અમદાવાદ: રતનપોળમાં આવેલી આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી રૂ. 5 લાખની ચોરી કરવામાં આવી છે. એક્ટિવા પર આવેલા બે શખ્સ અકસ્માત કર્યો છે કહી કર્મચારીને ઉભો રાખ્યો હતો. ચાવી લઇ ઝઘડો કરી નજર ચૂકવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. નવરંગપુરા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
અકસ્માતનો પ્લાન બનાવ્યો
રાયપૂર વિસ્તારમાં રહેતા કેશવ ફ્લેટ તાનાજી પ્રજાપતિ રતનપોળમાં આવેલી મયૂરકુમાર કાંતિલાલ આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. ગુરુવારે સાંજે ચારે વાગ્યે સીજી રોડ પર આવેલી શાતિલાલની ઓફિસે શેઠના પાંચ લાખ રૂપિયા લેવા ગયા હતા. પૈસા લઇ એક્ટિવાની ડેકીમાં મૂકી પરત ફરતા હતા ત્યારે મીઠાખળી વસંતવિહાર ચાર રસ્તા નજીક એક્ટિવા પર આવેલા બે શખ્સ અકસ્માત કર્યો છે કહી તાનાજીને ઉભા રાખ્યા હતા. એક વ્યક્તિએ ચાવી કાઢી લઇ સામેના રોડ પર જતો રહ્યો હતો. તાનાજી પાછળ પાછળ ચાવી લેવા ગયા હતા. બોલાચાલી કરતા હતા ત્યારે બીજા શખ્સે એક્ટિવામાં રહેલા પાંચ લાખ કાઢી લીધા હતા. તાનાજીએ આવીને ડેકીમાં તપાસ કરતા રૂપિયા ગાયબ હોવાની જાણ થઇ હતી. નવરંગપુરા પોલીસે ચાર રસ્તા પર લાગેલા સીસીટીવી તપાસતા બે શખ્સ દેખાયા હતા.