અમદાવાદ: આરોપીઓની કબૂલાત, હત્યારાએ હાથમાં છરી પકડી દંપતીની લાશ સાથે સેલ્ફી લીધી હતી

0
5

હેબતપુરમાં સિનિયર સિટીઝન દંપતીની હત્યાના આરોપીઓ પૈકી એકે મૃતદેહ સાથે સેલ્ફી લીધી હોવાનું ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રિમાન્ડ હેઠળ રહેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન આ ઘટસ્ફોટ થયો હતો. હેબતપુરમાં સિનિયર સિટીઝન દંપતીની હત્યાના કેસમાં ઝડપાયેલા પાંચેય આરોપીઓ હાલ 10 દિવસના રિમાન્ડ હેઠળ છે. આ દરમિયાન પોલીસે તેમની સઘન પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, બે આરોપીઓની બહેનના લગ્ન હોવાથી તેમને 2 લાખ રૂપિયાની જરૂર હતી. આથી તેમણે લૂંટનો પ્લાન કર્યો હતો. જોકે તેમણે પકડાઈ જવાની બીકે સિનિયર સિટીઝન દંપતીની હત્યા કરી નાખી હતી. આરોપીઓ પૈકી નીતિન ગોડે જ્યોત્સનાબેન અને અશોકભાઈ પટેલની હત્યા કર્યા બાદ લોહીથી લથપથ તેમના મૃતદેહો પાસે છરી હાથમાં લઈ સેલ્ફી લીધી હતી. પોલીસે નીતિનનો મોબાઇલ એફએસએલમાં મોકલી આપ્યો છે.

આરોપી નીતિન ગૌડ
આરોપી નીતિન ગૌડ

બહેનને દહેજમાં બુલેટ અને દાગીના આપવા લૂંટ ચલાવી
આ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, હત્યા કર્યા બાદ ચાર જણ બે અલગ અલગ બાઇક પર નાસી ગયા હતા અને વૈષ્ણોદેવી એકઠા થઈ ત્યાંથી હિંમતનગર ગયા હતા. ત્યાર બાદ ત્યાંથી ચિત્તોડગઢ અને ત્યાંથી પોતાના વતન ગ્વાલિયરના ગિઝોરા ગામ પહોંચી ગયા હતા. બે આરોપીએ પૂછપરછમાં કહ્યું હતું કે, બહેનના લગ્નમાં દહેજ પેટે બુલેટ અને દાગીના આપવાના હોવાથી પૈસાની જરૂર હતી, જેથી લૂંટ કરી હતી. જોકે અન્ય બે આરોપી મોજશોખના પૈસા માટે લૂંટમાં જોડાયા હોવાનું પોલીસનું અનુમાન છે. આરોપીઓ હાલ 10 દિવસના રિમાન્ડ પર છે.

ઘરમાં લોહી લુહાણ હાલતમાં મળેલા દંપતીની તસવીર.
ઘરમાં લોહી લુહાણ હાલતમાં મળેલા દંપતીની તસવીર.

ફર્નિચર કામના ફોટો પાડવા છે કહી ઘરમાં ઘુસી ગયા
​​​​​​​​​​​​​​
આરોપીઓ સવારે પહેલા પહોંચી ગયા હતા અને નીતિન નામના વ્યક્તિએ ડોર બેલ વગાડ્યો અને કહ્યું કે તમારા ઘરમાં જે ફર્નિચરનું કામ ચાલે છે તેના અમારે ફોટો પાડવા છે.તેમ કહીને ચાર શખ્સો ઘરમાં ઘુસી ગયા હતા.

હત્યારાઓએ પહેલા અશોકભાઈ સાથે ઝપાઝપી કરી
આ દરમિયાન મૃતક અશોક પટેલ બંગલોના નીચેના રૂમમાં હતા. પહેલા હત્યારાઓએ અશોકભાઈ સાથે ઝપાઝપી કરી એ દરમિયાન જ્યોત્સનાબેન ઉપર પૂજા રૂમમાં હતા ત્યારે અવાજ આવતા તેઓ નીચે આવ્યા તો નીતિને તેમના પર હુમલો કર્યો. જેમાં જ્યોત્સનાબેન મૃત્યુ પામ્યા ત્યારબાદ અશોકભાઈ પર હુમલો કર્યો અને તેમનું મોત થયું હતું.

​​​​​​​નવરંગપુરામાં પણ લૂંટ માટે ઘરની રેકી કરી હતી
આરોપીઓએ સિનિયર સિટીઝન દંપતીની હત્યા કર્યા પહેલાં તેમના ઘરની રેકી કરી હતી. આ ઉપરાંત નવરંગપુરા વિસ્તારમાં પણ એકલા રહેલા સિનિયર સિટીઝન દંપતીની રેકી આરોપીઓએ કરી હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે. જોકે આરોપીઓ નવરંગપુરામાં લૂંટ કરવા ગયા ત્યારે દંપતી ઘરમાં જાગતું હોવાથી તેમની લૂંટની યોજના નિષ્ફળ ગઈ હતી. ત્યાર બાદ આરોપીઓએ હેબતપુરમાં સિનિયર સિટીઝનના ઘરે લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?
શાંતિ પેલેસમાં રહેતાં અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનના બંગલામાં ઘૂસી આવેલા 4 લૂંટારા બંનેની ગળાં કાપી હત્યા કરી ઘરમાંથી રોકડા રૂ.50 હજાર અને દાગીના લૂંટીને ભાગી ગયા હતા. હત્યારાઓને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમોએ 200 કરતાં પણ વધારે સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આરોપીઓ ઓળખાઈ ગયા હતા. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતે ભાગી ગયા હતા.

આ માહિતીના આધારે, ક્રાઇમ બ્રાંચની 3થી 4 ટીમ ગિઝોરા પહોંચી હતી, જ્યાં સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીઓને પકડવા વોચ ગોઠવાઈ હતી, જેમાં રવિવારે રાતે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેણે આપેલી માહિતીના આધારે અન્ય 3 સાગરીતને પણ પોલીસે ઝડપી લીધા હતા. ચારેય પાસેથી પોલીસે લૂંટમાં ગયેલા પૈસા તેમ જ જ્યોત્સ્નાબહેનના દાગીના-હત્યા કરવા માટે વાપરેલાં ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સોમવારે સાંજે ચારેય આરોપી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથમાં આવી જતાં ટીમો તેમને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે. મંગળવારે બપોર સુધીમાં ક્રાઇમ બ્રાંચની ટીમો ચારેયને લઈને અમદાવાદ આવી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here