અમદાવાદ : સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ, રોડ પર જ કાર-બાઇક-ફોન ચાર્જિંગ અને વાઇફાઇની સુવિધા

0
0

ગુજરાતના મેગા સિટી અમદાવાદની શાન ગણાતો સીજી રોડ હાઈટેક બનવા જઈ રહ્યો છે. 1960માં ઉદ્યોગપતિ ચીમનલાલ ગિરધરલાલ પરથી સીજી રોડનું નામ પડ્યું હતું. ત્યાર બાદ 1995માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીજી રોડને નવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યો હતો. જોકે ટ્રાફિક તેમજ અન્ય કારણોસર ધીરે-ધીરે સીજી રોડની રોનક ઝાખી પડવા લાગી હતી. ત્યારે હવે ફરી AMC દ્વારા 2 કરોડના ખર્ચે સીજી રોડને હાઈટેક બનાવવામાં આવી રહ્યો છે. સીજી રોડ પર બે કરોડના ખર્ચે 19 સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ પોલ લગાવવામાં આવી રહ્યા છે. આ પોલ ફોર ઈન વન સુવિધાથી સજ્જ છે, જેમાં સ્ટ્રીટ લાઈટની સાથે વાઈફાઈ, વાહન ચાર્જિંગ તેમજ મોબાઈલ ચાર્જિંગની સુવિધા આપવામાં આવી છે, એટલે કે હવે અમદાવાદી રોડ પર જ ઈલેક્ટ્રિક વાહન કે પછી મોબાઈલ ફોન સરળતાથી ચાર્જ કરી શકાશે, સાથે જ તેમને ફ્રી વાઈફાઈની પણ સુવિધા મળશે.

સીજી રોડનો 1960થી અત્યારસુધીનો ઈતિહાસ
નોંધનીય છે કે ઈ.સ 1960માં ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ચીમનલાલ ગિરધરલાલ પરથી સીજી રોડનું નામ પડ્યું હતું. 1990માં આ રોડનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ આ રોડ શહેરનો મુખ્ય આર્થિક કેન્દ્ર બની ગયો છે. 2010માં કુશમેન અને વેકફિલ્ડ દ્વારા કરાયેલા સરવેમાં સી.જી.રોડને વિશ્વની મુખ્ય શેરીઓમાં સૌથી વધુ વિકાસ ધરાવતા ત્રીજા ક્રમના રોડ તરીકે મુંબઈના લિંકિંગ રોડ અને હોંગકોંગ સેન્ટ્રલ પછીના ક્રમે વાર્ષિક ભાડાની 18.2%ના દર ધરાવતા રોડ તરીકે સમાવવામાં આવ્યો હતો. આ માર્ગ મહાલક્ષ્મી ચાર રસ્તા પરથી શરૂ થઇને સરદાર પટેલ સ્ટેડિયમ ચાર રસ્તા પર પૂર્ણ થાય છે, જે પાલડી અને નવરંગપુરાને જોડે છે. AMC દ્વારા પણ વર્ષ 1995માં સીજી રોડને નવી રીતે ડિઝાઇન કરાયો હતો અને આજે સીજી રોડ શહેરનો મુખ્ય કોમર્શિયલ રોડ બનવાની સાથે સાથે અમદાવાદની એક મહત્ત્વની ઓળખ પણ ગણાય છે. બીજી તરફ, 23 વર્ષના ઉપયોગ પછી સીજી રોડ પરની નવી બનેલાં હાઇરાઇઝ બિલ્ડિંગ, વધેલા ટ્રાફિકને જોતાં એની કાયાપલટ કરવાની જરૂર ઊભી થઇ છે.

મોટા સ્ટ્રીટ લાઇટ પોલ સ્ટેડિયમથી પરિમલ ગાર્ડન સુધીમાં લગાવાયા છે.
મોટા સ્ટ્રીટ લાઇટ પોલ સ્ટેડિયમથી પરિમલ ગાર્ડન સુધીમાં લગાવાયા છે.

હાલમાં ક્યાં લાગેલા છે સ્ટ્રીટ લાઈટ પોલ?
અમદાવાદના સીજી રોડને વધુ આધુનિક બનાવવા માટે અગાઉ પણ કોર્પોરેશન દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ ટ્રાફિક તેમજ અન્ય કેટલાંક કારણોસર થોડા સમયથી સીજી રોડની રોનક ઘટતી જોવા મળી રહી છે, જેને જોતાં હવે ફરી એડવાન્સ ટેક્નોલોજીની મદદથી કોર્પોરેશન સીજી રોડને હાઈટેક બનાવી રહ્યું છે. આ માટે ચીનની એક કંપની પાસેથી બે કરોડના ખર્ચે 19 સ્માર્ટ વીજપોલ મગાવવામાં આવ્યા છે, જેમાંથી હાલમાં 7 મોટા સ્ટ્રીટ લાઇટ પોલ સ્ટેડિયમથી પરિમલ ગાર્ડન સુધીમાં લગાવાયા છે, જ્યારે વાહન ચાર્જિંગની સુવિધાથી સજ્જ 12 નાના પોલ ફૂટપાથ પર લગાવવામાં આવ્યા છે. તમામ સ્માર્ટ પોલમાંથી 7 પોલ 10 મીટર ઊંચા, જ્યારે 12 પોલ 4 મીટર ઊંચા છે.

