અમદાવાદ : ખોવાયેલું પર્સ પરત કરી ર્પોલીસ પ્રજાની મિત્ર’ હોવાનાં સૂત્રને સાર્થક કરતી ગાંધીનગર ટ્રાફિક પોલીસ,

0
8
  • 13 હજાર રૂપિયા ભરેલું પર્સ પડી જતાં કિરીટભાઈ આકુળ-વ્યાકુળ થઈ ગયેલા
  • પોલીસે ફોન કરીને ઈન્દ્રોડા સર્કલ સુધી આવીને કિરીટને પર્સ પરત કર્યું
  • પર્સમાંથી 13 હજાર રૂપિયામાંથી મોટાં ભાગનાં રૂપિયા ઉડી ગયેલા, 6 હજાર પરત મળ્યા

ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદના રહીશનું 13 હજાર રોકડાં રૂપિયા તેમજ અગત્યના કાગળો ભરેલું પર્સ પરત કરીને પોલીસની ઈમાનદારી અને કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. જોકે કોબા સર્કલ પાસે પડી ગયેલાં પર્સમાંથી 7 હજાર રૂપિયા હવામાં ઉડી ગયા હતા. પરંતુ ટ્રાફિક પોલીસની સમયસૂચકતા થી 6 હજાર રૂપિયા તેમજ અગત્યના કાગળો અમદાવાદના રહીશને પરત મળ્યાં હતાં.

પોલીસે ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું
ગાંધીનગર રેન્જના આઈજી અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે રાત્રે ગાંધીનગર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસ જવાનોએ પોતાની ઈમાનદારીનું પ્રેરણા દાયક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કિરીટે ખોવાયેલું પર્સ પરત મળવાની આશા છોડી મુકેલી
અમદાવાદનાં નરોડા ખાતે સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતા કિરીટ મિસ્ત્રી ધોળકૂવા સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં સુથારી કામ અર્થે એક ભાઈને મળવા માટે ગઈકાલે રાત્રે આશરે 7.30 વાગે પ્લેઝર ઉપર ગાંધીનગર આવ્યા હતાં. કોબા સર્કલ પસાર કરીને તેઓ સ્વામિનારાયણ મંદિર તરફ આવ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે પર્સ ક્યાંક રસ્તામાં પડી ગયું છે. અગત્યના કાગળો તેમજ 13 હજાર રૂપિયા ભરેલું પર્સ પડી જતાં કિરીટભાઈ આકુળ-વ્યાકુળ થઈ ગયાં હતાં. ગાંધીનગર જેવા વિસ્તારનાં રસ્તાથી અજાણ કિરીટભાઈએ ખોવાયેલું પર્સ પરત મળવાની આશા છોડી દીધી હતી.

ટ્રાફિક પોલીસે રસ્તામાંથી રૂપિયા તેમજ અગત્યના કાગળો વીણી લીધા
આ અંગે કિરીટભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે કોબા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની પાછળ ગાંધીનગર ટ્રાફિક પોલીસની ગાડી આવી રહી હતી. તે સમયે તેમને પોતાના પર્સ પડ્યાં હોવાની જાણ નહોતી, પરંતુ ગાંધીનગર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એએસઆઇ કનુભાઈ, હેંડ કોન્સ્ટેબલ મહિપતસિંહ તેમજ ડ્રાઇવર રાકેશે રોડ પર પડી ગયેલા પર્સમાંથી રૂપિયા તેમજ કાગળો ઊડતાં જોયા હતા. જેના કારણે તેમણે તરત ગાડી ઉભી રાખી રોડ નો ટ્રાફિક થોડીવાર માટે અટકાવીને રૂપિયા તેમજ અગત્યના કાગળો વીણી લીધા હતા.

13 હજારમાંથી મોટાભાગના રૂપિયા ઉડી ગયા
તમામ વસ્તુઓ એકત્રિત કર્યા પછી તેમણે કાગળો પર લખેલા ફોન નંબરના આધારે ફોન કરીને ઈન્દ્રોડા સર્કલ સુધી આવીને કિરીટને પર્સ પરત કર્યું હતું. ગાંધીનગર ટ્રાફિક પોલીસની કર્તવ્યનિષ્ઠા અને ઈમાનદારીને કિરીટભાઈએ બિરદાવ્યું હતું. વધારે તેમણે જણાવ્યું હતું કે, પોલીસે આવા કપરા સમયમાં પણ તેમનું ખોવાઈ ગયેલું પર્સ પરત કરીને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. જો કે રોડ પર પડી ગયેલા પર્સમાંથી 13 હજારમાંથી મોટાં ભાગનાં રૂપિયા ઉડી ગયા હતા, જેમાંથી ટ્રાફિક પોલીસની સમયસૂચકતાને આધારે 6 હજાર રૂપિયા પરત આપી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here