અમદાવાદ : ઇન્જેક્શન માટે દીકરો 65 હજાર લઈ 4 કલાક સુધી 10થી વધુ જગ્યાએ રખડ્યો

0
2

65 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. તબિયત વધુ બગડતાં ડૉક્ટરે સગાને બોલાવી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન મેનેજ કરવા જણાવ્યું હતું. દર્દીનો દીકરો અને સગાંએ આ ઈન્જેક્શન લેવા રોકડા 65 હજાર લઈ શહેરમાં 10થી વધુ જગ્યાએ 4 કલાક તપાસ કરી હતી. જોકે ક્યાંય ટોસિલિઝુમેબ ઈન્જેક્શન મળી શક્યું નહિ. દર્દીના સગાંએ આક્ષેપ કર્યો હતો કે ટોસિલિઝુમેબ ઈન્જેક્શન નહીં મળવાને કારણે મૃત્યુ નીપજ્યું હતું.

શહેરની 10 જેટલી હોસ્પિટલમાં રખડ્યા
કૃષ્ણનગરમાં રહેતા નયનાબેન વોરાને નિકોલની કાનબા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. બુધવારે સાંજે ડૉક્ટરે સગાંને બોલાવી કહ્યું, સમયસર ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ન અપાય તો જોખમ થઈ શકે છે. ડૉક્ટરની વાત સાંભળી તેમનો પુત્ર અને સગાં શહેરની 10 જેટલી હોસ્પિટલમાં ઈન્જેક્શન લેવા દોડી ગયાં હતાં. નયનાબેનના ભત્રીજા કપિલભાઈએ કહ્યું હતું કે એક ઈન્જેક્શનની કિંમત 40 હજાર છે, પણ એ માર્કેટમાં ઉપલબ્ધ નથી. 40 હજારના ઈન્જેક્શન માટે 65 હજાર રૂપિયા ખર્ચ કરવા તૈયાર હતા, એમ છતાં ઈન્જેક્શન મળ્યું નહીં અને સ્વજન ગુમાવવા પડ્યાં.

સોલા સિવિલ હોસ્પિટલની તસવીર.
સોલા સિવિલ હોસ્પિટલની તસવીર.

રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકોની પડાપડી
શહેરમાં એક તરફ કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ હવે અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની પડાપડી થઈ રહી છે. સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિર ઉપલબ્ધ હોવાની વાતોને પગલે આજે સોલા સિવિલ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. જોકે હકીકતમાં આ વાત માત્ર અફવા હતી. લોકો કોરોનાથી પોતાનાં સ્વજનોને બચાવવા માટે ઇન્જેક્શન લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે. ઝાયડસ હોસ્પિટલની બહાર લોકો કલાકો લાંબી લાઈનો લગાવીને ઊભેલા જોવા મળી રહ્યા છે.

સુરત, રાજકોટ, મહેસાણા સહિતમાંથી લોકો ઈન્જેક્શન લેવા માટે ઝાયડસ આવી પહોંચ્યા.
સુરત, રાજકોટ, મહેસાણા સહિતમાંથી લોકો ઈન્જેક્શન લેવા માટે ઝાયડસ આવી પહોંચ્યા.

સોલા સિવિલમાં રેમડેસિવિર ખરીદવા ભીડ પહોંચી
કોરોનાનાં ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેક્શનનો વપરાશ વધ્યો છે. એવામાં સોલા સિવિલમાં રેમડેસિવિર મળતા હોવાના સમાચારને પગલે લોકોની ભીડ ત્યાં જમા થઈ ગઈ હતી. હકીકતમાં સોલા સિવિલ ખાતે રેમડેસિવિરનો કોઈ સ્ટોક નથી આવ્યો. આ વાત માત્ર અફવા હતી, પરંતુ રેમડેસિવિર લેવા માટે લોકો સતત પેનિક કરી રહ્યા છે.

રેમડેસિવિર ઈન્જેકશનની ડિમાન્ડ વધી
કોરોના મામલે દિવસે ને દિવસે ગુજરાતની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 2-3 દિવસથી કોરોનાના રોજ 3000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે લોકોમાં ફરી હવે કોરોનાનો ડર ઊભો થયો છે, જેમાં અમદાવાદ અને સુરતમાં તો સૌથી વધુ કેસ આવી રહ્યા છે. હાલ જે કેસ નોંધાઇ રહ્યા છે એમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ દર્દીઓને ક્રિટિકલ સમયમાં રાહત આપવા માટે પ્રાઇમરી સ્ટેજ પર રેમડિસિવિર ઈન્જેકશન આપવામાં આવે છે, જેને કારણે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા માટે લોકો આખો દિવસ અમદાવાદના થલતેજ સ્થિત ઝાયડસ હોસ્પિટલના ફાર્મસી સ્ટોર પર લાઈન લગાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here