ફોર ઈન વન સુવિધાથી સજ્જ હશે સ્ટ્રીટ પોલ
અગાઉ પણ કોર્પોરેશન દ્વારા સીજી રોડ પર વાઈફાઈ સુવિધા ઉપબ્લધ કરાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા, પરંતુ કેટલીક અડચણોને પગલે આ પ્રોજેક્ટ અટકી પડ્યો હતો. ત્યાર બાદ ચીનની એક કંપની એક જ સ્ટ્રીટ પોલમાં 3 પ્રકારની સુવિધા ઉપબ્લ્ધ કરાવતાં કોર્પોરેશન દ્વારા 2 કરોડના ખર્ચે 19 પોલનો ઓર્ડર અપાયો હતો. જોકે આ પોલની વાઈફાઈ સહિતની તમામ જાણકારી ચીન કંપની પાસે પહેલા જતી હતી. એ બાદ ચીનની કંપની સાથે કરાર રદ કરી હવે ભારતીય સોફ્ટવેરના ઉપયોગ કરવાની કવાયત ચાલી રહી છે. બે કરોડના સ્ટ્રીટ પોલમાં મોટા પોલની કિંમત આશરે 12.60 લાખ છે, જ્યારે નાના પોલની કિંમત આશરે 8.10 લાખ રૂપિયાની આસપાસની છે.

તસવીર પ્રતીકાત્મક છે.

સરકાર આપી રહી છે ઈલેક્ટ્રિક વાહનો પર 1.80 લાખ સુધીની સબસિડી
તાજેતરમાં જ રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલની પેદાશો ઘટાડી ઈલેક્ટ્રિક વાહનોને વધુ પ્રોત્સાહન આપી રહી છે, જેના ભાગરૂપે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 20 હજારથી લઈ 1.80 લાખ રૂપિયા સુધીની સબસિટી પણ મળે છે. ત્યારે AMC દ્વારા શહેરમાં હવે ઈલેક્ટ્રિક વાહનોને સરળતાથી ચાર્જિંગ કરી શકાય એ માટે સ્ટ્રીટ લાઈટ પોલમાં જ ચાર્જિંગની સુવિધા આપવામાં આવી રહી છે, જેને કારણે ઈલેક્ટ્રિક વાહન ચલાવનાર સરળતાથી પોતાના વાહનને ચાર્જ કરી શકશે, સાથે જ એ સમયગાળા દરમિયાન પોતાના મોબાઈન ફોનને પણ સ્ટ્રીટ લાઈટ પોલથી જ ચાર્જ કરી શકશે. AMCની આ પહેલથી અમદાવાદના સીજી રોડની રોનક ફરી નીખરી ઊઠશે, સાથે જ ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં પણ વધારો થઈ શકે છે.

તસવીર પ્રતીકાત્મક છે.

ગુજરાતમાં 528 ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું થશે
ભારત સરકારની ઈલેકટ્રિક વ્હીકલ પ્રોત્સાહન યોજના (ફ્રેમ-ર) અન્વયે રાજ્યમાં 278 જેટલાં ચાર્જિંગ સ્ટેશન મંજૂર થયેલાં છે. ગુજરાતમાં પણ આગામી 4 વર્ષમાં 2 લાખ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા લક્ષ્ય સાથે ગુજરાત ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-2021 જાહેર કરવામાં આવી છે, જેના ભાગરૂપે સરકાર વધુ 250 ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવા રૂપિયા 10 લાખની મર્યાદામાં 25% જેટલી કેપિટલ સબસિડી પૂરી પાડશે. આમ, આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાતમાં 528 ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું થશે. રાજ્યમાં પ્રદૂષણનો સ્તર ઘટે એ માટે રાજ્ય સરકાર દ્વારા લોકોને ઈલેક્ટ્રિનિક વાહનોની ખરીદી માટે પ્રોત્સાહન પણ આપી રહી છે.

આ સુવિધાઓથી સજ્જ છે સ્માર્ટ સ્ટ્રીટ પોલ
સ્ટ્રીટ પોલ (10 મીટરની ઊંચાઈ)
* વાઈફાઈ રાઉટર
* 20 વોટની સ્પોટ લાઈટ
* સીસીટીવી કેમેરા
* 30 વોટનું પીએ સ્પીકર
* બિલ બોર્ડ ડિસ્પ્લે

સ્ટ્રીટ પોલ (4 મીટરની ઊંચાઈ)
* વાઈફાઈ રાઉટર
* 30 વોટ LED લાઈટ
* PTZ કેમેરા
* 30 વોટ PA સ્પીકર
* USB ચાર્જિંગ સોકેટ
* ઈલેક્ટ્રિક કાર-સ્કૂટર ચાર્જિંગ સોકેટ
* બિલ બોર્ડ ડિસ્પ્લે
* ઈમર્જન્સી પુશ બટન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here