અમદાવાદ : એરપોર્ટ પર સામાન ઉતારવામાં 5 મિનિટ થતા ટેક્સી ભાડા સાથે પાર્કિંગના વધારાના 90 ચૂકવ્યા

0
7

અમદાવાદ એરપોર્ટ પર 1 એપ્રિલ એટલે કે આજથી પાર્કિંગ ચાર્જનો કોરડો વિંઝવામાં આવ્યો છે. એરપોર્ટનું સંચાલન કરતી અદાણી કંપનીએ કાર પાર્કિંગ ચાર્જમાં બમણા અને ટૂ-વ્હીલર પાર્કિંગ ચાર્જમાં ચાર ગણા વધારા સાથે એરપોર્ટ પર પિકઅપ ડ્રોપ ટાઇમ 5 મિનિટનો કરી દેવાતાં મુસાફરો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારથી એરપોર્ટનું સંચાલન અદાણીનો સોંપવામાં આવ્યું છે ત્યારથી નવા નવા નિયમો અને દંડો લાગુ કરવામાં આવી રહ્યાં છે. માત્ર એટલું જ નહીં, રિક્ષા અને ટેક્સી ચાલકો તથા મુસાફરોની કનડગત કરવામાં આવી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર હવે 5 મિનિટથી વધુ સમય વાહન લઈને જવા પર ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. જો કોઈપણ વાહન ચાલકે મુસાફરને એરપોર્ટ પર મૂકવા-લેવા આવવુ હોય તો 5 મિનિટમાં જ જતું રહેવું પડે છે, નહિ તો 5 મિનિટની ઉપર એક સેકન્ડ પર થઈ જાય તો ટુ વ્હીલર ચાલકે 30 રૂપિયા અને ફોર વ્હીલર ચાલકે 90 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. જેથી અનેક લોકો મુસાફરને મૂકીને તુરંત જ જતાં રહે છે અને કેટલાક તો એરપોર્ટ બહાર જ ઉતારી દે છે.

એરપોર્ટ બહાર હેરાનગતિનો સામનો કરી રહેલા મુસાફરો.

એરપોર્ટ બહાર હેરાનગતિનો સામનો કરી રહેલા મુસાફરો.

વાહનચાલકો અને મુસાફર બંને હેરાન

અગાઉ 10 મિનિટ સુધીનો સમય એરપોર્ટ પર મુસાફરોને મૂકવા આવતા લોકોને આપવામાં આવતો હતો. પરંતુ આજથી 5 મિનિટ જ સમય આપવામાં આવી રહ્યો છે. એરપોર્ટ અંદર પ્રવેશ મેળવ્યા બાદ ટિકિટ લઇને મુસાફર અને સામાનને ઉતારીને તુરંત જ બીજા ગેટથી બહાર નીકળી જવું પડે છે, જેના કારણે મુસાફરોને મૂકવા આવતા લોકો અને મુસાફર બંને હેરાન થઈ રહ્યા છે.

5 જ મિનિટના સમયમાં મુસાફરોને ઉતારવાના બાદમાં સામાન પણ ઉતારવાનો અને બીજા ગેટથી 5 મિનિટની અંદર બહાર નીકળવાનું રહે છે. જો 5 મિનિટથી વધુ સમય થાય તો ચાર્જ ચૂકવવો પડે છે. ચાર્જ ચૂકવવો પડતો હોવાથી મુસાફરના સગા વ્હાલા તો મુકવા માટે અંદર આવી જાય છે.પરંતુ રિક્ષા-ટેક્સી ચાલકો બહારથી જ મુસાફરોને ઉતારી દે છે, જેના કારણે મુસાફરોએ સામાન સાથે ચાલતા જવું પડે છે.

વડનગરથી આવેલા મુસાફર મોયુદ્દીન ખાન

વડનગરથી આવેલા મુસાફર મોયુદ્દીન ખાન

વડનગરના મુસાફરે તડકામાં સામાન સાથે ચાલીને જવું પડ્યું

આ અંગે વડનગરથી આવેલા મુસાફર મોયુદ્દીન ખાન પઠાણે જણાવ્યું હતું કે અમે મોદી સાહેબના ગામ વડનગરથી આવ્યા છીએ. અમારે કંપનીની ટૂરમાં ગોવા જવાનું છે. સવારે અમે ઇન્દિરા બ્રિજ આવ્યા હતા અને ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સુધી 40 રૂપિયામાં રિક્ષામાં આવ્યા હતા. એરપોર્ટ આવ્યા બાદ રિક્ષા ચાલકે કહ્યું કે અંદર આવીશું તો ચાર્જ આપવો પડશે. જેથી અમને બહાર જ ઉતારી દીધા. એરપોર્ટ બહાર ઉતાર્યા હોવાથી ચાલીને ડોમેસ્ટિક એરપોર્ટ સુધી આવવું પડ્યું હતું તેમાં પણ સાથે તડકામાં સામાન સાથે ચાલતા આવવું પડ્યું હતું.

ટેક્સી ભાડા ઉપરાંતનો ચાર્જ રૂ.90 મુસાફરે જ આપવો પડ્યો

આ પ્રમાણે બીજા પેસેન્જરો પણ બહારથી ચાલીને આવ્યા હતા અથવા ટેક્સીમાં આવ્યા હોય તો ઝડપથી સામાન ઉતારીને ટેક્સી ચાલકો જતાં રહ્યાં હતાં. કેટલાક કિસ્સામાં એવું પણ બન્યું કે મુસાફરોને સામાન વધુ હોવાથી સમય 5 મિનિટ જેટલો થઈ ગયો હતો તો ટેક્સીના ભાડા ઉપરાંત 5 મિનિટ ઉપરનો 90 રૂપિયા ચાર્જ મુસાફરે જ આપવો પડ્યો હતો. મુસાફરો આ વાતથી અજાણ હોવાથી ખૂબ જ હેરાન થયા છે અને એરપોર્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

એરપોર્ટનું સંચાલન સંભાળતા જ રિક્ષાચાલકોને તગેડી મૂક્યા હતા

અદાણી ગ્રુપ દ્વારા 5 મહિના પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ 50 વર્ષ માટે હસ્તગત કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે પગલાં રૂપે તેમણે ટર્મિનલ સુધી આવતા રિક્ષાચાલકોને તગેડી મૂક્યા હતા. એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ્યા બાદ પેસેન્જર સુરક્ષાની જવાબદારી અગાઉની જેમ CISF પાસે જ રહેશે. પરંતુ ટર્મિનલ બિલ્ડિંગ બહાર સામેની તરફ તેમજ પેસેન્જરોને લેવા મુકવા આવતા વાહનોને લાઈનબદ્ધ કરવાની જવાબદારી ખાનગી સિક્યોરિટી ગાર્ડ્સને સોંપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here