અમદાવાદ – AMCએ બોડીલાઈન અને અર્થમ હોસ્પિ. રૂ.5-5 લાખનો દંડ ફટકાર્યો, કોરોનાના દર્દીઓ પાસેથી ચાર્જ લેતા કાર્યવાહી

0
12

સીએન 24,ગુજરાત

અમદાવાદશહેરમાં એક તરફ કોરોનાનાં કેસ વધી રહ્યા છે, ત્યારે ખાનગી હોસ્પિટલોએ માનવતા નેવે મૂકી દર્દીઓ સાથે ખુલ્લેઆમ લૂંટફાટ શરૂ કરી છે. થોડા દિવસ પહેલા આંબાવાડીમાં આવેલી અર્થમ હોસ્પિટલ અને પાલડીની બોડીલાઈન હોસ્પિટલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારી હતી. કોર્પોરેશને આ બન્ને હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરી હોવાથી હોસ્પિટલે AMCના 50 ટકા રિઝર્વ બેડ ખાલી હોવા છતાં ફુલ થઈ ગયા છે તેવું કહી દર્દીઓને દાખલ કરાતા નહોતા તેમજ ચાર્જ પણ વસૂલવામાં આવતો હતો. જેને કારણે નોટિસ ફટકારી હતી. આજે કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરતા બન્ને હોસ્પિટલને રૂ.5-5 લાખનો દંડ ફટકાર્યો છે.

બોડીલાઈન હોસ્પિ.એ કોરોનાના રિફર કરેલા બે દર્દીઓ પાસેથી ચાર્જ વસૂલ્યો હતો
ધી એપેડેમિક ડીસીઝ એકટ હેઠળ MOU કરી પાલડીની બોડીલાઇન હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરી 50 ટકા બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવા કોર્પોરેશન દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને દર્દીઓ પાસેથી કોઈ ચાર્જ વસુલવાનો હોતો નથી છતાં હાટકેશ્વરમાં રહેતા હંસાબેન પરમારને SVP હોસ્પિટલે  બોડીલાઈન હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં હોસ્પિટલે કોરોના ટેસ્ટ પેટે 4500 રૂપિયા વસુલ કર્યા હતા. ઉપરાંત અન્ય એક દર્દી પાસેથી પણ પૈસા વસુલ કર્યા હતા. જે કોર્પોરેશનના ધ્યાને આવતા હુકમનો ભંગ કર્યો હોવાથી હોસ્પિટલનું C ફોર્મ કેમ કેન્સલ ન કરવું તેનો એક દિવસમાં ખુલાસો કરવા નોટિસ આપી હતી.

અર્થમે હોસ્પિ.એ રિઝર્વ બેડ માટે AMC પાસેથી પૈસા વસૂલ્યાં હતા
જ્યારે આંબાવાડીમાં આવેલી અર્થમ હોસ્પિટલે મ્યુનિ.ના રિઝર્વ બેડમાં પણ ખાનગી દર્દીઓને દાખલ કરી મ્યુનિ.એ મોકલેલા દર્દીઓ માટે જગ્યા નહીં હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલના 90માંથી 45 બેડ મ્યુનિ.ને ફાળવાયા છે. આ અંગે તપાસ કરવા આસિસ્ટન્ટ પ્રોફેસરે અર્થમ હોસ્પિટલની મુલાકાત લેતા ત્યાં મ્યુનિ.ના 6 બેડ પર સ્વખર્ચે દાખલ થયેલા ખાનગી દર્દ હતા. હોસ્પિટલ ખાનગી દર્દી પાસેથી ચાર્જ લેવા ઉપરાંત મ્યુનિ.પાસેથી પૈસા વસૂલતી હતી. SVPએ અર્થમ હોસ્પિટલને દર્દી દાખલ કરવા માટે કહેવાયું હતું. જોકે હોસ્પિટલે બેડ ઉપલબ્ધ ન હોવાની જાણ કરી હતી. આસિસ્ટન્ટ પ્રોફેસરના રિપોર્ટ પ્રમાણે AMCના રિઝર્વ બેડમાં 29 બેડ અને સ્વખર્ચે દાખલ થયેલા દર્દીવાળા 16 બેડ ખાલી હતા. આ 29 પૈકી 7 બેડ સામાન્ય અને 9 આઇસીયુ બેડ વેન્ટીલેટર વગરના હતા. જોકે તેમ છતાં કરાયેલી છેતરપિંડી સબબ આ હોસ્પિટલનું સી ફોર્મ કેમ રદ ન કરવું તેનો નોટિસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. 4 જૂને AMCએ જ્યારે અર્થમ હોસ્પિટલમાં દર્દીને રીફર કરવા કહ્યું, ત્યારે હોસ્પિટલે, ‘બેડ ઉપલબ્ધ નથી’ એમ કહી દીધુ હતું. ત્યારબાદ જ્યારે તપાસમાં AMCના રિઝર્વ બેડના 29 અને રૂપિયા ખર્ચનારના 16 બેડ ખાલી હતાં. અર્થમ હોસ્પિટલે AMC પાસે માહિતી છુપાવી અને AMCના રિઝર્વ બેડમાં હોસ્પિટલમાં પૈસા ખર્ચતા દર્દીને દાખલ કરી દીધા હતા. AMCને ખોટી માહિતી આપી હતી કે, બેડ કુલ થઈ ગયા છે અને AMC પાસેથી ખાલી બેડના પૈસા પણ લીધા હતા. આ રીતે નાણાંકીય ઉચાપત કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here