Saturday, September 18, 2021
Homeઅમદાવાદ : 18 મહિનાની બાળકીને સિવિલના ડોક્ટરોએ પીડાથી મુક્ત કરી
Array

અમદાવાદ : 18 મહિનાની બાળકીને સિવિલના ડોક્ટરોએ પીડાથી મુક્ત કરી

દોઢ વર્ષની બાળકીને ત્રણ મહિનાથી પેટમાં ગાંઠની તકલીફથી પીડાતી જોઇ પિતા હર્ષિતભાઇ ચિંતાતુર રહેતા. એક દિવસ સોશિયલ મીડિયા પર ટ્વિટરમાં સર્ફિંગ કરી રહ્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલના ટ્વિટર હેન્ડલ પર તબીબો દ્વારા બાળકોની પણ વિવિધ પ્રકારની જટિલ સર્જરી કરવામાં આવતી હોવાની પોસ્ટ નજરે પડી. તેમણે તરત જ આશાના કિરણને મનમાં જગાવીને તબીબને પોતાના બાળકીની પીડા વિશેની માહિતી આપતું ટ્વીટ કર્યું. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ પણ હર્ષિતભાઇના ટ્વીટના જવાબમાં દીકરીને હોસ્પિટલ લઇ આવવા કહ્યું. પછી જે થયું એ ઘટના અવિસ્મરણીય બની ગઈ.

18 મહિનાની દીકરીના પેટમાં ભ્રૂણ મળ્યું

મધ્યપ્રદેશના નીમુચ જિલ્લામાં રહેતા હર્ષિતભાઇ જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 18 મહિનાના દીકરી વેદિકાના પેટમાં ગાંઠની તકલીફને લઇને મધ્યપ્રદેશની વિવિધ હોસ્પિટલમાં ધક્કા ખાઇ રહ્યા હતા. દીકરીનું પેટ અચાનક ફૂલી જવાથી તે અત્યંત વેદના સહન કરી રહી હતી. મધ્યપ્રદેશમાં વિવિધ રિપોર્ટ્સમાં દીકરીના ગર્ભમાં અવિકસિત ભ્રૂણ હોવાનું જાણવા મળ્યું. આ ભ્રૂણને દૂર કરવાની સર્જરી અત્યંત પડકારજનક અને જોખમી હોવાથી મધ્યપ્રદેશના તબીબો તૈયાર થયા નહીં. જેથી હર્ષિતભાઇની નિરાશામાં વધારો થયો.

જીવને જોખમ હોવાથી મધ્યપ્રદેશની હોસ્પિટલોએ બાળકીનું ઓપરેશન કરવાનો ઈનકાર કરી દીધો.
જીવને જોખમ હોવાથી મધ્યપ્રદેશની હોસ્પિટલોએ બાળકીનું ઓપરેશન કરવાનો ઈનકાર કરી દીધો.

 

દીકરીને પીડામુક્ત કરવા મધ્યપ્રદેશનો પરિવાર અમદાવાદ આવ્યો

એવામાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા તેમના સગાએ ટ્વિટરના માધ્યમથી સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં આ પ્રકારની સર્જરી શક્ય હોવાનું જણાવતાં પિતાએ સિવિલના તબીબનો ટ્વિટરના માધ્યમથી સપર્ક કર્યો અને સિવિલ હોસ્પિટલમાં દીકરી વેદિકાને લઇને આવી પહોંચ્યા. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા વેદિકાનું સીટી સ્કેન કરાવવામાં આવ્યું, જેમાં દોઢ વર્ષની વેદિકાના પેટમાં 400 ગ્રામનું અવિકસિત ભ્રૂણ હોવાનું ચોક્કસ તારણ થયું.

3 કલાકની ભારે જહેમત બાદ સફળ ઓપરેશન

સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી પાસે આ પ્રકારની અત્યંત જટિલ સર્જરી કરવાનો અનુભવ હોવાથી તેમણે પોતાની ટીમ સાથે સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું. બાળરોગ સર્જરી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને એનેસ્થેસિયા વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. તૃપ્તિ શાહના સહયોગથી સમગ્ર સર્જરી 3 કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડીને ભ્રૂણને દૂર કર્યું.

3 કલાકની ભારે જહેમત બાદ સફળ ઓપરેશન કરાયું.
3 કલાકની ભારે જહેમત બાદ સફળ ઓપરેશન કરાયું.

20 વર્ષની કારકિર્દીમાં તબીબે ત્રીજો કિસ્સો જોયો

સર્જરીની વિગત આપતાં ડૉ. રાકેશ જોષી કહે છે, 18 મહિનાની બાળકીના પેટમાં અવિકસિત ગર્ભ હોવાની 20 વર્ષની તબીબી કારકિર્દીમાં ત્રીજી ઘટના જોવા મળી છે. વિશ્વમાં 5 લાખ બાળકોએ એક બાળકમાં આ પ્રકારની અત્યંત જટિલ બીમારી થતી જોવા મળે છે. સર્જરી દરમિયાન ચોકસાઇ અને તકેદારી રાખવામાં ન આવે તો બાળકીની ધોરીનસ, જમણી કિડની, સ્વાદુપિંડ, યકૃત અને કિડનીના રક્ત સ્ત્રાવને નુકસાન પહોંચવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે. આ તમામ બાબતોની સાવચેતી રાખીને સમગ્ર સર્જરી સફળાતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

બાળકીમાં અવિકસિત ભ્રૂણ કઇ રીતે બને છે?

આ પ્રકારના ભ્રૂણના વિકાસ માટે પેરાસાયટિક ટ્રિવન અને ટેરેટોમેટ્સ એમ બે પ્રકારની થિયરી કામ કરે છે. વેદિકામાં જોવા મળેલું ભ્રૂણ આ બંનેમાંથી કોઇપણ થિયરીના કારણે વિકસિત થયેલું હોવાની સંભાવના હતી, જેમાં ગર્ભની શરૂઆત થાય ત્યારે અંડકોષ ફલિત થયા બાદ બે ભાગમાં વહેંચાયું હશે એમ માનવામાં આવે છે, જેમાંથી એક સામાન્ય બાળક અને બીજો અંડકોષ બાળકમાં સમાઇ જતાં “ફિટ્સ ઇન ફિટુ” એટલે કે ગર્ભમાં ગર્ભ તરીકે વિકસે છે. એમાં લોહીનો સપ્લાય જીવંત બાળકમાંથી મળે છે અને મગજ, હૃદય, ફેફસાં જેવાં અંગો હોય છે, પરંતુ એ નિષ્ક્રિય રહે છે.

સિવિલમાં અન્ય રાજ્યના દર્દીઓના પણ ધસારો

સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે, સિવિલ હોસ્પિટલમાં રાજ્ય બહારથી પણ સારવાર અર્થે આવતા દર્દીઓનો ધસારો જોવા મળે છે. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ક્યારેય કોઇ પણ દર્દીને સારવાર માટે ના પાડવામાં આવી નથી. તબીબો દ્વારા તમામ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રીતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments