અમદાવાદ : ડૉક્ટર દંપતી કોરોનાની વેક્સિન લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યા

0
5

કોરોનાના કહેરને રોકવા માટે વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે. દેશ અને રાજયમાં ત્રીજા તબક્કામાં વેકસીનેશન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદમાં ડોકટર દંપતી કોરોના રસી લીધા બાદ કોરોના સંક્રમિત થયા છે. આંબાવાડી વિસ્તારમાં રહેતા ડોકટર દંપતીએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હતાં. હાલમાં તેમને ઘરમાં જ ક્વોરન્ટાઈન કરવામા આવ્યાં છે.

ડો.બેલાબેન દવે સાથે વાતચીત કરી
કોરોના સંક્રમિત થનાર અને AMC ડેન્ટલ કોલેજના પ્રોફેસર ડો. બેલાબેન દવેએ વાતચીતમાં જણાવ્યું હતું કે અમે રસીના બંને ડોઝ લીધા છે. હાલમાં હું અને મારા પતિ બંને કોરોનાં પોઝિટિવ થયા છીએ. ઘરે ક્વોરન્ટાઇન છીએ. તબિયત પણ એકદમ સ્થિર છે. રસી લીધા બાદ કોરોના થયો છે પરંતુ તેની કોઈ આડઅસર નથી.

અમદાવાદમાં અધિકારીઓએ કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી
અમદાવાદમાં અધિકારીઓએ કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી

કોરોના વોરિયર્સને બંને ડોઝની રસી આપવામાં આવી હતી
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને ખોખરા AMC ડેન્ટલ કોલેજના પ્રોફેસર ડો. બેલાબેન દવે અને તેમના પતિ ડો. દિલીપ દવે જેઓ બાપુનગરમાં ભાગ્યેશ પેથોલોજી લેબોરેટરી ચલાવે છે. બંને કોરોનાં વોરિયર્સ છે અને તેઓએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હતા. ડોઝ લીધાં બાદ બે દિવસ પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવતાં તેઓ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવતાં તેઓ ઘરે હોમ ક્વોરન્ટાઇન થયાં છે. તેઓને કોરોનાના કોઈ લક્ષણ જણાતાં નથી અને એકદમ સ્વસ્થ છે. કોરોના વોરિયર્સને બંને ડોઝની રસી આપવામાં આવી હતી. અમદાવાદમાં કોરોનાં રસી લીધા બાદ ડોકટર દંપતી પોઝિટિવ આવતા હવે કોરોના વેકસીન પર સવાલ ઉભા થયા છે.

જૂનાગઢમાં MBBSનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો
જૂનાગઢ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતા. તેમ છતાં બે દિવસ પહેલાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો. મેડિકલ કોલેજની હોસ્ટેલ ખાલી કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. હાલ કોરોના રસીના ડોઝ આપવાનો વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ગત જાન્‍યુઆરીના અંતમાં જૂનાગઢ મેડિકલ કોલેજમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને કોરોના રસીનો પ્રથમ અને તેના 28 દિવસ બાદ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમ છતાં મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતા અને હોસ્‍ટેલમાં રહેતા એક વિદ્યાર્થીનો બે દિવસ પહેલાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો.

બી.જે.મેડિકલ કોલેજના 1 હજાર મેડિકલ સ્ટુડન્ટ્સે વેક્સિનનો ડોઝ લીધો હતો
બી.જે.મેડિકલ કોલેજના 1 હજાર મેડિકલ સ્ટુડન્ટ્સે વેક્સિનનો ડોઝ લીધો હતો

બે ડોઝ લીધા પછી 10 દિવસ સાવચેતી જરૂરી
જાણકારોના મતે કોરોના વેક્સિનના એક મહિનાના અંતરે બે ડોઝ લેવાના રહે છે. બીજો ડોઝ લીધા બાદ 10 દિવસ પછી જે-તે વ્યકિતના શરીરમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન થતા હોય છે. સૂત્રોના મતે જૂનાગઢમાં જે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે તેના બે ડોઝ પૂર્ણ થઈ ચૂક્યા હતા, પરંતુ બીજો ડોઝ લીધાના સાત દિવસ બાદ જ તે કોરોના સંક્રમિત થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે રાહતની વાત એ છે કે વિદ્યાર્થીની તબિયત હાલ સ્થિર છે.

રાજ્યમાં 24 કલાકમાં 57,194 લોકોનું રસીકરણ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 હજાર 194 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 60 વર્ષથી વધુ વયના લોકો અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર રોગ ધરાવતા 42,849 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 19 લાખ 77 હજાર 802 લોકોને પ્રથમ ડોઝ અને 5 લાખ 635 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો 1 માર્ચથી પ્રારંભ થયો છે. ત્યારે 60 વર્ષથી વધુ વયના લોકો અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓનું રસીકરણ હાથ ધરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here