Thursday, August 5, 2021
No menu items!
Homeઅમદાવાદ : દરજીકામ કરતા તેજસ્વી વિદ્યાર્થી નીરવે પાડોશીએ અપાવેલા લેપટોપની મદદથી લઘુગ્રહ...
Array

અમદાવાદ : દરજીકામ કરતા તેજસ્વી વિદ્યાર્થી નીરવે પાડોશીએ અપાવેલા લેપટોપની મદદથી લઘુગ્રહ શોધ્યો

ગુજરાતના વિદ્યાર્થીઓ બેઝિક સાયન્સ અને સંશોધન પ્રત્યે ઉદાસીન હોય છે એવી કાયમી માન્યતા વધુ એક ગુજરાતી વિદ્યાર્થીએ ખોટી પાડી છે. અમદાવાદની એમ.જી.સાયન્સ કોલેજમાં જિયોલોજીના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા નીરવ વાઘેલાએ અવકાશમાં તરતી અસંખ્ય ઉલ્કાઓ પૈકી એકની ઓળખ કરી બતાવી છે. તેણે ઓળખેલી ઉલ્કા અંગે હવે અમેરિકાની પ્રસિદ્ધ અવકાશ સંસ્થા નાસા (NASA) વિસ્તૃત સંશોધન કરશે. રસપ્રદ બાબત એ છે કે પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ હોવા છતાં પાડોશીએ અપાવેલા લેપટોપનો ઉપયોગ કરીને નીરવે આ સિદ્ધિ મેળવી છે.

અઘરો ટાસ્ક બે મહિનામાં પૂર્ણ કર્યો

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાની પેટાસંસ્થા જેટ પ્રપલ્ઝન લેબોરેટરી ખગોળવિજ્ઞાનના સંશોધનક્ષેત્રે વિશ્વભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તક આપતી હોય છે. વર્ષમાં બેવાર અપાતી આ તકમાં નાસા પોતે લીધેલી અવકાશની તસવીરોમાં દેખાતા ઉલ્કાપિંડ ઓળખવા વિદ્યાર્થીઓને ચેલેન્જ આપે છે. વિદ્યાર્થીઓએ તસવીરોના આધારે અવકાશનો અભ્યાસ કરીને ઉલ્કાપિંડનાં કદ, આકાર, બનાવટનો પ્રકાર, અવકાશમાં સ્થાન સહિતની વિગતો પૂરી પાડવાની હોય છે. ઉલ્કાની ઓળખ સ્પષ્ટ બન્યા બાદ નાસા એ અંગે વિશેષ સંશોધન હાથ ધરે છે. ઉલ્કાપિંડ પૃથ્વી માટે હાનિકારક છે કે કેમ એ જાણવાનો આ સંશોધનનો મુખ્ય હેતુ હોય છે. નીરવે આ ટાસ્ક માત્ર બે મહિનામાં પૂરો કર્યો હતો.

પિતાના અવસાન પછી દરજીકામ કરીને ખર્ચમાં મદદરૂપ થતો નીરવ આર્થિક અભાવો સામે ઝૂક્યો નથી.

પિતાના અવસાન પછી દરજીકામ કરીને ખર્ચમાં મદદરૂપ થતો નીરવ આર્થિક અભાવો સામે ઝૂક્યો નથી.

કઈ રીતે આ ટાસ્ક પૂરો કર્યો?

NASA દ્વારા અપાયેલી 200થી વધુ તસવીરોનું તેણે ઝીણવટપૂર્વક પૃથક્કરણ (Analysis) કર્યું.
ન ઓળખાયેલા ઉલ્કાપિંડોને સાંકેતિક નામ આપવામાં આવ્યા હોય છે. નીરવે પોતાને મળેલી તસવીરોમાંથી PPGUpj નામના લઘુગ્રહને અભ્યાસ માટે પસંદ કર્યો.

તમામ તસવીરોનું તેણે ડિજિટલ ઈમેજ પ્રોસેસિંગના સોફ્ટવેરની મદદથી સતત બે મહિના સુધી બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને એની સંબંધિત વિગતોનો ચાર્ટ તૈયાર કર્યો.

