અમદાવાદ MD ડ્રગ્સ કેસ:ક્રાઈમ બ્રાન્ચે મુંબઈના ડોંગરીના કરોડપતિ ડ્રગ સપ્લાયરને ઝડપ્યો, DRI સહિતની એજન્સીઓ શોધી રહી છે

0
0
  • ડોંગરીના અફાક બાવાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લેતા ગુજરાત, મહાષ્ટ્ર અને ગોવાના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થવાની સંભાવના
સીએન 24,ન્યુઝ
મુંબઈના ડોંગરીના સૌથી મોટા કરોડપતિ ડ્રગ સપ્લાયરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્ણાટક ગોવા બોર્ડર પરથી ઝડપી લીધો છે. અફાક બાવા ગુજરાતમા આવતા મેથિલેનેડિઓક્સી મેથેમ્ફેટેમાઇન (MDMA) એટલે કે MD ડ્રગ્સનો સૌથી મોટો સપ્લાયર છે. ગુજરાતના ડ્રગ રિસિવર રોકડા રૂપિયા લઈને મુંબઈ જતા હતા અને અફાકના દીકરાની સાથે ડીલ થયા બાદ અમદાવાદ લાવતા હતા. અફાક બાવાને ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) અને અન્ય એજન્સીઓ શોધી રહી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અફાક પકડાતા હવે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડિલિંગની વિગત જાણવા મળશે.

MD ડ્રગ્સ શું છે? અને કેવી રીતે એ મૂડ બદલે છે?
મેથિલેનેડિઓક્સી મેથેમ્ફેટેમાઇન (MDMA) એટલે કે MD ડ્રગ્સ એક પ્રકારનું સિન્થેટિક ડ્રગ છે, જે એકાએક મૂડને ઉત્તેજિત કરીને અલગ પ્રકારની રંગીન દુનિયામાં હોવાનો અહેસાસ કરાવે છે. એ સ્ટીમ્યુલન્ટ અને હેલુસિનોજેન્સ એટલે કે મૂડ ઉત્તેજક તરીકેની રાસાયણિક પ્રક્રિયા શરીરમાં ભજવે છે. MDMAને ઈસ્ટેસી અથવા મોલી તરીકે પણ ઓળખવામાં આવે છે. MD ડ્રગ્સ અન્ય માદક દ્રવ્યો જેવા કે કોકેઈનની સરખામણીમાં સસ્તું અને વધુ નશાકારક હોવાનું મનાય છે.

ડોગરીનો અફાક રૂપિયા લઈને પછી ડ્રગ્સ આપતો
13 સપ્ટેમ્બરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક પોલીસકર્મી સહિત ત્રણને MD ડ્રગ્સના રૂ. એક કરોડની કિમતના જથ્થા સાથે ઝડપી લીધા હતા. આ તમામ ગુજરાતમાં મુંબઈથી ડ્રગ્સ લાવતા હતા. આ ડ્રગ્સ માટે રીતસરની એક સિસ્ટમ ગોઠવાઈ હતી. મુંબઈના ડોગરીમાં વૈભવી લાઈફ સ્ટાઇલ જીવતા અફાક બાવાને સુધી પહોંચતા ગુજરાતના અને મુંબઈના અનેક નાના ડિલરો મારફતે અફાકના દીકરા સાથે વાત થતી હતી. ત્યાર બાદ અફાક બાવા રૂપિયા રિસીવ કરે પછી જ ડ્રગ્સની ડિલિવરી કરતો હતો.

ગુજરાત, મહારાષ્ટ્રનું ડ્રગ્સ નેટવર્ક ખુલ્લું પડવાની શક્યતા
અફાક બાવા મુંબઈના મોટા ડ્રગ્સ ડિલરો પૈકીનો એક છે. જેને સેન્ટ્રલ એજન્સી શોધી રહી છે. લોકડાઉનમાં તે તેની સાસરીમાં છુપાયેલો હતો અને ત્યાંથી તેનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો. હવે અફાકની ધરપકડથી ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે. અત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તે દિશામાં તપાસ કરી રહી છે.

અમદાવાદ અને મુંબઈની એક આખી સર્કિટ કામ કરી રહી છે
રવિવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કરોડના MD ડ્રગ્સ સાથે પોલીસકર્મી સહિત 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ડ્રગ્સકાંડની એક-એક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં બહાર આવી રહ્યું છે કે કોઈ ઝડપથી રૂપિયા કમાવવા તો કોઈ દેવામાં ડૂબી જતાં MD ડ્રગ્સની હેરાફેરીમાં જોડાયા છે. આ આખા રેકેટનું કનેક્શન મુંબઈ સુધી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ પકડાયેલા લોકો તો માત્ર ડ્રગ્સ કેરિયર છે, તેની પાછળ અમદાવાદ અને મુંબઈની એક આખી સર્કિટ કામ કરી રહી છે.

