અમદાવાદ : કળિયુગી દીકરાએ માતાને તૂટેલા કાચ પર હાથ પકડીને ઢસડી

0
4

શહેરના વેજલપુર વિસ્તારમાં 32 વર્ષની એક મહિલાએ પોતાના ભાઈ વિરુદ્ધ માતાને માર મારવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે તેના ભાઈએ 55 વર્ષની વિધવા માતા પાસે 10000 રૂપિયાની માગણી કરી હતી, જે ન મળતા તેણે ઘરમાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું. આટલેથી આગળ વધીને તેણે માતાને તથા બહેનને પણ ઈજાગ્રસ્ત કરી દીધા હતા.  આટલું જ નહીં કળિયુગી દીકરાએ માતાને તૂટેલા કાચ પર હાથ પકડીને ઢસડી હતી. જેથી તેમને શરીરમાં ઈજાઓ પહોંચી હતી.

વિધવા માતા સાથે હેવાન દીકરાએ કરી મારપીટ
ઘટનાની વિગતો મુજબ, શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી ચૈતાલી નામની યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિનું ત્રણ મહિના અગાઉ હાર્ટ એટેકથી નિધન થઈ ગયું હતું. તેના પિતાનું પણ ત્રણ મહિના પહેલા બીમારીથી મોત થઈ ગયું હતું. એવામાં તેની માતા દીકરા જીગર સાથે એકલા રહેતા હતા. રવિવારે ચૈતાલીને માતાના પાડોશીએ ફોન કરીને જણાવ્યું કે, જીગર તેની માતા સાથે મારપીટ કરી રહ્યો છે.

વેજલપુર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
વેજલપુર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

10 હજાર રૂપિયા ન મળતા ગુસ્સે થયો દીકરો
ચૈતાલીને ત્યાં જઈને જાણવા મળ્યું કે, જીગરે સવારે તેની માતા મધુ પાસે 10,000 રૂપિયાની માગણી કરી હતી. આ બાદ તેણે ફરીથી બીજા 10,000ની માગણી કરતા માતાએ તેને પૈસા ન હોવાથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી ગુસ્સે થઈ ગયેલા જીગરે તેમની સાથે ઝઘડો શરૂ કરી દીધો અને ઘરનું ફર્નિચર લોખંડની પાઈપથી તોડવા લાગ્યો. જ્યારે ચૈતાલીએ ત્યાં જઈને ભાઈને શાંત કરવાનો પ્રયાસ કર્યો તો તેણે ઘરની બારીના કાચ તોડવાનું શરૂ કરી દીધું. જીગરે આટલેથી ન અટકીને માતાને પણ લોખંડની પાઈપ મારવાનું શરૂ કરી દીધું. એવામાં બહેન માતાને બચાવવા જતા જીગરે તેને ધક્કો માર્યો હતો. જેથી તેને હાથમાં ઈજા પહોંચી હતી.

કાચના ટૂકડાઓ પરથી માતાને ઢસડી
કળિયુગી દીકરાએ આગળ વધીને ઘરમાં પડેલા બારીના તૂટેલા કાચના ટૂકડાઓ પરથી માતાને હાથ પકડીને ઢસડી હતી, જેથી તેમને ઈજાઓ પહોંચતા લોહી નીકળવા લાગ્યું અને તેઓ બેભાન થઈ ગયા. બાદમાં પાડોશીઓએ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી. બંને માતા અને દીકરીને સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા, જ્યાંથી તેમણે બાદમાં જીગર વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here