અમદાવાદ : મેયર સહિતના શાસકોના વોર્ડમાં જ સુવિધાઓ વધારવાની જાહેરાત

0
6

રાજ્યના સૌથી મોટા અને આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22નું સુધારા સાથેનું બજેટ શાસક પક્ષ ભાજપ દ્વારા આજે સોમવારે બપોરે 12 વાગ્યે ઓનલાઇન વીડિયો કોન્ફરસના માધ્યમથી રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે રૂ 8051 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે રજૂ કરેલા રૂ. 7,475 કરોડના બજેટમાં રૂ.576 કરોડનો વધારો કર્યો છે. શાસક પક્ષ ભાજપે અમદાવાદીઓને રાહત આપતા સામાન્ય વેરા, વોટર કન્વર્ઝેશન અને વાહનવેરામાં કોઈ વધારો કર્યો નથી.

જ્યારે થલતેજના ઝાયડસ રોડ પર 30 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. જેના માટે 30 કરોડની જોગવાઈ કરી છે.

આ બજેટ નિરસ છે. નળ, ગટર, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ખાસ કોઈ ફાળવણી કરવામાં આવી નથી. આમ નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોનો આગામી વર્ષમાં ઉકેલ આવશે કે કેમ તે પણ એક સવાલ છે.

શાસકોના વોર્ડમાં જ સુવિધાઓ વધારવાની જાહેરાત
કોર્પોરેશનના વર્ષ 2021-22ના બજેટમાં ભાજપના શાસકોએ પોતાના વોર્ડમાં જ સુખ સુવિધાઓ વધારી હોવાની જાહેરાત કરી છે. આ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અને થલતેજ વોર્ડના કોર્પોરેટર એવા હિતેશ બારોટના વોર્ડમાં આવતી ઝાયડ્સ હોસ્પિટલ રોડ પર એક 30 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મેયર કિરીટ પરમારના ઠક્કરબાપાનગર વોર્ડમાં ટીપી 66, FP 102માં નવી મ્યુનિસિપલ સ્કૂલ બનાવાશે. આ ઉપરાંત ટીપી 65, FP 173માં યોગા સેન્ટર તથા જિમનેશિયમ બનાવવામાં આવશે.

દંડક અને ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂતના વોર્ડમાં પણ સિનિયર સિટીઝન પાર્ક બનાવવાની જાહેરાત કરાઈ છે. જો કે ચાંદખેડા વિસ્તારમાં સારા સિનિયર સિટીઝન પાર્ક ઉપલબ્ધ જ છે, આમ છતાં ત્યાં નવા પાર્ક બનાવવાની જાહેરાત કરી છે. જ્યારે સરસપુર વોર્ડના કોર્પોરેટર અને પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટના વોર્ડમાં કાલુપુર રેલવે સ્ટેશનની પૂર્વ બાજુ સરસપુર તરફનો રોડ બ્યુટીફિકેશન સહિતનો બનાવવામાં આવશે.

40 ચો.મી.ની રહેણાંક મિલકત ધારકોને ટેક્સ માફી
શહેરના 40 ચોરસ મીટરના રહેણાંક મિલકત ધારકોને ટેક્સ માફી આપવામાં આવી છે. જેનો 6.49 લાખ મિલકત ધારકોને લાભ મળશે. તેમજ 40 ચો.મી. સુધીના ક્ષેત્રફળ ધરાવતી તમામ રહેણાંક મિલકતોમાં જો 1 જૂન 2021થી 31 ઓગસ્ટ 2021 સુધીમાં વર્ષ 2020-21 સુધીનો પુરેપુરો પ્રોપર્ટી ટેક્સ(વધુમાં વધુ ત્રણ હપ્તામાં)ભરપાઈ કરવામાં આવે તો તેવા તમામ કરદાતાઓને તેમની પાછલી રકમ પર ચઢેલા વ્યાજમાં 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે.

ઈ વ્હિકલના વેરામાં 100 ટકા રાહત
ઈ વ્હિકલના વેરામાં 100 ટકા રાહત આપી છે. AMCની બિલ્ડિંગોમાં ચાલી રહેલી ટ્રસ્ટની હોસ્પિટલની મિલકતોમાં 70 ટકા રિબેટ આપવામાં આવી છે. ફાયર સ્ટેશન અને ફાયર ચોકીમાં વધારો કરવા 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

4 નવા ફ્લાય ઓવર
વર્ષ 2021-22ના ડ્રાફ્ટ બજેટમાં કમિશનરે ઘોડાસર, પ્રગતિનગર, સતાધાર અને નરોડા પાટિયામાં 4 નવા ફ્લાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવી
છે. જ્યારે બોપલ-ઘુમા વિસ્તારમાં ઈકોલોજિકલ પાર્ક તૈયાર કરવાની યોજના મુકવામાં આવી હતી.

