અમદાવાદ – ડૉક્ટરો બિનજરૂરી કોરોના ટેસ્ટ ન કરાવે એ માટે ખાનગી લેબોમાં ટેસ્ટ પહેલાં મંજૂરી માત્ર ગેટ કિપીંગ વ્યવસ્થાઃ આરોગ્ય વિભાગ

0
0
  • છેલ્લા અઠવાડિયામાં પ્રાઈવેટ લેબોરેટરીમાં રાજ્યમાં 1100 થી વધુ ટેસ્ટ કરાયા
  • રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ ખાનગી લેબોરેટરીને ટેસ્ટિંગ માટે ના પાડવામાં આવતી નથી

સીએન 24, ગુજરાત

અમદાવાદહાલ સમગ્ર રાજ્યમાં ખાનગી લેબમાં કરવા કોરોના કરાવવા મામલે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ અંગે આજે રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાના લેબોરેટરી ટેસ્ટિંગ માટે રાજ્ય સરકાર ICMR ની માર્ગદર્શિકાને અનુસરી રહી છે. રાજ્ય સરકાર હસ્તકની લેબોરેટરીઓમાં જરૂરિયાતવાળા તમામ દર્દીઓના ICMRની ગાઈડલાઈન અનુસાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ICMRની માન્યતાપ્રાપ્ત ખાનગી લેબોરેટરીઓને પણ ટેસ્ટિંગની પરવાનગી આપવામાં આવી છે. આ ખાનગી લેબોરેટરીઓએ ટેસ્ટિંગ માટે ICMRની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહે છે, અને એટલે તેઓએ ટેસ્ટિંગ અગાઉ રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવેલા અધિકારીની પૂર્વ મંજૂરી લેવાની રહે છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યભરમાં ખાનગી લેબોરેટરી દ્વારા 1100 થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ ખાનગી લેબોરેટરીને ટેસ્ટિંગ માટે ના પાડવામાં આવતી નથી. આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે કે, ખાનગી લેબોરેટરીને ટેસ્ટ માટે મંજૂરી આપવામાં વિલંબ થાય છે તે બાબત સત્ય નથી.

નાગરિકો ભયને કારણે અને લક્ષણો ન હોય તો પણ ટેસ્ટ કરાવવા પ્રાઇવેટ લેબોમાં જાય છે
આરોગ્ય વિભાગે આગળ કહ્યું કે, કોરોનાની હાલની પરિસ્થિતિમાં જોવા મળ્યું છે કે, તબીબો દ્વારા પ્રસુતિ પહેલાં, ડાયાલિસિસ કરાવતાં પહેલાં તેમજ કેન્સર જેવી કેટલીક જટિલ સારવાર પહેલાં પ્રિ-ઓપરેટીવ ટેસ્ટ માટે દર્દીને કોવિડના લક્ષણો ન હોય તો પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે આગ્રહ રાખવામાં આવે છે, જે બિલકુલ જરૂરી નથી. આ ઉપરાંત ઘણા નાગરિકો કોરોનાના ભયના માહોલને કારણે જરૂર ન હોય તો પણ, કોઈપણ પ્રકારના લક્ષણો ન હોય તો પણ ટેસ્ટ કરાવવા પ્રાઇવેટ લેબોરેટરીમાં જાય છે. ગુજરાતના નાગરિકો પર જરૂર વિના આર્થિક બોજો ન પડે તેમજ ICMR ની ગાઈડલાઈન અનુસાર જ ટેસ્ટ થાય તે જરૂરી છે.

વ્યર્થ ટેસ્ટ કરવામાં ન આવે એ જરૂરી છે
આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું કે  રાજ્યમાં ગુજરાત સરકાર હસ્તકની લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. સરકારી લેબોરેટરીમાં ટેસ્ટની દૈનિક ક્ષમતા પૂરી થઈ જાય અને પછી જો ટેસ્ટ કરાવવાની જરૂરિયાત હોય તો જ પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાની મંજૂરી આપવામાં આવે છે. પ્રાઇવેટ લેબોરેટરીમાં ICMRની ગાઈડલાઈન વગર વ્યર્થ ટેસ્ટ કરવામાં ન આવે એ જરૂરી છે. એટલું જ નહીં સામાન્ય નાગરિકો પર આર્થિક બોજો ન પડે તે હેતુથી જ માત્ર પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટ કરતાં પહેલાં સક્ષમ અધિકારીની મંજૂરી લઈને ટેસ્ટ કરવા માટે- માત્ર ગેટ કીપિંગ રાખવામાં આવ્યું છે.

