનમાં સમસ્યાથી પીડાતા ભરતની તસવીર

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મળ્યું આશાનું કિરણ

ભરતના પરિવારજનો વિનાવિલંબે ભરતને લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા. અહીં તેઓએ સ્પાઇન સર્જરી વિભાગના તબીબોનો સંપર્ક કર્યો. જ્યાં તબીબોએ રોગની ગંભીરતા પારખીને એક્સ-રે, સી.ટી.સ્કેન અને એમ.આર.આઇ.જેવા રીપોર્ટસ કરાવ્યા. આ રીપોર્ટસના આધારે સિનિયર તબીબ સહિત તમામે ભરતના રોગની ગંભીરતા અને જટીલતાનું અનુમાન લગાવ્યું. આ રીપોર્ટસના આધારે ભરતના ગરદનનો પહેલો અને બીજા મણકો ખસી ગયેલ હોવાનું જણાઇ આવ્યું. જેને તબીબી ભાષામાં “એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશન” કહેવામાં આવે છે. આ પ્રકારની ઇજાની સર્જરી ખરેખર ખૂબ જ જટીલ હોય છે. કારણ કે આવા પ્રકારની સર્જરી દરમિયાન કરોડરજ્જૂના ભાગમાં પણ ઇજા થવાની સંભાવના રહેલી હોય છે.

તબીબોએ 2 કલાક સુધી સર્જરી કરી કિશોરને પીડામુક્ત કર્યો

આવા પ્રકારની સર્જરીમાં નિપુણ તબીબોના સંયુક્ત પ્રયાસે જ સર્જરી સફળ બને છે. જે માટે સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગના વડા ડૉ. જે.વી. મોદી અને તેમની ટીમે સ્પાઇન ફેલો ડૉ. સાગર, ડૉ. હર્ષિલ અને એનેસ્થેસિયા વિભાગના સહયોગથી આ સમગ્ર સર્જરી નિપૂણતાપૂર્વક પાર પાડી. સમગ્ર સર્જરી 2 કલાક ચાલી હતી. આ સર્જરી દરમિયાન જાણવા મળ્યું કે, ગરદાનનો મણકો મગજના ભાગ સુધી પહોંચ્યો હતો. જેના કારણે સર્જરી અતિગંભીર બની રહી હતી. આ સ્તરે સર્જરી દરમિયાન જીવનનું જોખમ પણ વધી ગયુ હતુ. જેથી ન્યુરોમોનિટરીંગ સાથે સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.

ભરતના એક્સ-રેની તસવીર
ભરતના એક્સ-રેની તસવીર

પહેલાની જેમ કિશોર હલનચલન કરવામાં સક્ષમ બન્યો

હાલ ભરતભાઇ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના ગરદનના મણકા પૂર્વવત થયા છે. તેઓ પહેલાની જેમ જ સરળતાથી હલન-ચલન કરવા સક્ષમ થયા છે. સિવિલ હોસ્પિટલ સ્પાઇન વિભાગના વડા અને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરીથી લઇ અન્ય વિભાગોમાં રાજ્ય બહારથી પણ દર્દીઓ સારવાર અર્થે આવે છે. અમારા તબીબો દ્વારા તમામ દર્દીઓને સંપૂર્ણપણે સંતોષકારક સારવારનો અનુભવ થાય, શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ જ આજે રાજ્ય બહારથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments