અમદાવાદ : મહિલા સાંજે દાખલ થઈ પણ સારવાર સવારથી જ દર્શાવાઈ

0
3

જીએમડીસી ખાતે બનેલી ધન્વંતરિ હોસ્પિટલમાં હર્ષાબેન મકવાણાને 29 એપ્રિલે સાંજે 7.20 કલાકે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમની સારવાર 29મીએ સવારથી જ શરૂ ચાલુ કરાઈ હોવાનું ધન્વંતરિ હોસ્પિટલે આપેલી ફાઇલમાં દર્શાવાતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. હર્ષાબેનના પુત્રે ભૂલ સુધારીને ફાઇલ પરત કરવા હોસ્પિટલને લેખિત રજૂઆત કરી છે.

ગાંધીનગરમાં રહેતા હાર્દિક મકવાણાના માતા હર્ષાબેનને કોરોના થતાં તેમને 29 એપ્રિલે સાંજે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન હર્ષાબેનનું રાત્રે 11.25 કલાકે અવસાન થયું હતું. જે બાદ હોસ્પિટલે પરિવારને જાણ કરી હતી. તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હર્ષાબેનનો પાર્થિવ દેહ તેમના સ્વજનોને 30મીએ વહેલી સવારે સોંપવામાં આવ્યો હતો. ધન્વંતરિ હોસ્પિટલે પરિવારને સારવાર માટેની ફાઇલ સુપ્રત કરી હતી.

હોસ્પિટલની ફાઇલમાં સારવાર માટેની ચકાસણી કરતાં પુત્ર ચોંકી ગયો હતો. તેમના ધ્યાને આવ્યું હતું કે, આ ફાઇલ પ્રમાણે ધન્વંતરિ હોસ્પિટલમાં તેમની માતાની સારવાર 29મીએ સવારે, બપોરે અને સાંજે કરવામાં આવી હતી. તેમજ માતાના નામના સ્પેલિંગમાં પણ ભૂલો હતી. જેથી તેમણે ધન્વંતરિ હોસ્પિટલના સંચાલકને અરજી કરી તેમને ફરીથી નવી સુધારા સાથેની ફાઇલ આપવા કહ્યું છે. જેમાં તેમની માતાને જ્યારે રાત્રે 7.20 કલાકે દાખલ કર્યા હોય તો તે દિવસે વહેલી સવારે તેમની સારવાર કઇ રીતે થઇ શકે તેવો પ્રશ્ન કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here