અમદાવાદ – 17 દિવસના શિશુની જટિલ સર્જરી સફળ રહી, કોરોનાને પણ હરાવ્યો, હજુ નામ પણ નથી પાડ્યું

0
0
  • સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ નવજાત શિશુની આંતરડાની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરાઈ
  • જેનું નામ પણ નથી પડ્યું તે નવજાતને જેજુનલ એટ્રિસિયા નામની બીમારી હાવી-ઓપરેશન સફળ
નવજાત શિશુને કિલકિલાટ કરતું જોઇને સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ ખૂબ જ આનંદિત

સીએન 24 ગુજરાત

અમદાવાદએશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ અનેક દર્દીઓનાં જટીલ ઓપરેશન કરવામાં આવે છે. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના વાઈરસને કારણે દર્દીના ઓપરેશન ડૉક્ટર્સ માટે વધુ જટીલ બની રહ્યા છે. આવા જ એક કિસ્સામાં કોરોના પોઝિટિવ 17 દિવસના બાળકનાં આંતરડાની જટીલ સર્જરી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી. આ સર્જરી સિવિલના પિડ્રિયાટિક્સ વિભાગના ડૉક્ટર્સ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. જે બાળકનું હજી સુધી નામ પણ નથી રાખી શકાયું તેના પર જેજુનલ એટ્રેસિયા  નામની બીમારી હાવી બની હતી. નવજાતના માતા સીતાબેન લાગણીસભર બની જણાવે છે કે, હું અને મારા પતિ અમારા બાળકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ડિલેવરી માટે હું હોસ્પિટલમાં દાખલ થઈ ત્યારે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મારા બાળકને હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું અને મને પહેલાં સમરસ હોસ્ટેલ અને ત્યારબાદ સોલા સિવિલમાં શિફ્ટ કરવામાં આવી હતી.

પોઝિટિવ હોવાને કારણે બાળકની સર્જરી પડકારરૂપ બની

સીતાબેન વધુમાં જણાવે છે કે, મારા બાળકને જન્મજાત આંતરડામાં તકલીફ હોવાને કારણે મળ-મૂત્રનો નિકાલ કરી શકતું ન હતું અને તેનું પેટ ફુલાઈ રહ્યું હતું. મારા બાળકને સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા જ્યાં મારા બાળકનું સફળ ઓપરેશન કરાયું હતું. સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રિક સર્જરી ડિપાર્ટમેન્ટના ડોક્ટર્સ દ્વારા બાળકને મિડ-જેજુનલ એટ્રેસિયા હોવાનું જાણ થઈ આ બીમારીમાં બાળકમાં આંતરડાનો યોગ્ય વિકાસ થતો નથી પરિણામે શરીરમાં પાચનક્રિયાને સંબંધિત સમસ્યાઓ સર્જાય છે. બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા પછી સલામતી ખાતર બાળકનો કોરોના ટેસ્ટ કરવામાં આવતાં પોઝિટિવ આવ્યો. કોરોના પોઝિટિવ હોવાને કારણે બાળકની સર્જરી પડકારરૂપ બની રહી હતી.

અતિજોખમી અને જટિલ સર્જરી કરવામાં આવી

સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રિક સર્જનની ટીમ, પિડિયાટ્રિશિયન્સ અને એનેસ્થેસિયોલોજિસ્ટ્સ એ મળીને આ પડકાર ઝીલી લીધો. હોસ્પિટલના પિડિયાટ્રિક સર્જરીના એસોસિયેટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને તેમની ટીમ દ્વારા જરૂરી તમામ સાવચેતી અને સાવધાનીઓ રાખીને અતિજોખમી અને જટિલ સર્જરી કરવામાં આવી, જેમાં આંતરડાના એટ્રેટિક હિસ્સાને સર્જરીથી કાપીને દૂર કરવામાં આવ્યો અને આંતરડાને શરીરમાં રિસ્ટોર (પુનઃ સ્થાપિત) કરાયું.

કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવતા રાહત

સર્જરી કર્યા બાદ 17 દિવસના આ બાળકને કોવિડ હોસ્પિટલમાં નવજાત બાળકો માટેના નિઓનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (એન.આઈ.સી.યુ) માં શિફ્ટ કરવામાં આવ્યું, જ્યાં ડૉ. જોલી વૈષ્ણવ અને ડૉ. ચારૂલ પુરાણીના નેતૃત્વમાં પિડિયાટ્રિશયન્સની ટીમે બાળકની આવશ્યક સારસંભાળ રાખી.
પિડિયાટ્રિક સર્જરીના હેડ ડૉ. રાકેશ જોશી દ્વારા બાળકને ઓપરેશન પછીની સર્જિકલ સારવાર આપવામાં આવી. ઓપરેશન કર્યા પછી બાળકની રિકવરી ઘણી સરળ રહી હતી અને હવે તેની હાલત સ્થિર છે. બાળક યોગ્ય રીતે સ્તનપાન પણ કરી રહ્યું છે અને તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો છે. બાળકના માતા-પિતા ખૂબ રાહત અને ખુશી અનુભવી રહ્યા છે.

ખિલખિલાટ એમ્બ્યુલન્સમાં ઘરેમાં મોકલવામાં આવ્યા

જેજુનલ એટ્રેસિયાએ નાના આંતરડામાં ભાગ્યે જ જોવા મળતી એક જટિલ શારીરિક ખામી છે અને નવાં જન્મ લેનાર 10,000 બાળકોમાંથી 1 કે 2 જ બાળકો તેનો ભોગ બને છે. એટ્રેશિયાનું સ્થાન જેટલું નજીક હોય તેટલી જ કોમ્પ્લિકેશન્સની શક્યતાઓ વધી જાય છે. આ બાળકના કેસમાં ઘણા પડકારો હતા, જેમકે નવજાતનું વજન ફક્ત 2.5 કિલોગ્રામ હતું, કોરોના પોઝિટિવ હોવાને કારણે એનેસ્થેસિયા આપવામાં પણ ખૂબ જોખમ હતું અને મિડ-જેજુનલ એટ્રેસિયાને કારણે તો તકલીફોની હારમાળા સર્જાય એમ હતી. આ બધી તકલીફો છતાં પણ ડોક્ટરોએ હિંમત કરીને આ પડકાર સ્વીકાર્યો અને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી આજે રજા લઈને પોતાના ઘરે જઈ રહેલા નવજાત શિશુને કિલકિલાટ કરતું જોઇને સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ આજે ખૂબ જ આનંદિત છે. ખિલખિલાટ એમ્બ્યુલન્સમાં માતા અને બાળકને ઘરે મોકલવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here