Thursday, September 23, 2021
Homeઅમદાવાદ : કોઈ પણ કપરું કામ 'નોંધારા' શિક્ષકોના માથે નાંખી દેવાનું
Array

અમદાવાદ : કોઈ પણ કપરું કામ ‘નોંધારા’ શિક્ષકોના માથે નાંખી દેવાનું

શિક્ષકો વસતિ ગણતરી સહિતની અસંખ્ય શૈક્ષણિક સિવાયની કામગીરી કરી ચૂક્યા છે. ત્યારે તેમના માથે વધુ એક જવાબદારી નાખવામાં આવી અને એ પણ સ્મશાનોમાં જ મૃતદેહ ગણવાની અને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જઈને સર્વેલન્સ કરવાની. સુરતમાં સ્માશનગૃહોમાં આવતા મૃતદેહોની નોંધણી અને રાજકોટમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સર્વેલન્સ શિક્ષકોએ કરવું પડશે.

શિક્ષકોએ તીડ ઉડાડ્યા અને આરોગ્ય સેતુ એપ પણ ડાઉનલોડ કરાવી
ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક કભી અસાધારણ નહીં હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસીકી ગોદમેં પલતે હૈ. મગધના મહામાત્યના આ વાક્યને ગુજરાતમાં બહુ સિરિયસલી લેવામાં આવી છે. શિક્ષકોને ભણવા ઉપરાંત બીજી સરકારી કામગીરીમાં જોતરી દેવાઈ રહ્યા છે. અગાઉ ગામમાં સંડાસ ગણવા, જાહેરમાં કોઇ કુદરતી હાજતે જતું હોય તો તેની પાસે જઇ થાળી વગાડવા, ખેતરોમાં તીડ પડે તો તીડ ઉડાડવા, સરકારી જાહેર કાર્યક્રમમાં લોકોને પાણી પાવા, વિવિધ પ્રસંગોમાં અન્નનો બગાડ અટકાવવા, આરોગ્ય સેતૂ એપ ડાઉનલોડ કરાવવાથી માંડીને જળસંચય યોજના હેઠળ ખાડા ખોદવાના કામ સોંપાયા ચૂક્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણને પગલે શિક્ષકોએ થાળીઓ ખખડાવી તીડ ઉડાડ્યા
બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણને પગલે શિક્ષકોએ થાળીઓ ખખડાવી તીડ ઉડાડ્યા

સુરતમાં શિક્ષકોને ત્રણ શિફ્ટમાં સ્મશાનમાં નોંધણીની કામગીરી સોંપવામાં આવી
સુરત કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી છે. શિક્ષકોને અત્યાર સુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી હોય છે. પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો તે પણ સોંપવામાં આવી છે. અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને અપાતા કચવાટની લાગણી જોવા મળી રહી છે. 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં SMC(સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) ના કર્મચારીઓ સાથે શિક્ષકોએ પણ ફરજ બજાવવાની રહેશે.સ્મશાન ગૃહમાં આવેલા મૃતદેહોની અંતિમક્રિયામાં નોંધણીમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે શિક્ષકો જવાબદારી આપી દેવામાં આવી છે.

રાજકોટમાં શિક્ષકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સર્વેલન્સ કરવા આદેશ
રાજ્યમાં અત્યાર સુધી કોરોના કાળમાં શિક્ષકોને કોરોના વોરિયર્સની જવાબદારી સોંપાઈ ચૂકી છે. ત્યારે તેમાં વધુ ઉમેરો થયો છે અને કોરોના કાળમાં સુરત મહાનગર પાલિકાએ શિક્ષકોને રાજકોટ શહેર વિસ્તારમાં સમાવિષ્ઠ વિસ્તારોમાં કોરોનાના માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સર્વેલન્સ કરવાની જવાબદારી સોંપી છે. રાજકોટમાં કોરોનાના કેસ ઉત્તરોત્તર વધી રહ્યા છે તેની સાથે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી રાજકોટમાં અંદાજે 1500 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાઈ ચૂક્યા છે. ત્યારે શિક્ષકોને અહીં સર્વેલન્સ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

2 લાખ શિક્ષકોની કોવિડ આર્મી તૈયાર કરાઈ હતી
એક વર્ષ અગાઉ શિક્ષણ વિભાગે કોરોના સામે લડવા માટે પેરામેડિકલ કર્મચારીઓની સાથે કામ કરી શકે તેવા 2 લાખ શિક્ષકોની કોવિડ આર્મી તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો. કાઉન્સેલિંગની સાથે એસિમ્પટેમેટિક પેશન્ટના મોનિટરિંગમાં પણ જોડાયા હતા. રાજ્યમાં પેરામેડિકલ સ્ટાફની ઘટને પણ પહોંચી વળવા માટે શિક્ષકોની મદદ લેવાઈ હતી. કોવિડ આર્મીમાં જોડાનારા શિક્ષકો ફોન પર કાઉન્સેલિંગ કર્યું હતું. તેમાં પણ હોમ બેઇઝ્ડ કોવિડ કેર કે, જેમાં એસિમ્પટોમેટિક પેશન્ટ ઘેર રહીને જ ટ્રીટમેન્ટ લેતા હોય ત્યાં શિક્ષક મેડિકલ ઓફિસર અને પેશન્ટ વચ્ચે કડીરૂપ બન્યા હતા. તેઓ પેશન્ટનું કાઉન્સેલિંગ કરી તેમને ફોન પર સલાહ આપી હતી.

