અમદાવાદઃ એલજી હોસ્પિટલમાં શ્રમજીવી મહિલાની પ્રસૂતિ બાદ નવજાત શિશુનું મોત થયું હતું, પ્રસૂતિ દરમિયાન હોસ્પિટલનાં સ્ટાફના હાથમાંથી અથવા તો પલંગમાંથી શિશુ પડી જતાં હોસ્પિટલ સ્ટાફની બેદરકારીથી શિશુનું મોત થયાની વાત વહેતી થતાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો, પરંતુ અધૂરા મહિને જન્મેલા શિશુની હાલત ગંભીર હોવાથી મૃત્યુ થયાનો દાવો હોસ્પિટલતંત્ર કરી રહ્યું છે.
આધારભૂત સૂત્રોનાં જણાવ્યાં મુજબ, એલજી હોસ્પિટલમાં શ્રમજીવી મહિલાની પ્રસૂતિ બાદ નવજાત શિશુ સ્ટાફનાં હાથમાંથી પડી ગયું અથવા તો પલંગમાંથી પડી ગયાની ચર્ચાથી લોકોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે આ ઘટના દરમિયાન મહિલા લેબર રૂમમાં હોવાથી સાચી હકીકત સામે આવી ન હતી. મહિલાના પિતા તેરસિંહનાં જણાવ્યાં મુજબ, અમારી દીકરીને પ્રસૂતિ માટે લઇ ગયા પછી એક કલાક પછી બાળક મૃત્યુ પામ્યું હોવાની હોસ્પિટલતંત્ર દ્વારા જાણ કરાઇ હતી.
હોસ્પિટલનાં ઇન્ચાર્જ સુપરિ.ના જણાવ્યા અનુસાર મૂળ દાહોદની પણ હાલમાં નારોલમાં મજૂરી કામ કરતી વાસંતીબેનને પ્રસવ પીડા સાથે સવારે 4 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તે સમયે તેને લેબર પેઇન ચાલુ હોવાથી તાત્કાલિક લેબર રૂમમાં લઇ ગયા હતા. જ્યાં મહિલાએ અધૂરા મહિને (સાડા છ માસે) 1.5 કિલોગ્રામનાં શિશુને જન્મ આપ્યો હતો. અધૂરા મહિને શિશુ જન્મ્યું હોવાથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેને તાત્કાલિક એનઆઇસીયુમાં દાખલ કરીને 1 કલાક વેન્ટિલેટર પર રાખીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ શિશુને બચાવી શક્યા ન હતા. જોકે, નવજાત શિશુ સ્ટાફનાં હાથમાંથી પડી ગયું અથવા તો પલંગમાંથી પડી ગયાની વાત અફવા છે. મહિલાની પ્રસૂતિ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરો હાજર હતા.