પોતે મેળવેલી માહિતી તેણે નાસાને નિશ્ચિત ફોર્મેટમાં પૂરી પાડી, જેને નાસાએ સ્વીકારી. એટલું જ નહિ, આ ટાસ્ક સફળતાપૂર્વક પાર પાડવા બદલ તેને સર્ટિફિકેટ પણ આપ્યું.

નાસા ઉપરાંત નીરવ ઈસરોના પણ 20થી વધુ પ્રમાણપત્રો મેળવી ચૂક્યો છે.

નાસા ઉપરાંત નીરવ ઈસરોના પણ 20થી વધુ પ્રમાણપત્રો મેળવી ચૂક્યો છે.

મન હોય તો માળવે જવાય તેનું ઉદાહરણ એટલે નીરવ

ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે અત્યાધુનિક સગવડો કે સંસાધનો જોઈએ એવી માન્યતા સામે નીરવ બહુ રસપ્રદ ઉદાહરણ પૂરું પાડે છે. તે 7મા ધોરણમાં હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. બહુ નાની વયથી જ માતા અને બહેનને સંભાળવાની જવાબદારી તેના પર આવી ગઈ હતી. બાળપણથી જ તે ઘરઘરાઉ દરજીકામમાં માતાને મદદ કરતો હતો. કોલેજમાં પ્રવેશ લીધા બાદ ખાનગી કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરીને આવક વધારવા પ્રયાસ કરતો હતો. વિજ્ઞાનમાં તેની રુચિ હતી, પરંતુ એ માટે તેની પાસે મોંઘાં ઉપકરણો કે સંસાધનો વસાવવાની ક્ષમતા ન હતી. જોકે સંશોધન અને અભ્યાસની ધગશ હોવાથી એકપણ અભાવને તેણે આડે આવવા દીધા નથી. પાડોશીએ અપાવેલા લેપટોપની મદદથી તેણે આ સંશોધન કર્યા છે. નાસાના સર્ટિફિકેટ અગાઉ તે ઈસરો દ્વારા વિદ્યાર્થીઓ માટે ચાલતાં સંશોધન માટેનાં 20 જેટલાં સર્ટિફિકેટ કોર્સ કરી ચૂક્યો છે. નીરવની ધગશ જોઈને હવે તેના ત્રણ મિત્રો પણ ખગોળ સંશોધનમાં રસ ધરાવતા થઈ ચૂક્યા છે.

તમે પણ આવા સંશોધન કરી શકો છો, પૂછો નીરવને…

નીરવ કહે છે, ગુજરાતના કોઈપણ ખૂણે રહેતો વિદ્યાર્થી ખગોળવિજ્ઞાન સંબંધિત આવાં સંશોધનોમાં ભાગ લઈ શકે છે અને પોતાની ક્ષમતાની ધાર કાઢી શકે છે.

નાસાની જેટ પ્રપલ્ઝન લેબની વેબસાઈટ www.jpl.nasa.gov/edu માં માર્સ મિશન અને વિશ્વભરના તેજસ્વી વિદ્યાર્થીઓને સંશોધન માટે આમંત્રિત કરતો વિભાગ છે.

નાસાના દાવા પ્રમાણે, આ વિભાગના માધ્યમથી દુનિયાભરના 4,60,712 જેટલા તેજસ્વી અને ધગશ ધરાવતા વિદ્યાર્થીઓ વિવિધ ખગોળ સંશોધનો કરી રહ્યા છે.

સંશોધનો માટે આવશ્યક ડેટા અને અન્ય વિગતો નાસા પૂરી પાડે છે. આ ઉપરાંત ખગોળવિજ્ઞાનના વૈશ્વિક નિષ્ણાતો સાથે સવાલ-જવાબના સેશન્સ પણ બહુ જ માહિતીપ્રદ અને ઉપયોગી હોય છે.

આગામી 18 ફેબ્રુઆરીથી માર્સ મિશન અંતર્ગત સંશોધનની નવી વિન્ડો ઓપન થઈ રહી છે. રસ ધરાવનારા વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments