અમદાવાદ : પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો પણ બંધ થાય એવી શક્યતાઓ

0
4

છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં ફરી કોરોના મહામારી વકરી રહી છે. ખાસ કરીને સુરત તેમજ અમદાવાદમાં કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એને જોતાં ગઈકાલે સરકારે રાજ્યનાં 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદા વધારી દીધી છે, સાથે જ સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર મેચ રમાશે તેમજ બાગ-બગીચા તેમજ કાંકરિયા સહિતનાં લેક બંધ કરાવાયાં છે, ત્યારે હવે રાજ્યમાં કોરોનાની સ્થિતિ જોતાં આગામી સમયમાં પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો પણ બંધ થાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. આજથી રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે, સાથે જ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના કાયદા પર કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

ફરી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ તરફ વળ્યા
ગુજરાતમાં લોકડાઉન બાદ સ્કૂલો શરૂ થતાં પહેલાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં પોતાનાં બાળકોને સ્કૂલે મોકલવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ કોરોનાની સ્થિતિને જોતાં હવે ધીરે-ધીરે સ્કૂલે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, સાથે જ કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસો સામે આવતાં અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો, જેને કારણે વાલીઓ પણ હવે પોતાનાં બાળકોને સ્કૂલે મોકલવાની જગ્યાએ ઓનલાઈન શિક્ષણ આપવામાં વધારે રસ ધરાવી રહ્યા છે, જેને જોતાં હવે શિક્ષણ વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં તમામ સ્કૂલો બંધ રાખી માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખેે એવી શક્યતા જણાઈ રહી છે.

હાલમાં 30 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે.
હાલમાં 30 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે.

સંચાલકોની પણ સ્કૂલો બંધ કરવાની ઈચ્છા
પ્રાથમિક સ્કૂલમાં બાળકો એકસાથે ભણતાં તેમજ મસ્તી કરતાં હોય છે, ત્યારે જો કોઈ એકમાં પણ કોરોનાનાં લક્ષણો જણાય તો અન્ય પણ સંક્રમણનો ભોગ બની શકે છે એવો ડર હવે વાલીઓમાં વધી રહ્યો છે અને એ જ કારણે સ્કૂલ ચાલુ થતાં શરૂઆતમાં 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે આવતા હતા, પરંતુ હાલમાં 30 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે, જ્યારે અન્ય ઘરેબેઠા ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે. બીજી તરફ, સ્કૂલોના સંચાલકો પણ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી સ્કૂલો બંધ રહે તેવી ઇચ્છા ધરાવે છે.

મોટા ભાગનાં બાળકો સ્કૂલે આવવાની જગ્યાએ ઘરેબેઠા જ પરીક્ષા આપી રહ્યાં છે.
મોટા ભાગનાં બાળકો સ્કૂલે આવવાની જગ્યાએ ઘરેબેઠા જ પરીક્ષા આપી રહ્યાં છે.

બાળકો સ્કૂલ કરતાં ઘરેબેઠા આપી રહ્યા છે પરીક્ષા
હાલમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે, પરંતુ મોટા ભાગનાં બાળકો સ્કૂલે આવવાની જગ્યાએ ઘરેબેઠા જ પરીક્ષા આપી રહ્યાં છે. વાલીઓ પણ સ્થિતિને જોતાં પોતાનાં બાળકોને સ્કૂલે મોકલતાં ડરી રહ્યા છે; ત્યારે આગામી 4 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી તેમજ ટેમ્પરેચર વધારે જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે, જેથી અન્ય કોઈ વિદ્યાર્થીમાં સંક્રમણનો ભય ન રહે. જોકે હાલની સ્થિતિને જોતાં હવે બોર્ડની પરીક્ષા સમયે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમયે કેટલાક નવા નિયમો પણ અમલમાં લાવવામાં આવી શકે છે.

લોકો કોરોનાનું ભાન ભૂલીને ટોળે વળ્યા હતા, જેને પગલે પોલીસે દંડાવાળી કરીને ટોળાંમાં ઊભેલા લોકોને વીખેર્યા હતા.
લોકો કોરોનાનું ભાન ભૂલીને ટોળે વળ્યા હતા, જેને પગલે પોલીસે દંડાવાળી કરીને ટોળાંમાં ઊભેલા લોકોને વીખેર્યા હતા.

ગાઈડલાઈન્સ પર કડક બની સરકાર
ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની છે, સાથે જ તંત્ર તેમજ જનતાની બેદરકારીને પગલે પણ સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 70 હજારથી વધુ પ્રેક્ષકોને મેચ જોવાની મંજૂરી આપવામાં આવી હતી, જેને કારણે દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી ક્રિકેટ ફેન મોટી સંખ્યામાં અમદાવાદ આવ્યા હતા, જેને કારણે સંક્રમણનો ભય વધી રહ્યો હતો. જોકે અંતે સરકારે હવે સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર જ મેચ રમાશે એવો નિર્ણય લીધો છે, સાથે જ હવે જાહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. જે વ્યક્તિ નિયમનો ભંગ કરશે તેને રૂપિયા 1000 સુધીનો દંડ પણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here