અમદાવાદ : સાંજે કોર કમિટીની બેઠક બાદ લોકડાઉન અંગે નિર્ણય લેવાશે:CM

0
6

રાજ્યમાં વિકરાળ રૂપ લઈ રહેલા કોરોના વાઈરસ પર અંકુશ લગાવવા માટેને તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. ત્યારે હવે વેપારી, મેડિકલ એસોસિયેસન તેમજ હાઈકોર્ટ દ્વારા પર રાજ્યમાં કર્ફ્યૂ તેમજ લોકડાઉન લાદવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ આજે સાંજે કોર કમિટીની બેઠકમાં લોકડાઉન અંગેની જાહેરાત કરવાની વાત કરી છે. એવી ચર્ચા ચાલી છે કે, ગુરુવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવાર 6 વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં લોકોમાં સૌથી મોટી ચિંતા લોકડાઉનમાં શું ચાલુ રહેશે અને શું બંધ થશે એની હોય છે. સાથે અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં લોકડાઉનના ભણકારાને પગલે લોકો ખરીદી કરવા માટે મોલ તેમજ શાક માર્કેટ સહિતમાં લાઈનો લગાવીને ઉભેલા નજરે ચઢી રહ્યા છે.

3 દિવસનું આંશિક લોકડાઉન આવી શકે?
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે પણ સરકારને નિર્દેશ આપતા જણાવ્યું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લેવો જોઈએ. બીજીતરફ સરકાર પણ લોકડાઉન અંગે વિચારણા કરી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓ સુરતમાં કોરોનાને કાબુમાં લેવા સમિક્ષા કરી રહ્યા છે, ત્યારબાદ દાંડિયાત્રાનો સમાપન કાર્યક્રમ પૂર્ણ કરી સાંજે મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ ગાંધીનગર પહોંચશે, જ્યાં કોર કમિટીની બેઠક મળશે. જેમા કોરોના અંગે હાઈકોર્ટે આપેલા નિર્દેશો તેમજ વેપારી અને મેડિયલ એસોસિયેસને કરેલી માંગણી અંગે ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી ગુરુવાર રાતથી 3 દિવસનું આંશિક લોકડાઉન લાદવામાં આવે તેવી શક્યતાઓ છે.

એકસાથે જથ્થાબંધ શાકની ખરીદી શરૂ
ગત વર્ષે અચાનક જ લોકડાઉંન જાહેર કરાતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આ વર્ષે લોકડાઉન અંગે ચર્ચા ચાલુ થતાં જ શહેરીજનો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ભર બપોરે બજાર અને મોલમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. લોકોમાં લોકડાઉનને લઈને ડર છે જેને પગલે શહેરના મોલ અને બજારમાં ખરીદી માટે લાઇનો લાગી છે. શાક માર્કેટમાં પણ લોકો શાકની એક સાથે વધુ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે.

મોલમાં લોકો મોટી સંખ્યામાં લાઈનો લાગી
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ માધુપુરા અને કાલુપુરના બજારમાં કરિયાણા અને શાક ભાજીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યાં છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોલ અને શાક માર્કેટમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોલમાં લોકો 30-40 મિનિટ સુધી બહાર લાઈનમાં ઊભા રહીને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે ઉભા છે. લોકોમાં ગત વર્ષ જેવું લોકડાઉન આવવાની બીક છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન અંગે નિર્ણય કરવામાં આવે તે બાદ બજારમાં હજુ પણ ખરીદી માટેની વધવાની શક્યતા છે.

માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
સવારથી ચાલી રહેલી લોકડાઉનની સંભાવનાને પગલે અમદાવાદ, રાજકોટ, સુરત તેમજ વડોદરાના રહેવાસીઓ કપડાં, કરિયાણું સહિતની જીવનજરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે મોલ તેમજ અન્ય બજારોમાં એકઠા થઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ ઉડતા જોવા મળી રહ્યા છે. ત્યારે પહેલાથી જ રાજ્યમાં દૈનિક 3 હજારની આસપાસ નવા કેસ નોંધાય છે, તો જો આજ રીતે ભીડ એકઠી થશે તો સંક્રમણનું પ્રમાણ બમણું થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here