ડ્રગ્સની ડિલિવરી માટે બેરોજગાર અને આર્થિક જરૂરિયાતવાળા લોકો જોડાય છે
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં MD ડ્રગ્સના વેચનારા 17 માસ્ટર માઇન્ડની અલગ-અલગ એજન્સીએ યાદી તૈયાર કરી હતી. આ યાદીમાંથી કેટલાક શખ્સો હાલ જેલમાં છે, જ્યારે અન્ય લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં MD ડ્રગ્સનું એક ખાસ પ્રકારના કોડવર્ડથી વેચાણ કરવામાં આવે છે, જેમાં કેટલાક ટપોરીઓ MD ડ્રગ્સની ડિલિવરી માટે બેરોજગાર અને આર્થિક જરૂરિયાતવાળા લોકોને પોતાની સાથે જોડે છે. આખા રેકેટમાં કોડ સૌથી મહત્ત્વનો છે અને એના આધારે જ ડ્રગ્સ ‘સલામત રીતે’ ગ્રાહક સુધી પહોંચે છે.

ડ્રગ્સ માટે આ પ્રકારના કોડવર્ડ અને ક્વોન્ટિટીનો ઉપયોગ
સૂત્રો મુજબ, MD ડ્રગ્સ મેળવવા માટે સૌથી પહેલા રેફરન્સ જરૂરી હોય છે, જે અગાઉ ડ્રગ્સ લેનાર કે સપ્લાયરનો રેફરન્સ આપે છે. ત્યાર બાદ સામાન્ય રીતે શહેરની પોળ જેવી ગલીઓમાં ડ્રગ્સની ડિલિવરી થતી હોય છે. આ ડિલિવરીની એક આખી ચેઈન અને તેના કોડવર્ડ અને ક્વોન્ટિટીની દુનિયામાં ડોકિયું કરીએ તો MD ડ્રગ્સની ઝીપર(1 ગ્રામ પાઉડર ફોર્મ), દાણા (ક્રિસ્ટલ ફોર્મ),શાણા( ગ્રાહક યુવક),ચીડિયા( ગ્રાહક યુવતી અથવા રેફરન્સ ) કહેવામાં આવે છે. હાલ અમદાવાદમાં MD ડ્રગ્સનું ચલણ આગની જેમ ફેલાઈ રહ્યું છે અને એને પકડવા માટે શહેરની તપાસ એજન્સીઓ સાથે નાર્કોટિક્સ અને સેન્ટ્રલ એજન્સી પણ સક્રિય થઈ છે.

પોલીસ વડાપદે નિમણૂક થતાં જ ભાટિયાએ કહ્યું હતું ડ્રગ્સ અને હેરોઇન હેરાફેરીની ચેઇન તોડીશું
એક મહિના પહેલાં રાજ્યના પોલીસ વડા બનેલા આશિષ ભાટિયાએ ચાર્જ સંભાળ્યો ત્યારે પણ તેમની ભાવિ રણનીતિમાં ડ્રગ્સ અને હેરોઈનની હેરાફેરીની ચેઈન તોડવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ગાંજો ઓડિશાથી આવે છે. MD ડ્રગ્સ મુંબઈથી આવે છે અને હેરોઇનની હેરાફેરી દરિયાઈ સીમાઓથી થાય છે. આ ત્રણેય ચેનલને તોડી પાડવા પર સખત ભાર મૂકવામાં આવશે. હેરાફેરી કરનારા મુખ્ય સૂત્રધારોને શોધીને રાજ્યમાં સ્થાનિક સ્તર પર થતી હેરાફેરી બંધ કરાવાશે.

ગુજરાતમાંથી 9 મહિનામાં 6 વાર MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

  • 19 જુલાઈ- અમદાવાદના શાહ-એ-આલમમાંથી રૂ. 34 લાખની કિંમતના MD ડ્રગ્સના 342 ગ્રામ જથ્થા સાથે મુંબઈની મહિલા સહિત ત્રણ ઈસમોની ધરપકડ.
  • 9 જુલાઈ- DRIએ સુરત અને તાપીમાં ફાર્મા કંપનીમાં ટ્રેમાડોલ નામની ડ્રગ ટેબ્લેટ બનાવતા ત્રણની ધરપકડ સાથે 15.2 લાખ ટેબ્લેટ જપ્ત કરી હતી.
  • 10 ફેબ્રુઆરી- ગુજરાત એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) મુંબઈમાં રેડ કરીને 1500 કિગ્રા હેરોઈનના કેસમાં વોન્ટેડ મુનાફ હાલારીની ધરપકડ કરી હતી
  • 31 જાન્યુઆરી- કચ્છમાંથી એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) 188 કિગ્રા હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.13 ઓગસ્ટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS)એ સિદ્ધપુરમાં 245 ગ્રામ કિંમત રૂ. 24.53 લાખનો મુદ્દામાલ સાથે 4ની ધરપકડ કરી
  • 13 સપ્ટેમ્બર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના CTMમાંથી રૂ.1 કરોડના MD ડ્રગ્સ સાથે 5 શખ્સની ધરપકડ કરી હતી, જેમાંનો એક આરોપી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ASI ફિરોઝ પણ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here