અમદાવાદ – AMTSમાં ડ્રાઇવરો એનાઉન્સમેન્ટ સિસ્ટમ બંધ રાખીને મનફાવે તેવા ફિલ્મી ગીતો વગાડે છે

0
68

આજે પણ પેસેન્જર્સ માટે એએમટીએસ બસ સર્વિસ તેના શહેરભરમાં ફેલાયેલા વ્યાપના કારણે જાહેર પરિવહન ક્ષેત્રના મામલે કંઇક અંશે દિલાસારૂપ છે. ખાનગીકરણના હવાલે એએમટીએસ બસનું સંચાલન તંત્ર દ્વારા સોંપાયું હોઇ બસની અનિયમિતતા, ડ્રાઇવર-કન્ડકટરનું ઉદ્ધત વર્તન, રફ ડ્રાઇવિંગ જેવી ફરિયાદોનું પ્રમાણ પણ વધતું ગયું છે. તેમાં પણ લાખો રૂપિયાના ખર્ચે બસમાં બેસાડેલી એલઇડી ડિજિટલ ડિસ્પ્લે સિસ્ટમ મહદંશે ચાલુ ન હોઇ ચોમાસાની ઋતુમાં બસની રાહ જોઇને બસ સ્ટેન્ડ પર ઊભેલા પેસેન્જર કે બસની અંદર બેઠેલા પેસેન્જર પોતાના રૂટની બસ તેમજ ઊતરવાનું સ્થળ ચૂકી જતાં હોઇ એએમટીએસના શાસકો પણ આ મામલે ગંભીર બન્યા છે.

પેસેન્જર બસસ્ટેન્ડ પાસેથી પસાર થતી બસને સમયસર રોકી શકતા નથી

એએમટીસએસ બસની બહાર ડ્રાઇવરની કેબિનની ઉંપર રૂટ નંબર અને રૂટ દર્શાવતું એલઇડી ડિસ્પ્લે બોર્ડથી દૂરથી આવતી બસને ઓળખવામાં પેસેન્જર્સને રાહત મળે છે, પરંતુ આ ડિસ્પ્લે બોર્ડ અનેક બસમાં બંધ હાલતમાં હોઇ બસના બહારના કાચમાં ચોકથી રૂટ નંબર લખાય છે. જે સ્વાભાવિકપણે વરસાદમાં ભૂંસાઇ જતા હોઇ પેસેન્જર બસસ્ટેન્ડ પાસેથી પસાર થતી બસને સમયસર રોકી શકતા નથી અને પોતાના રૂટની બસ સડસડાટ નજર સામેથી નીકળી જવાથી પેસેન્જરને નછૂટકે શટલ રિક્ષા પકડવી પડે છે. આમાં પણ પાસધારકો અને મનપસંદ ટિકિટધારકોની દશા વધારે કફોડી બને છે.

ડ્રાઇવર પોતાની પસંદગીનાં રોમેન્ટિક ફિલ્મી ગીત સાંભળે છે

જ્યારે બસની અંદરના ર‌િનંગ ડિસ્પ્લે બોર્ડ પણ ચાલુ હાલતમાં હોતા નથી. બસમાં બેસાડેલી એનાઉન્સમેન્ટ સિસ્ટમ તો લગભગ બંધ જ હોય છે. આનું કારણ ડ્રાઇવર-કન્ડકટરોની મનમાની છે. કેટલાક ડ્રાઇવરને પોતાની પસંદગીનાં રોમાંટિક ફિલ્મી ગીત સાંભળવા ગમે છે તો અમુકને હિંદુ-મુસ્લિમ ધર્મને લગતા ગીતોનો શોખ હોય છે. કેટલાક તો બસમાં આરતી-ભજન વગાડીને ધાર્મિક માહોલ ઊભો કરે છે. સ્પીકરનું વોલ્યુમ પણ એટલું મોટું મુકાય છે કે પેસેન્જર માટે માથાનો દુઃખાવો બને છે. તે સમયે પેસેન્જર્સ ફોન પર સરખી રીતે વાત પણ કરી શકતા નથી. અજાણ્યા પેસેન્જર્સ ડિસ્પ્લે બોર્ડ તેમજ એનાઉન્સમેન્ટ સિસ્ટમ બંધ હોઇ પોતાનાં ગંતવ્યસ્થાને સમયસર ઊતરી શકતા નથી અને નિર્ધારિત બસ સ્ટેન્ડને બદલે આગળનાં બે-ચાર બસસ્ટેન્ડ સુધી લાંબા થવું પડે છે. પેસેન્જર્સની ફિલ્મી ગીત-ભજન વગાડવા સામેના વિરોધને પણ કેટલાક માથાભારે ડ્રાઇવર ગાંઠતા નથી.

બે વર્ષથી ડિજિટલ ડિસ્પ્લેની સમસ્યા

તાજેતરમાં મળેલી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં પણ આ મુદ્દે સભ્યોએ તંત્ર પર પસ્તાળ પાડી હતી. જાણકાર સૂત્રો કહે છે કે છેલ્લાં બે-અઢી વર્ષથી બંધ ડિજિટલ ડિસ્પ્લેની સમસ્યા વધુ વકરી છે. કેમકે આના મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ સ્માર્ટ સિટી મિશન પ્રોજેકટ હેઠળ અપાયો છે. પરિણામે ડ્રાઇવર-કન્ડકટર પર કોઇની ધાક રહી નથી.

બંધ એલઇડી ડિસ્પ્લે-એનાઉન્સમેન્ટ સિસ્ટમની ફરિયાદો વધતાં ચારેક દિવસ પહેલાં ખુદ એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે સારંગપુર ડેપોથી શહેરના વિવિધ વિસ્તારોનો રાઉન્ડ લીધો હતો. તેમની સાથે સ્કવોડની ટીમ પણ હતી. અતુલ ભાવસાર કહે છે કે મારા રાઉન્ડ દરમિયાન એલઇડી ડિસ્પ્લે તમામ બસમાં કાર્યરત રહે તેમજ ડ્રાઇવરો એનાઉન્સમેન્ટ સિસ્ટમને હર હાલતમાં ચાલુ રાખે તે બાબતે તંત્રને યોગ્ય કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ હોઇ સિનિયર સિટીઝનો, મહિલાઓ-બાળકોને બસ પકડવામાં કે નિર્ધારિત બસસ્ટેન્ડે ઉતરવામાં તકલીફ ન પડે તે દિશામાં હું ગંભીર છું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here