અમદાવાદઃ અમદાવાદ સહિત લખનઉ અને મેંગલુરુ એરપોર્ટ અદાણીને સોંપવા અંગેની મંજૂરી બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટે આપી હતી. 50 વર્ષ માટે એરપોર્ટનું સંચાલન અને મેન્ટેનન્સની જવાબદારી અદાણીને સોંપવામાં આવી છે. અમદાવાદ સહિત દેશના 6 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા કેન્દ્રની મોદી સરકાર દ્વારા શરૂ કરાઈ હતી. જેમાં બે વાર આ પ્રક્રિયા બંધ રહ્યા બાદ છેવટે 2018માં શરૂ થયેલી ખાનગીકરણની પ્રક્રિયા દરમિયાન તમામ 6 એરપોર્ટ માટે અમદાવાદની અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા અન્ય કંપનીઓની સરખામણીમાં સૌથી વધુ પેસેન્જર ફી ચુકવવાની જાહેરાત કરાઈ હતી. તમામ 6 એરપોર્ટ અદાણીને સોંપવાના ટેન્ડરને માર્ચમાં મંજૂરી આપવામાં આવી હતી.
એક સપ્તાહમાં કામગીરી શરૂ થશે
અમદાવાદ સહિત અન્ય એરપોર્ટના સંચાલન-મેન્ટેનન્સની જવાબદારી ખાનગી કંપનીને સોંપ્યા બાદ પેસેન્જરોને મળતી સુવિધાઓ મોંઘી થાય તેવી શક્યતા છે. જેમાં પેસેન્જર ચાર્જ વધવાની સાથે પાર્કિંગ ચાર્જ વધી શકે છે, ખાણી પીણીની વસ્તુઓ મોંઘી થઈ શકે છે. એક સપ્તાહમાં ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થશે.