અમદાવાદ: પશ્વિમના આ વિસ્તારોમાં જવાનું ટાળજો, અહીં વધ્યા છે સૌથી વધુ કેસો

0
7

અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ અને ભય ઓછો થવાનું નામ લેતા નથી. આજે એક જ દિવસમાં વધુ 149 લોકોના રિપોર્ટ પોઝીટિવ આવતા સારવાર માટે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થયા છે અથવા હોમ-આઈસોલેશનમાં રહેવાનું પસંદ કર્યું છે. બીજી તરફ સારવાર દરમ્યાન ચાર દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે સાજા થયેલા 232 લોકો ડિસ્ચાર્જ થયા છે.

મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધીમાં કુલ 27288 દર્દીઓ કોરોનાના નોંધાયા છે. જેમાંથી 1611ના સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે કોરોનાને હાર આપી સાજા થયેલાંની સંખ્યા 22577ની થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં ડિસ્ચાર્જનો આંકડો અચાનક જ ઉંચો જતાં એકટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 3087ની થઈ ગઈ છે.

આ વિસ્તારોમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

જેમાં ઉત્તર પશ્ચિમ જોનના બોડકદેવ, થલતેજ, ચાંદલોડિયા, ગોતા, ઘાટલોડિયા વિસ્તારો 555 દર્દીઓ સાથે સૌથી આગળ રહ્યાં છે. બીજા ક્રમે પશ્ચિમઝોન 521 દર્દી સારવાર હેઠળ છે. પશ્ચિમના વિસ્તારોની કુલ સંખ્યા 1529ની થવા જાય છે. નવા 17 માઈકો કન્ટેન્મેન્ટમાંથી 13 તો માત્ર પશ્ચિમના વિસ્તારોમાં જ છે.

આઈસીબીઆઈસલેન્ડ ચાંદલોડિયા, શુકન ગ્લોરી ગોતા, દ્વારકેશ રેસી., થલતેજ, ક્રિષ્ના રો-હાઉસ વેજલપુર, સોમેશ્વર એપા. જોધપુર, ઈન્દ્રપ્રસ્થ-5 જોધપુર, જલદિપ બોપલ, વાઈબ્રન્ટ સિલ્વર બોપલ, શ્રીનંદનગર વેજલપુર, પંચશ્લોક ચાંદખેડા, શાંતી એપા. નવરંગપુરા, શ્રીનાથ બંગલો મોટેરામાં વધુ કેસો હોવાનું જાણવા મળે છે.

એગ્રેસિવ ટેસ્ટીંગ તમામ વિસ્તારોમાં શરૂ કરાયું છે, માઈક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા વધતી જાય છે. તેમ છતાં દર્દીના અને મૃત્યુના આંકડા સ્થિર રહે છે, તે બાબત સમજી ના શકાય તેવી છે. ખાનગી હોસ્પિટલોમાં 823 બેડ ભરાયેલાં છે, જેમાંથી 130 આઈસીયુ બેડ ઉપરાંત 81 વેન્ટીલેટર સાથેના આઈસીયુ બેડ ભરાયેલા છે.

અત્યાર સુધીમાં 1607 દર્દીના મૃત્યુ થયા છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ 646, ખાનગી હોસ્પિટલોમાં 406, એસવીપીમાં 234 અને કેન્સર હોસ્પિટલમાં 103 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. જોકે સ્મશાન અને કબ્રસ્તાનની યાદી સાથે સરખામણી કરાય તો મૃત્યુનો આંકડો ઘણો ઉંચો જતો રહે તેમ છે. બીજી તરફ હેલ્થના એક અધિકારીએ જણાવ્યું હતું કે રેપિડ-એન્ટિજન ટેસ્ટમાં પોઝીટિવ આવનારના આંકડા જાહેર નથી કરાતા તેવું અમને પણ લાગી રહ્યું છે.