અમદાવાદ જનતા કર્ફ્યુ : પરિમલ ગાર્ડન, માણેકચોક, લાલદરવાજા, કાળુપુર રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં સન્નાટો

0
10

અમદાવાદ:જનતા કરફ્યુને લઈ આજે રાજ્ય સરકાર દ્વારા તમામ એસટી બસો પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જનતા કરફ્યુના પગલે એસટી, બીઆરટીએસ, રેલવે સ્ટેશન સહિત બંધ જોવા મળ્યા હતા. ઉપરાંત પરિમલ ગાર્ડન, લાલદરવાજા, મૂર્તિમલ કોમ્પલેક્ષ માણેકચોક સોની બજાર સહિતના શહેરના તમામ વિસ્તારો સજ્જડ બંધ રહ્યા છે. વહેલી સવારથી ગણતરીના વાહનો રોડ પર ફરતા જોવા મળ્યા હતા. લોકોએ દૂધ તેમજ ખાણી-પીણીનો સામાન એક-બે દિવસ પહેલા સ્ટોકમાં લઈ લીધો છે. જેના કારણે શનિવારના રોજ કરિયાણા તેમજ દૂધની ડેરીએ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

બસ બંધ થવાથી મુસાફરો અટવાયા

બસ અને ટ્રાવેલસો બહારગામથી અનેક મુસાફરો આજે અમદાવાદમાં અટવાઈ પડ્યા હતા. ઉત્તર ગુજરાત તરફ જવા માટે સુભાષબ્રિજ એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરો અટવાઈ પડ્યા હતા. રાજસ્થાન તરફ જવા માટે આવેલા કેટલાક મુસાફરો પણ બસો અને ટ્રેન બંધ હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. નાસિકથી વહેલી સવારે આવેલા યુવકે જણાવ્યું હતું કે અમારે મહેસાણા જવું છે પણ કોઈ જ સાધન નથી મળતું તેમજ ખાનગી વાહનચાલકો ડબલ ભાડું વસૂલી રહ્યા છે. બસો બંધ હોવાના કારણે ખાનગી અને રિક્ષાચાલકો લૂંટ ચલાવી રહ્યા છે. સુભાષબ્રિજથી મહેસાણા જવાના 200થી 250 રૂપિયા વસુલ કરી રહ્યા છે. મહેસાણાના રહેવાસીએ જણાવ્યું હતું કે અમે આજે સવારે બહારગામથી આવ્યા છીએ અને મહેસાણા જાવા માટે એક કલાકથી અહીંયા ઉભા છીએ છતાં કોઈ વાહન નથી મળી રહ્યું.

AMTS અને BRTS બંધ, આજે સાફ સફાઈ કરવામાં આવશે 

જનતા કરફ્યુને લઈ આજે AMTS અને BRTS બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જેના પગલે શનિવારે સાંજથી જ BRTS બસ સ્ટેન્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા. સવારે BRTS બસ સ્ટેન્ડ પર એક વ્યક્તિ જોવા મળી ન હતી. તમામ BRTS બસ સ્ટેન્ડને આજે સાફ સફાઈ કરવામાં આવશે અને ફ્યુમીગેશનની કામગીરી પણ કરવામા આવશે. AMTS બસો પણ બંધ જોવા મળી હતી. AMTS કે BRTS બસ સ્ટેન્ડ પર કોઈ માણસ બસની રાહ જોતા જોવા મળી ન હતી. તમામ AMTS અને BRTS બસો ડેપોમાં મુકવામા આવી છે. આ તમામ બસોને આજે સાફ સફાઈ કરવામા આવશે.

અમદાવાદ સ્વયંભુ બંધ

જનતા કર્ફ્યુને લઈને અમદાવાદના તમામ વિસ્તારો સુમસામ જોવા મળ્યા હતા. ત્રણ દરવાજા, આશ્રમ રોડ, પરિમલ ગાર્ડન, સહિતના વિસ્તારો સુમસામ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં મેડિકલ તેમજ દૂધની ડેરી તેમજ કરિયાણાની દુકાનો સિવાય અન્ય તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે. ત્યારે રોડ પણ સુમસામ થઈ ગયા છે.

અમદાવાદના મોલ મલ્ટિપ્લેક્સ તો ઠીક મંદિરો પણ બંધ

કોરોનાના કહેરના કારણે જનતા કર્ફ્યુંનું વડાપ્રધાને કરેલી અપીલને કારણે અમદાવાદમાં મોલ મલ્ટિપેક્સ દુકાનોની સાથે મંદિરો પણ બંધ રહ્યા હતાં. ખાસ કરીને વર્ષો પછી ભદ્રકાળી મંદિર પણ બંધ કરી દીધું હતું, આ ઉપરાંત દરેક વિસ્તારમાં પણ મંદિરો બંધ રહ્યા હતા, એટલું જ નહીં ભક્તો પણ ક્યાંય દેખાતા નહતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here