શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3241 કેસ આવ્યા છે. જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છે. શુક્રવારના 2841 કેસની સરખામણીએ એક જ દિવસમાં કેસમાં 399નો એટલે કે 14 ટકાનો વધારો થયો છે. ખાનગી હોસ્પિટલોમાં તો 96 ટકા બેડ ભરાઈ ગયા છે અને વેન્ટિલેટર સાથેના માત્ર 3 બેડ ઉપલબ્ધ છે. બેડની આ માહિતી અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનના આંકડા મુજબની છે. આ જ રીતે નવા કેસ આવવાના ચાલુ રહેશે તો આ ખાલી બેડ પણ એકાદ દિવસમાં જ ભરાઈ જવાની શક્યતા છે.
મ્યુનિ.ના ચોપડે શહેરમાં 15077 એક્ટિવ કેસ છે. સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલો તેમજ મ્યુનિ. સંચાલિત અને અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ ખાલી બેડની સંખ્યા જૂજ છે. શહેરના મોટાભાગના સ્મશાનગૃહમાં દિવસ-રાત ભઠ્ઠી ચાલુ રહેતી હોવા છતાં સરકારી ચોપડે માત્ર 25 મૃત્યુ દર્શાવાયા છે. બીજી બાજુ શહેરમાં એમ્બ્યુલન્સ માટે 4થી 5 કલાકનું વેઈટિંગ હોવાથી કોરોનાના એક દર્દીને ઓક્સિજનના બાટલા સાથે રિક્ષામાં હોસ્પિટલ લવાયો.
દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે, જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 900 બેડની હોસ્પિટલ તૈયાર કરવાને બદલે જૂની વીએસ હોસ્પિટલને જ પૂર્ણ ક્ષમતા સાથે ફરી શરૂ કરવામાં આવે તો 1500 બેડની સુવિધા મળી શકે તેમ છે. કોંગ્રેસના અન્ય ભાષા સેલના પૂર્વ પ્રમુખ મુકુંદસિંહ રાજપૂતને 9 એપ્રિલે 1200 બેડ સિવિલમાં દાખલ કરાયા હતા અને તબિયત લથડતાં સોમવારે યુએન મહેતામાં ટ્રાન્સફર કરાયા હતા. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ રિપોર્ટ આવ્યાના 24 કલાકમાં જ તેમને શ્વાસની તકલીફ થતાં મૃત્યુ થયું હતું.
દરમિયાન સિદ્ધિ વિનાયક ટ્રસ્ટે મહેમદાવાદ ખાતેના સિદ્ધિ વિનાયક મંદિરના પ્રાંગણમાં કોરોનાના દર્દી માટે 100 બેડની વ્યવસ્થા કરી છે. ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિતના જણાવ્યા અનુસાર મંદિરના આગલા ભાગમાં અને વિશ્રામ વિભાગમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દી જેટલા દિવસ દાખલ રહે તેટલા દિવસ જમવાની, ઓક્સિજનની, ચા-નાસ્તાની વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ જ કરશે. હાલ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ છે. શહેરમાં શનિવારે વધુ 17,597એ રસી લીધી હતી.
શાહીબાગની એક સોસાયટીએ ક્લબ હાઉસને હોસ્પિટલ બનાવી
શાહીબાગની શીતલ એક્વા સોસાયટીએ પોતાના સભ્યો માટે જ 4 બેડની હોસ્પિટલ ક્લબ હાઉસમાં જ શરૂ કરી છે. જેમાં ઓક્સિજન સીલિન્ડર, દવાઓ અને 24 કલાક ડોક્ટરની સેવા ઉપલબ્ધ છે.
શીતલ એક્વા ક્લબ હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર જ સભ્યો માટે મિનિ હોસ્પિટલ ઉભી કરવા શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે નિર્ણય કર્યો હતો. કોઇપણ સભ્યને બહાર જવું ન પડે અને અહીં જ શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે 4 બેડ, ઓક્સિજન વ્યવસ્થા સાથે 3 ડોક્ટરની પેનલ પણ તૈયાર રાખી છે, જરૂરી સ્ટાફ પણ રખાયો છે.
ખાલી બેડ શોધવા નહીં પડે
સભ્યોને હોસ્પિટલમાં ખાલી બેડ શોધવા ન પડે માટે અમે એક નવતર પ્રયોગ કર્યો છે. જ્યાં સભ્યની સારવારનો તમામ ખર્ચ શીતલ ઇન્ફ્રા. ઉપાડશે. શ્રેષ્ઠ સારવાર ઘરઆંગણે જ મળી રહે તેવી વ્યવસ્થાનો અમારો પ્રયાસ છે. – પારસ પંડિત, શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
17 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં
કેસની સમીક્ષાને આધારે મ્યુનિ.એ 17 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુક્યા છે. ઓઢવ પુષ્કર હિલના 270 મકાન તેમજ નરોડા પાસે બ્રિજ બનાવતી સાઈટને પણ કન્ટેઈનમેન્ટમાં મુકાઈ છે.
- શાકુંતલ બંગલોઝ, ઘોડાસર
- રચના ફ્લાવર બ્રીજ સાઇટ ઓફિસ, નરોડા સર્કલ
- કલદિપ એપાર્ટમેન્ટ, જોધપુર
- આરોહી ક્રેસ્ટ, સાઉથ બોપલ
- સત્યદિપ હાઇટ્સ, જોધપુર
- પ્રિતિશા એપાર્ટમેન્ટ, બોડકદેવ
- કલ્યાણ ટાવર, બોડકદેવ
- અનુશ્રી રેસીડન્સી, ગોતા
- પંચરત્ના એપાર્ટમેન્ટ, બોડકદેવ
- શ્યામ સતાધાર, ઘાટલોડિયા
- પુષ્કર હિલ-1, ઓઢવ
- શ્યામવિલા-3, નિકોલ
- બાલમુકુંદ, નિકોલ
- અવનિ હોમ્સ, નિકોલ
- અતિશય રેસિડન્સી, ચાંદખેડા