ખાનગી હોસ્પિ.માં આઈસોલેશન બેડનો ચાર્જ રૂ. 1800 અને ICUનો ચાર્જ રૂ.3600 
ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને મહાનગરોમાં રાજ્ય સરકારે ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ, ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા છે. તમામ જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારોમાં રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલ અને સરકારમાન્ય આરોગ્ય વ્યવસ્થા ઊભી કરી છે. ગુજરાતમાં આજે કોરોનાના દર્દીઓ માટે કુલ 43,400 થી વધુ બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જ્યાં કોવિડની તમામ સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. એટલું જ નહીં રાજ્ય સરકારે ૧૬મી એપ્રિલ 2020 ના ઠરાવથી રાજ્યની ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરીને કોવિડની સારવાર સરકારમાન્ય દરે જ ઉપલબ્ધ કરાવી છે. આ વ્યવસ્થા અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશન બેડના ચાર્જ રૂપિયા 1800 આઇસીયુનો ચાર્જ રૂપિયા 3600 અને વેન્ટિલેટર સાથેનો ચાર્જ રૂપિયા 4500 નક્કી કરવામાં આવ્યો છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્ર કરતાં પણ આ ચાર્જ ઓછો છે. અહીં ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગના નોટિફિકેશન અનુસાર મહારાષ્ટ્રમાં આઈસોલેશન બેડના રૂપિયા 4000 આઈસીયુ વોર્ડના રૂપિયા 7500 અને વેન્ટિલેટર સાથેના રૂપિયા 9000 પ્રતિ દિવસનો ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.

ખાનગી હોસ્પિ.માં સારવારનો પ્રતિદિન રૂ.15000 થી 18000નો ખર્ચ

આરોગ્ય વિભાગ મુજબ, ખાનગી હોસ્પિટલો દ્વારા જે ચાર્જ લેવામાં આવી રહ્યો છે તે સંદર્ભે હૉસ્પિટલોમાં થઈ રહેલા ખર્ચની ગણતરી માંડીએ તો કોરોનાના દર્દીને દાખલ થયા પછી આઠથી દસ દિવસની સારવાર અને રિકવરી દરમિયાન સતત નિરીક્ષણની જરૂરિયાત રહે છે. પ્રત્યેક દિવસ દરમિયાન આઠ કલાકના અંતરે સારવાર કરતો નર્સિંગ સ્ટાફ, દિવસમાં બે વખત મેડીકલ ઓફિસર અને એકવાર સ્પેશિયલિસ્ટની મુલાકાતની જરૂર પડે છે. બે વાર સપોર્ટ હાઉસકીપિંગ સ્ટાફ, જમવાનું, ચા-કોફી સર્વિસ વગેરે થઈને દિવસ દરમિયાન દસથી બાર PPE કીટનો વપરાશ રહે છે, જે પ્રત્યેકની રૂપિયા 1500ની કિંમત ધ્યાને લેતા પ્રતિદિન રૂપિયા 15000 થી 18000નો ખર્ચ ગણવામાં આવે છે.

પેપ-વેન્ટીલેટર પર મુકતા પહેલા વિવિધ ટેસ્ટનો રૂ.1 લાખ જેટલો ખર્ચ
આ ઉપરાંત દર બે દિવસે લોહીના વિવિધ ટેસ્ટ, છાતીના ડિજિટલ એક્સ-રે, સીટી સ્કેન, જરૂરીયાત જણાય તો બાય પેપ-વેન્ટિલેટર પર મુકવાના થાય તે પહેલાં કરવામાં આવતા વિવિધ ટેસ્ટ વગેરેનો ખર્ચ અંદાજે રૂપિયા એક લાખ પર પહોંચી શકે છે. નર્સિંગ હોમનો ચાર્જ- સ્પેશિયલ રૂમના પ્રતિ દિવસના રૂપિયા ત્રણ થી પાંચ હજાર, તથા કોઈ કિસ્સાઓમાં રૂપિયા 5,000 થી 10,000 તથા વેન્ટિલેટર અને બાય પેપના પ્રતિ દિવસના ખર્ચ ઉપરાંત દવાઓ અને અન્ય કન્ઝ્યુમેબલ વગેરેની કિંમત ઉમેરીએ તો આઠથી દસ દિવસની સારવારનો અંદાજીત ખર્ચ રૂપિયા ત્રણ થી ચાર લાખ થઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આજની તારીખે કોરોનાના દર્દીઓ માટે કુલ 43,400થી વધુ બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જ્યાં કોવિડની તમામ સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here