ગત વર્ષના મોટાભાગના કામ બાકી
ગત વર્ષે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રૂ. 8907.32 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં રૂ. 777.67 કરોડનો વધારો શાસક પક્ષે કર્યો હતો અને રૂ. 9,685 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. જેમાં મોટા ભાગનાં કામ કોરોના મહામારીને કારણે બાકી રહી ગયાં છે. કોરોનાને કારણે બજેટનું કદ ગત વર્ષ કરતાં ઘટ્યું છે. ગત વર્ષ કરતાં રૂ. 1432 કરોડના ઘટાડા સાથે બજેટ મુકેશકુમારે રજૂ કર્યું હતું.

કોર્પોરેટરની ગ્રાન્ટમાં 13 લાખનો વધારો
જ્યારે મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેટરોને રૂ.17 લાખની ગ્રાન્ટ આપવાની દરખાસ્તમાં શાસક પક્ષ ભાજપે રૂ.13 લાખનો વધારો કર્યો છે અને રૂ. 30 લાખની ગ્રાન્ટ હવે કોર્પોરેટરોને મળશે. કેવડિયામાં જેવું આયુષ્ય માનવ ગાર્ડન બનાવવામા આવ્યું છે, એવું આયુષ્ય માનવ ગાર્ડન અમદાવાદ શહેરમાં રૂ. 5 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

બજેટ હાઈલાઈટ્સ

 • 10 આધુનિક પાર્ટી પ્લોટ બનાવવા 11 કરોડની જોગવાઈ
 • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલને એ.સી.બનાવવા 12 કરોડની જોગવાઈ
 • કોર્પોરેટરોની ગ્રાન્ટ રૂ.30 લાખ કરવામાં આવ્યું છે. જેના માટે 25 કરોડની જોગવાઈ કરી છે.
 • સ્પેશિયલ કમિટી ચેરમેન અને ડે. ચેરમેન માટે ખાસ 1.65 કરોડની જોગવાઈ
 • શહેરની રેફરલ હોસ્પિટલને અદ્યતન બનાવવા 10 કરોડની જોગવાઈ
 • સિનિયર સિટીઝન માટે નવા બગીચાઓ બનાવવા 5 કરોડની જોગવાઈ
 • અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા સ્કૂલ બોર્ડને સોંપવામાં આવેલી શાળાઓની મરામત કરવા માટે 10 કરોડની ફાળવણી
 • સૈજપુર તેમજ ઠક્કરબાપાનગર નગરમાં નવી શાળાઓ બનાવવા માટે 2 કરોડની જોગવાઈ
 • ઠક્કરબાપાનગરમાં જિમ્નેશિયમ બનાવવા 1 કરોડ
 • ચાંદખેડા તેમજ અન્ય વોર્ડમાં સિનિયર સિટીઝન પાર્ક બનાવવા માટે 5 કરોડની જોગવાઈ
 • સરદાર બાગ ખાતે બાળકોના રમવાના સાધનો વસાવવા માટે 5 કરોડની જોગવાઈ
 • આયુષ માનવ થીમ આધારિત ગાર્ડનનું નિર્માણ કરવા માટે 5 કરોડની જોગવાઈ
 • શહેરને ગ્રીન સિટી બનાવવા 5 કરોડની જોગવાઈ
 • મ્યુનિસિપલ ગાર્ડનોમાં કસરતના સાધનો વસાવવા માટે 2 કરોડની જોગવાઈ
 • કોર્પોરેશનની માલિકીના હોટ મિક્સ પ્લાન્ટ બનાવવા માટે 6 કરોડની જોગવાઈ
 • ફાયર સ્ટેશન અને ફાયરની ચોકીમાં વધારો કરવા માટે 15 કરોડની જોગવાઈ
 • શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોટર વર્કસનું આયોજન કરવા માટે 10 કરોડ
 • ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સ્ટેન્ડબાય બોર બનાવવા માટે 10 કરોડ
 • જુદા-જુદા વિસ્તારોમાં પાણીની ઓવરહેડ ટાંકી બનાવવા માટે 25 કરોડ
 • 5 નવી એમ્બ્યુલન્સ અને 5 નવી શબવાહિની ખરીદવા માટે 5 કરોડ
 • તળાવોના વિકાસના આયોજન માટે 10 કરોડ
 • મોબાઇલ ટોઇલેટ વાન તેમજ ગ્રીન ટોયલેટ વાન ખરીદવા માટે 2 કરોડ
 • શહેરમાં 10 નવા આધુનિક પાર્ટી પ્લોટ બનાવવા 11 કરોડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here