અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળે છે. અમદાવાદમાં 4 જુલાઈના રોજ રથયાત્રા નિકળવાની છે. જેને લઈને અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસના બંદોબસ્તને આજે આખરી ઓપ અપાયો છે. રથયાત્રા પહેલા પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ યોજાયુ. ભગવાના જગન્નાથ મંદિરથી રિહર્સલની શરૂઆત થઈ. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર પોલીસનું રિહર્સલ થયુ. આ રિહર્સલમાં ક્રાઈમ બ્રાંચની ટીમ પણ જોડાઈ હતી.આ સાથે જ મોટી સંખ્યામાં પોલીસ જવાનો રિહર્સલમાં જોડાયા હતા. સુરક્ષાને લઇને પોલીસ સતત 2 દિવસ સુધી રથયાત્રાના રૂટ પર રિહર્સલ કરશે. અમદવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભગવાન જગન્નાથની યાત્રા અંદાજે 14 કિલોમીટર ફરી જગન્નાથ મંદિરે યાત્રા પરત આવે છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથ ઉપર બિરાજમાન થઇ ભકતજનોને દર્શન આપવા નીકળશે ત્યારે મંદિર દ્વારા અલગ અલગ કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી. 1200થી વધુ દેશ – વિદેશના સાધુ સંતો આ રથયાત્રામાં ભાગ લઇ રહ્યા છે. દર વખતની જેમ અમદાવાદની રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈનના સાધુ સંતો પણ આવશે.
ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાંથી મોસાળાબાદ 2 જુલાઈએ નેત્રોત્સવ પૂજા કરવામાં આવશે. તે દિવસે સવારે 10 કલાકે મહાઆરતીમાં રાજ્યપાલ O.P કોહલી ખાસ ઉપસ્થિત રહેશે. તો બીજી તરફ સવારે 11 કલાકે ખાસ સાધુ સંતોના ભંડારામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ હાજર રહેશે. 3 જુલાઈએ સવારે 8 વાગે સોનાવેશના દર્શન ભક્તો માટે ખાસ ખુલ્લા મૂકવામાં આવશે.