અમદાવાદ: શહેરમાં ખાનગી સ્કૂલોની હરિફાઈમાં હવે ધીમે ધીમે મ્યુનિસિપલ સ્કૂલોનું મહત્વ વધી રહ્યું છે. તેમજ રાજ્યમાં છેલ્લા એક વર્ષથી ખાનગી શાળાઓમાં શિક્ષણ મોંઘું થયું છે. ખાનગી શાળાઓ ઉંચી ફી લઈ અને નબળું શિક્ષણ આપે છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો જે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરે છે, તેઓએ ધો. 8 બાદ માધ્યમિક શાળામાં પ્રવેશ માટે ખાનગી શાળામાં પ્રવેશ લેવો પડે છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 જેટલી માધ્યમિક શાળાઓ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેથી હવેથી મ્યુનિસિપલ શાળાના વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષા આપી શકશે.
સ્કૂલ બોર્ડને સૂચના અપાઈ
આજના મોંઘા શિક્ષણથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે ભણતર અધુરું મૂકી દે છે અથવા સારું શિક્ષણ નથી મેળવી શકતા. અમદાવાદ કોર્પોરેશનની યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માધ્યમિક સ્કૂલો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ ગુજરાતી માધ્યમની 5 જ મ્યુનિસિપલ માધ્યમિક શાળાઓ કાર્યરત છે, જેના કારણે ધોરણ 8 બાદ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં જવું પડતું હતું. જેથી કોર્પોરેશન દ્વારા માધ્યમિક શાળાઓ વધારવાનો નિર્ણય કરી સ્કૂલ બોર્ડને સૂચના આપવામાં આવી છે.
એડમિશન ન મળવાની મુશ્કેલીમાંથી રાહત મળશે
મ્યુનિસિપલ શિક્ષણ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંગ તોમરે જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ધો. 8માંથી પાસ થયા બાદ એડમિશન મેળવવામાં તકલીફ પડે છે અને ડ્રોપ આઉટ થતા હોય છે. જેથી નજીક માધ્યમિક શાળાઓ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સંખ્યા આપવામાં આવી છે. કેટલી સ્કૂલો શરૂ કરવામાં આવશે તેનો આગામી દિવસોમાં નિર્ણય લેવાય તેવી શકયતા છે.