અમદાવાદ: શહેરના જુદા-જુદા વિસ્તારમાં બાળકો પાસે ભીખ મંગાવતી અને ચોરી કરાવતી મહિલા સહિત 2 લોકોની મહિલા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે વટવામાં આવેલા એક મકાનમાં રેડ પાડી 17 બાળકોને રેસ્કયુ કરાવ્યા હતા. જેમાં 5 છોકરા અને 12 છોકરીઓનો સમાવેશ થાય છે. બાળકોને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે આ મામલે મહિલા આરોપી આનંદી અહાનંદ સલાટ અને તેના સાગરીત સંપત તનિકા સલમની પૂછપરછ કરવામાં આવી છે. આરોપી મહિલાની ચુંગાલમાંથી છોડવાયેલી 10 વર્ષની બાળકીએ જણાવ્યું હતું કે, તેની પાસે કામ કરાવતા અને ભીખ મંગાવતા હતા. જો તે કામ ન કરે તો તેને મારતા હતા અને આંખમાં મરચું પણ નાખતા હતા.
દરેક બાળકોના શરીર પર નિશાન
દરેક બાળકોના શરીર ઉપરથી કંઈકને મારના અથવા દાઝેલાના નિશાન પણ મળી આવ્યા છે. આ બાળકો પોલીસ સામે કંઈ બોલી ન શકે તે માટે આરોપીઓ તમામ બાળકોને પોલીસ માર મારશે તેમ કહી ડરાવતા હતા.
આ પહેલા પણ આનંદી સલાટ ઝડપાઈ હતી
આ રેકેટમાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. આગામી દિવસોમાં શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવવાનું મોટું રેકેટ બહાર આવે એવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, મહિલા આરોપી આનંદી સલાટ પાસેથી અગાઉ પણ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યારે એફિડેવિટ કરી તેમને છોડાવવામાં આવ્યા હતા.
8 મહિનાથી લઈ 20 વર્ષ સુધીના 17 બાળકો
શહેરમાં અલગ અલગ જગ્યાએ નાના બાળકો અને સગીર પાસે ચોરીના બનાવો બનતા હોય છે. 9 મહિના અગાઉ વટવા પોલીસે ચોરીના ગુનામાં બે સગીરાઓની ધરપકડ કરી હતી. બંને સગીરામાં કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું હતું કે વટવા વિસ્તારમાં તેઓની પાસે આનંદી સલાટ નામની મહિલા ચોરી અને ભીખ મંગાવે છે. અનેક બાળકોને તે ભીખ માંગવા મોકલે છે અને મજૂરી કરાવે છે. મહિલા ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી. બુધવારે મોડી રાત્રે મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વટવામાં આવેલા માનવનગર સોસાયટીના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં 8 મહિનાથી લઈ 20 વર્ષ સુધીના 17 બાળકો મળી આવ્યા હતા.
કામ ન કરે તો માર મારતા, બાળકોના ડીએનએ ટેસ્ટ કરાશે
મહિલા ક્રાઈમ બ્રાન્ચના એસીપી મીની જોસેફે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપી મહિલા બાળકો પાસે ચોરી અને ભીખ મંગાવતી હતી. 17 બાળકો તેની પાસેથી મળી આવ્યા છે. આ બાળકો તેના અને તેની પૌત્ર-પૌત્રી સંબંધીના હોવાનું તે જણાવી રહી છે, પરંતુ હાલ તેની તપાસ ચાલુ છે. પરંતુ બાળકોના જન્મ અંગેના કોઈપણ પુરાવા મળ્યા નથી. તેનો અન્ય એક સાગરીત સંપત તેને મદદ કરતો હતો. આ બાળકો આરોપીના પરિવારના છે કે, કેમ તેની તપાસ કરવા માટે બાળકોના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે.
કેવી રીતે કરી રેડ
વટવા પિકનિક હાઉસ પાસે આવેલી માનવનગર સોસાયટીના મકાનમાં મહિલા ક્રાઈમ બ્રાન્ચની છ ટીમો રેડ કરવા ગઈ હતી. જેમાંથી ત્રણ ટીમોએ ઘરને 50 મીટર દૂરના મેદાનમાંથી ઘેરી લીધું હતું. જ્યારે બાકીની ત્રણ ટીમોએ ઘરમાં રેડ કરી હતી ત્યારે પાંચ બાળકો સાથે આરોપી આનંદી સલાટ ઘરમાં મળી આવી હતી. પોલીસને વધુ બાળકો હોવાની ચોક્કસ માહિતી મળી હોવાથી અન્ય ટીમો મેદાનથી દૂર ઉભી હતી ત્યાં ઝાડની નીચેથી વધુ બાળકો મળ્યા હતા. જેની પૂછપરછ કરતા તે આ જ પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું. રેડ દરમિયાન એક બાળક ભાગી જવામાં સફળ રહ્યું હતું.