અમદાવાદ : એક દિવસમાં નવા ૪૮૨૧ કેસ નોંધાયા, ૨૨ લોકોનાં મોત થયા

0
0

અમદાવાદ શહેરમાં ગત વર્ષે માર્ચ મહિનાથી શરૂ થયેલી કોરોના મહામારી બાદથી અત્યાર સુધીમાં કુલ ૧,૧૧,૧૪૬ કેસ નોંધાયા છે. બુધવારે ૨૪ કલાકમાં શહેરમાં નવા ૪૮૨૧ કેસ નોંધાયા છે. બુધવારે ૨૨ લોકોનાં મોત થયા છે. સતત વધી રહેલા કોરોનાના નવા કેસની સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધી રહી છે. ૨૦ એપ્રિલે એકિટવ કેસની સંખ્યા ૨૩૯૯૫ હતી. જે ૨૧ એપ્રિલે વધીને ૨૭૭૨૭ ઉપર પહોંચી ગઈ છે. સંક્રમણને લઈ કથળી રહેલી સ્થિતિને લઈ શહેરમાં લોકો પણ કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

અમદાવાદમાં બુધવારે કોરોનાના નવા ૪૮૨૧ કેસ નોંધાતા શહેરમાં અત્યાર સુધીમાં કુલ-૧,૧૧,૧૪૬ કેસ નોંધાવા પામ્યા છે. બુધવારે ૯૧૯ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ ૭૬૯૧૪ લોકો કોરોના મુકત થયા છે. ૨૨ લોકોના મરણ સાથે અત્યાર સુધીમાં કુલ ૨૬૨૫ લોકોના કોરોના સંક્રમિત થવાથી મોત થયા છે. મંગળવારે શહેરમાં કુલ ૪૬૩૧ કેસ નોંધાયા હતા. આમ બે દિવસમાં કુલ ૯૪૫૨ નવા કેસ નોંધાયા છે. ઉપરાંત ૪૮ કલાકમાં કુલ ૪૫ લોકોના મોત થયા છે.

સતત વધી રહેલા કેસની સાથે ગત વર્ષે એપ્રિલ મહિનામાં સંક્રમણને લઈ જે પરિસ્થિતિ જોવા મળતી હતી એથી પણ વધુ ખરાબ પરિસ્થિતિ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે, ત્યારે અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. તંત્ર તરફથી જાહેર કરવામાં આવતા દર્દીઓ અને મૃત્યુના આંકડાઓને લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે.

ફાયર કર્મચારી પણ 104, 108 સામે લાચાર બન્યા

અમદાવાદ શહેરના સાબરમતી ફાયર સ્ટેશન ખાતે જમાદાર તરીકે ફરજ બજાવી રહેલા પ્રકાશ બારોટના પરિવારમાં કોરોના પોઝિટિવ પેશન્ટ હોઈ બુધવાર સવારથી ૧૦૪,૧૦૮ ઉપરાંત ૧૦૭૫ ઉપર મદદ મેળવવા માટે સતત પ્રયાસ કરતા રહ્યા આમ છતાં તેમને એક પણ તરફથી કોઈ પ્રકારની મદદ મળી શકી નહોતી.તેમના કહેવા પ્રમાણે, સાબરમતી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ૧૨ કર્મચારીઓ પૈકી પાંચ કર્મીઓ કોરોના સંક્રમિત છે. આ પરિસ્થિતિમાં સગા ભાણીયાને દાખલ કરાવવા માટે ૧૦૪,૧૦૮ની મદદ મેળવવા સવારથી રાતના નવ સુધી પ્રયાસ કરવા છતાં મદદ મળી શકી નહોતી.

સેનેટરીવેર મરચન્ટ્સ અને સેનેટરીવેર્સ એસો.નું આજથી સ્વૈચ્છિક લોકડાઉન

કોરોનાની મહામારીના સંજોગોમાં અમદાવાદ સેનિટરીવેર મર્ચન્ટ્સ એસોસિએશન અને ટાઈલ્સ એન્ડ સેનેટરીવેર્સ એસોસિએશન દ્વારા તા. ૨૨ એપ્રિલથી તા. ૨૫ એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવશે.

ફૂડ સેફટી ઓફીસરનું નિધન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ફૂડ સેફટી ઓફીસર તરીકે ફરજ બજાવતા મીતાબહેન મહેતા કોરોના સંક્રમિત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં બુધવારે તેમનું નિધન થયુ છે.

11897 લોકોને કોરોના વિરોધી રસી અપાઈ

બુધવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ ૧૧૮૯૭ લોકોને કોરોના વિરોધી રસી અપાઈ હતી. જેમાં ૬૭૮૩ પુરૂષ અને ૫૧૧૪ મહિલાનો સમાવેશ થતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here