Thursday, October 28, 2021
Homeઅમદાવાદ : શહેરમાં 59 ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી,...
Array

અમદાવાદ : શહેરમાં 59 ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી, વેન્ટિલેટર સાથેનાં 62 ટકા, કુલ 69 ટકા બેડ ખાલી

શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થતો જાય છે, જેનાં સુખદ પરિણામથી હોસ્પિટલોના ભારણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શહેરની 59 જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી, જ્યારે વેન્ટિલેટર સાથેનાં 62 ટકા બેડ ખાલી છે, જ્યારે કુલ 69 ટકા બેડ ખાલી હોવાનું આહનાના ડેટામાં દર્શાવવામાં આવ્યું છે.

શહેરમાં કુલ 105 ખાનગી હોસ્પિટલમાં કુલ 3549 જેટલાં બેડ છે, જેમાંથી 2445 જેટલાં બેડ ખાલી છે, જ્યારે 31 ટકા બેડ ભરાયેલાં છે. સૌથી વધુ આઇસોલેશનના 74 ટકા બેડ ખાલી થયાં છે. હોસ્પિટલોના સતત ઘટી રહેલા ભારણને પગલે મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા 9 જેટલી ડેઝિગ્નેટેડ કરવામાં આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલને ડિનોટિફાઇ કરવામાં આવી છે, એટલે કે હવે આ હોસ્પિટલોમાં કોવિડ સિવાયની અન્ય બીમારીઓની સારવાર કરવામાં આવશે. બીજી તરફ, 7 જેટલી હોટલોમાં તૈયાર કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર પણ ખાલી છે. આ હોટલો મોટા ભાગની હોસ્પિટલો દ્વારા મેનેજ કરવામાં આવી રહી છે, જેમાં કુલ 108 જેટલાં બેડ છે. જોકે એકપણ દર્દી હાલમાં આ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો નથી.

9 ખાનગી હોસ્પિટલને કોવિડની યાદીમાંથી દૂર કરાઈ

સીફા હોસ્પિટલ, જમાલપુર
એશિયન બેરિયાટિક્સ, બોડકદેવ
ઇન્ડો વાસ્ક, જૂના વાડજ
પુષ્ય હોસ્પિટલ, નવરંગપુરા
કર્ણાવતી સુપર સ્પેશિયાલિટી, નરોડા
એપોલો સિટી સેન્ટર, પાલડી
સિંધુ હોસ્પિટલ, અમદાવાદ
સનરાઇઝ હોસ્પિટલ, નરોડા
પુખરાજ હોસ્પિટલ, સાબરમતી
નવા 221 કેસ અને વધુ 4 દર્દીનાં મોત

છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં કોરોના વાઇરસના ચેપના નવા 221 કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 4 દર્દીનાં મૃત્યુ થયાં હતાં. આ સાથે અમદાવાદમાં કુલ કેસનો આંકડો 52 હજારને વટાવી ગયો છે. જ્યારે કુલ મૃત્યુ આંક 2200 નજીક પહોંચવા આવ્યો છે. દિવાળી પછી શહેરમાં કોરોનાના કેસમાં વિસ્ફોટ થયો હતો. જોકે છેલ્લા કેટલાક દિવસથી કેસ ઘટતાં આંકડો સતત 250થી નીચે આવી રહ્યો છે.

ફરી એકપણ વિસ્તાર કન્ટેન્મેન્ટમાં નહીં

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે શહેરમાં કોરોનાના કેસની સમીક્ષાને આધારે શુક્રવારે એકપણ વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂક્યો ન હતો. સતત ત્રીજા દિવસે એકપણ વિસ્તાર કન્ટેન્મેન્ટમાં મુકાયો નથી. આમ, કેસમાં ઘટાડાની સાથે સાથે માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે 11 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી દૂર કરાયા હતા. હવે માત્ર 44 વિસ્તાર કન્ટેન્મેન્ટમાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments