અમદાવાદ : USA સ્ટુડન્ટ વિઝા અપાવવા રૂ. 14.50 લાખ પડાવ્યા, માત્ર 4.50 લાખ પાછા આપતા પોલીસ ફરિયાદ

0
39
  • અમદાવાદના યુવકે પાલનપુરની મહિલા અને વ્યક્તિનો સ્ટુડન્ટ વિઝા માટે સંપર્ક કર્યો હતો

નરોડાના યુવકને અમેરિકામાં અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા અપાવવાનો વિશ્વાસ આપીને મહિલા સહિત બે લોકોએ રૂ.14.50 લાખ પડાવી લીધા હતા. જો કે યુવકે તેમની પાસેથી રૂ.4.50 લાખ પરત મેળવી લીધા હતા. પરંતુ બાકીના રૂ.10 લાખ પરત ન આપી ઠગાઈ અને વિશ્વાસઘાત કરતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં બે લોકોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

થોડા દિવસમાં વિઝા મળશે તેવો વાયદો કરતા રહ્યા
નરોડાના હરીદર્શન ચાર રસ્તા પાસે રહેતા નિલેશ પટેલને સ્ટુડન્ટ વિઝા મેળવી અમેરિકા ખાતે અભ્યાસ કરવા જવું હતું. જેથી નિલેશે પાલનપુર રહેતા દિક્ષિત મેનત અને માનસી ઉર્ફે મધુ યશવંતરાવનો સપંર્ક કર્યો હતો. ત્યારે આ બંન્નેએ જણાવ્યું હતું કે, તેઓ ઈસ્ટ મુંબઈ ખાતે પાસપોર્ટ અને સ્ટુડન્ટ વિઝાનું કામ કરે છે. જેથી તેમને સ્ટુડન્ટ વિઝા મળી જશે, પરંતુ તેની ફી તથા અન્ય ખર્ચ પેટે રૂ.14.50 લાખ થશે તેમ કહીને વિશ્વાસમાં લીધા હતા. જેથી નિલેશ પૈસા આપવા તૈયાર થઈ ગયો હતો. ત્યારબાદ વિઝાનું કામ ચાલુ કરી દીધું તેમ જણાવી અલગ અલગ રીતે રૂ.14.50 લાખ પડાવી લીધા હતા. જો કે નિલેશે તેના વિઝા માગતા મધુ અને દિક્ષિતે વિઝા આપ્યા ન હતા અને થોડા દિવસમાં મળી જશે તેમ જણાવ્યું હતું.

ઠગાઈ થઈ હોવાનું લાગતા યુવકે ફરિયાદ કરી
દિવસો વિતતા ગયા પરંતું નિલેશને વિઝા મળ્યા ન હતા. જેના કારણે નિલેશે વિઝા માટે મધુ અને દિક્ષિતને ફોન કરવાના શરૂ કર્યા તેમ છતાં પણ તે બંન્ને વાયદા પર વાયદા કરવા લાગ્યા હતા. જેથી નિલેશે તે બંન્ને પાસેથી પૈસા પરત માંગ્યા હતા અને વિઝા નથી લેવા તેમ જણાવ્યું હતું. મધુ અને દિક્ષિતે તેમને રૂ. 4.50 લાખ રૂપિયા પરત આપ્યા હતા અને બાકીના રૂપિયા નીકળતા રૂ.10 લાખ ચૂકવ્યા ન હતા. નિલેશને પોતાની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા તેણે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here