Wednesday, September 29, 2021
Homeઅમદાવાદઅમદાવાદ : નરોડા વોર્ડ : કોર્પોરેટરો અને અધિકારીઓ કામ નહીં કરતા હોવાના...

અમદાવાદ : નરોડા વોર્ડ : કોર્પોરેટરો અને અધિકારીઓ કામ નહીં કરતા હોવાના આક્ષેપ, ભાજપના મંત્રી ધરણાં પર

અમદાવાદના નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટરોની કામગીરીથી સ્થાનિક પ્રજા નારાજ થઈ છે. હંસપુરા ગામના સ્મશાનના વિવાદમાં પણ કોર્પોરેટરોએ સ્થાનિકોની મદદ ન કરી અને બિલ્ડરો સાથે મળી ગયા હોવાની ચર્ચા વચ્ચે હવે ખુદ ભાજપના જ મંત્રી કોર્પોરેટરો અને અધિકારીઓની કામગીરીથી નારાજ થઈ ધરણા પર બેસી ગયા હતા. આજે સવારે નરોડા વોર્ડના ભાજપના મંત્રી મયુરસિંહ વાઘેલા નોબલનગર સિવિક સેન્ટર ખાતે ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેટરો અને અધિકારીઓ કામ નથી કરતા.

કાઉન્સિલરોને ફરિયાદ કરી થાક્યો, અધિકારીઓ કામ નથી કરતા
સોશિયલ મીડિયામાં તેઓએ પોસ્ટ મૂકી હતી કે પાટીદારવાડી, મામા કલ્યાણ ચાર રસ્તા, આદિશ્વર, સત્યમ વિદ્યાલય, ધર્મનાથ, સેન્ટ મેરી સ્કૂલ, શ્રીરામ ચોકડી સુધી પાવડર, દવાનો છંટકાવ, મચ્છરજન્ય ધુમાડો અને ગટરના પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી ધરણા પર બેઠો છું. કાઉન્સિલરોને ફરિયાદ કરી થાકી ગયો છું. અધિકારીઓ કામ નથી કરતા. મારી પાસે ઓપશન નથી. ભાજપના જ મંત્રી ધરણા પર બેસી જતાં સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ અને પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને સ્થાનિક નેતાઓ નરોડા દોડી ગયા હતા અને વોર્ડ ઓફિસમાં બેસી મીટીંગ કરી હતી.

ભાજપના મહામંત્રી ધરણાં પર છે તેની મને ખબર નથી
નરોડા વોર્ડના કોર્પોરેટર વિપુલ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના નરોડા વોર્ડના મહામંત્રી મયુરસિંહ વાઘેલા નાગરિકોની ફરિયાદને લઈ અને ધરણા ઉપર ઉતર્યા હતા તેની મને ખબર જ નથી. વિપુલ પટેલે એવી રીતે જવાબ આપ્યો હતો કે આવી કોઈ ઘટના જાણે નરોડામાં બની જ હોય. તેઓ વોર્ડના મહામંત્રીને ઓળખતા જ ન હોય. ખરેખર આ રીતે હોય તો નરોડામાં શું ચાલે છે. તેની એક કોર્પોરેટર તરીકે વિપુલ પટેલને ખબર જ નથી હોતી.

સોશિયલ મીડિયા પોસ્ટ
સોશિયલ મીડિયા પોસ્ટ

તાડપત્રી રાખી મૃતદેહને અગ્નિદાહ આપવો પડે છે
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડા પાસે આવેલા હંસપુરા ગામમાં કોર્પોરેશનના પ્લોટમાં 75 વર્ષ જુના સ્મશાનમાં મૃતદેહ બાળવા ચિતા પણ નથી. કોર્પોરેશન દ્વારા સ્મશાનને નવું બનાવી ડેવલોપ કરવાની જગ્યાએ ત્યાં અત્યારે તળાવ બની ગયું છે. સ્મશાનની આસપાસમાં કરોડો રૂપિયાની રહેણાંક સ્કીમો અને જમીનોના ભાવ ઉચકાતાં બિલ્ડર લોબી દ્વારા ભાજપના જ સ્થાનિક કોર્પોરેટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પોલીસની મદદ લઇ સ્મશાનમાં ચિતા માટે અને શેડ પ્રકારનું બાંધકામ કરેલુ તોડી દેવામાં આવ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હંસપુરા સ્મશાન બનાવતું નથી અને આજે ચોમાસાનો સમય છે અને જો ગામમાં કોઈ મૃત્યુ થાય તો ખુલ્લામાં ચાલુ વરસાદમાં ચાર પાયા પર તાડપત્રી રાખી મૃતદેહને અગ્નિદાહ આપવો પડે છે.

વરસાદના સમયમાં હાલાકીનો સામનો કરવો પડે છે
હંસપુરા ગામના રણજિતસિંહ ઠાકોરે વાતચીતમાં જણાવ્યું હતું કે હંસપુરા ગામનું 1947માં સ્મશાન બંધાયું હતું. જૂન મહિનામાં કોર્પોરેશનના અધિકારીઓએ સ્મશાનમાં કરેલું શેડ માટેનું બાંધકામ પોલીસની મદદ લઇ તોડી નાખવામાં આવ્યું છે. સ્મશાનના આસપાસના વિસ્તારમાં કરોડો રૂપિયાની રહેણાક ફ્લેટની સ્કીમો બિલ્ડરો દ્વારા મૂકવામાં આવી છે. જેથી બિલ્ડરોને તે સ્મશાન બનવા દેવામાં રસ નથી.આ મામલે તેઓ આગળ રજુઆત કરશે અને નહિ થાય તો કોર્ટ કાર્યવાહી પણ કરવા તૈયાર છે. અમે હજુ પણ અમારા સ્મશાનમાં જ અંતિમવિધિ કરીએ છીએ. જો કે, વરસાદના સમયમાં હાલાકીનો સામનો કરવો પડે છે.

હંસપુરનું સ્મશાન
હંસપુરનું સ્મશાન

સ્મશાનને વિકસાવવા માટે કોર્પોરેશનને કેમ રસ નથી
હંસપુરા ગામ પાસે આવેલા આ સ્મશાનને વિકસાવવા માટે કોર્પોરેશનને કેમ રસ નથી તેના પર સવાલ ઉભા થયા છે. સ્થાનિક કોર્પોરેટર વિપુલ પટેલ (સોમભાઈ) પોતે હંસપુરાના હોવા છતાં તેઓ કેમ આ સ્મશાનનો વિકાસ થાય તેમાં રસ નથી લેતા? સ્થાનિક સૂત્રોના મુજબ આસપાસની જમીન પર હવે બિલ્ડર લોબી સ્કીમો બનાવી રહી છે અને જો મોટું સ્મશાન બને તો મકાન ન વેચાય જેથી સ્થાનિક કોર્પોરેટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ બિલ્ડરો સાથે મળી ગયા છે અને તેઓ આ સ્મશાન બને તેમાં રસ દાખવતા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ પણ આ બાબતે અંગત રસ લઈ સ્મશાન બને તે માટે પ્રયત્ન કરવા જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments