અમદાવાદ : ઇમર્જન્સી વખતે રાજ્યને 1000 ટન ઓક્સિજનનો જથ્થો મળશે

0
0

ગુજરાતને વધુ 1,000 ટન જેટલો ઓક્સિજનનો જથ્થો આપતકાળના સમયે 20 ટેન્કરની ટ્રેનથી ગ્રીન કોરિડોર મારફતે ઉપલબ્ધ થઇ શકે છે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર સાથે ઓક્સિજનના જથ્થાને લઇને સતત સંપર્કમાં છે, અને રાજ્યએ કેન્દ્રને આપાતકાળની સ્થિતિમાં વધુ લિક્વિડ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી છે. અગાઉ કુલ કોરોના દર્દીઓમાંથી માત્ર 20 ટકાને ઓક્સિજનની જરૂર પડતી હતી. તેની સામે હાલ સરકારી તેમજ ખાનગી મળીને લગભગ 45 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે.

રાજ્ય સરકારના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર વખતોવખત આ મામલે કેન્દ્ર સરકાર પાસે દરખાસ્ત મૂકી રહી છે. જ્યારે ગુજરાતને ઇમરજન્સીમાં આ જથ્થાની જરૂર પડશે ત્યારે કેન્દ્ર આ જથ્થો મોકલી આપશે. હાલ અમને એ પણ જરૂર છે કે રાજ્યમાં જ્યાં ઓક્સિજન ઉત્પાદન થાય છે ત્યાંથી હોસ્પિટલો સુધી આ જથ્થો સરળતાથી પહોંચી રહે. આ હેતુથી રાજ્યની અંદર પણ ઓક્સિજનના પરિવહન માટે ગ્રીન કોરિડોર જેવી વ્યવસ્થાથી રેલ્વેના રેક મળી રહે તે માટે રજૂઆત કરાઇ છે.

ગુજરાતની હોસ્પિટલોમાં હાલ ઓક્સિજનનો વપરાશ 1,000 ટન જેટલો દૈનિક છે અને તે આવતાં દિવસોમાં કેસોમાં વૃદ્ધિ થાય તો વધી શકે છે. તેની સામે ગુજરાતમાં 1,200 ટન ઓક્સિજન ઉત્પાદિત થાય છે. સરકારે હાલ ઉત્પાદન એકમોના કુલ ઓક્સિજન જથ્થામાંથી 70 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વીસ જેટલાં રેક મારફતે 20 હજાર લીટર લિક્વિડ ઓક્સિજનનો જથ્થો ગુજરાતને મળી શકે છે, પરંતુ તે તત્કાલ મંગાવી લેવો પડે એવી સ્થિતિ નથી.

આ ઉપરાંત અમે રાજ્યમાં બનતાં ઓક્સિજનનું લિકેજ, તેની બારોબાર ઉઠાંતરી કે ખેંચ ન સર્જાય તે માટે પણ પૂરતી તકેદારી લીધી છે. માર્ચ મહિનાની શરુઆતના ગાળામાં ઓક્સિજનની જરૂરીયાત 400 ટન જેટલી જ હતી પરંતુ હવે તેમાં ખૂબ ઉછાળો આવ્યો છે. રાજ્યમાં હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરવઠો નિયમિત મળતો રહે તે માટે ગુજરાત સરકારે બે સનદી અધિકારીઓને જવાબદારી આપી છે. આ માટે સરકારે પાણી પૂરવઠા વિભાગના સચિવ ધનંજય દ્વિવેદી તથા જીએસપીસીએલના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ કુમારની નિમણૂંક કરવામાં આવી છે.

ઓક્સિજનનો વપરાશ 7 ગણો વધ્યો
દેશમાં કોરોના મહામારી પહેલા ઓક્સિજનનો વપરાશ સરેરાશ 700 TPD (ટન પર ડે) હતો. કોરોના આવ્યા પછી ઓક્સિજનનો વપરાશ વધીને 2800 TPD થયો હતો. જો કે બીજા વેવમાં ઓક્સિજનનો વપરાશ ગત વર્ષ કરતા સાત ગણો વધીને 5000 TPD થઈ ગયો છે. અગ્રણી ઓક્સિજન ઉત્પાદ કંપની આઇનોક્સ એર પ્રોડક્ટ્સના પીઆર વિભાગના વડા પુનિત ગુપ્તાએ કહ્યું હતું કે ઓક્સિજનની અછતનું એક મોટું કારણ સપ્લાયનું અસંતુલન છે.

ઓક્સિજનની હેરફેર પર IBની વોચ
રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધી પોલીસ તકેદારી રાખતી હતી, પણ ગુરુવારે કેન્દ્ર સરકારનો આ બાબતે પરિપત્ર મળ્યો હતો. આ પરિપત્રના પગલે ગુજરાતની પોલીસ-આઇબીને તાકીદ કરી છે કે,ઓકિસજનના ઉત્પાદન અને હેરફેર પર વિશેષ નિરીક્ષણ ચકાસણી કરે. ઓકિજનનું ઉત્પાદનથી લઇને તે ઉત્પાદિત જથ્થો 100 ટકા મેડિકલ ઉપયોગમાં લેવાય છે, ઓકિસજનના હેરફેર દરમિયાન જથ્થાના ગેરવહીવટ થતો નથીને ? ઓકિસજનના કાળા બજાર થતા નથીને ? જેવી અનેક બાબતોની ચકાસણી કરવાનો પોલીસને આદેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here