અમદાવાદમાં શિક્ષકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની કામગીરી સોંપાઈ હતી
અમદાવાદમાં શિક્ષકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની કામગીરી સોંપાઈ હતી

આરોગ્ય સેતુ ડાઉનલોડ કરવા પર પહેલા 100 અને પછી 10-10 રૂપિયા એલાઉન્સ
કોરોના કાળમાં એક વર્ષ પહેલા અમદાવાદ કોર્પોરેશન દ્વારા આરોગ્ય સેતુનો ઉપયોગ કરીને કોરોનાના શંકાસ્પદ વિસ્તારમાં સર્વે કરી જે દર્દીમાં કોરોનાના ચિહ્ન દેખાતા હોય તેવા દર્દીના સેમ્પલ લેવાની કામગીરી સોંપી હતી. આરોગ્ય સેતુ એપના બહોળા પ્રચાર માટે કોર્પોરેશન સંચાલિત તમામ શાળાના મુખ્ય શિક્ષક અને તમામ શિક્ષકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. જેના માટે શિક્ષકોને ઇન્સેન્ટીવ આપવામાં આવે છે. પ્રતિદિન 20 એપ ડાઉનલોડ કરાવવા માટે પ્રતિ એપ માટે પહેલીવારમાં 100 રૂપિયા અને ત્યારબાદ 10 રૂપિયા ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું હતું. આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રીતસરનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. અને શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી હતી. આ અંગે સ્કૂલ બોર્ડના શાસના અધિકારી લગધીર દેસાઇએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં શિક્ષકો પણ કોરોના વોરિયર્સ છે અને તેમને આ કામગીરી કરવી જોઇએ તેવુ હું માનું છું.

તીડના આક્રમણને અટકાવવા માટે શિક્ષકોનો સહારો લેવાયો હતો
2019ના અંતમાં બનાસકાંઠામાં તીડના આક્રમણને અટકાવવા માટે શિક્ષકોનો ભોગ લેવાયો હતો. સ્કૂલમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, ઈલેક્શન કામગીરી કે શિક્ષણનું સ્તર ઉંચું લાવવા અને સ્વચ્છતા સુધીની કામગીરી બાદ શિક્ષકોને તીડ ભગાડવાની કામગીરી સોંપવામાં આવી હતી. તીડની સમસ્યાને પહોંચી વળવા તંત્ર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. થરાદમાં શિક્ષકો તેમજ આચાર્યોને તીડ આવવાના હોવાથી ઢોલ અને નગારા સાથે તૈયાર રહેવાની સૂચના પણ અપાઈ હતી.

લગ્ન કે પાર્ટીઓમાં અનાજનો બગાડ ન થાય તેનું પણ ધ્યાન શિક્ષકોએ રાખ્યું
પ્રાથમિક શિક્ષણ વિભાગના સંયુક્ત શિક્ષણ નિયામકે એક પરિપત્ર કરીને તમામ જિલ્લા શિક્ષણાધિકારીને ફરમાન કર્યું હતું કે, તમારા શિક્ષકોને કહો કે તેમના ગામમાં થતાં જમણવારોમાં એંઠવાડ થતો હોય તો તે અટકાવે. લગ્નો, પાર્ટીઓ કે મિટિંગોમાં થતાં જમણવારોમાં અનાજનો બગાડ ન થાય તે માટે શિક્ષકે લોકોને સમજાવવા, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમની પ્રસ્તુતિ બનાવવી, વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું, તથા ગરીબોમાં ખાવાની વસ્તુઓ વહેંચતી સંસ્થાઓનો સંપર્ક કરવો જેવી સૂચનાઓ આપવામાં આવી હતી. અનાજના બગાડની સંયુક્ત જવાબદારી સમજીને શિક્ષકોને આ આદેશ કરાયો હતો. પરંતુ આ જ પરિપત્રમાં સરકારી વિભાગો દ્વારા યોજાતાં મેળાવડાઓમાં થતાં જમણવારોમાં અનાજનો બગાડ ન થાય તેવી ભલામણ પણ કરાઇ હતી, તે છતાં કોઇ વિભાગને આવી સૂચનાઓ જાણે લાગુ પડતી નથી. અગાઉ આ જ શિક્ષણ વિભાગે પોતાના શિક્ષકો પર અવિશ્વાસ હોય તેમ તેઓને રૂ. 20ના સ્ટેમ્પ પર સોગંદનામું કરી પોતે કોઇ ગુન્હાઓમાં સંડોવાયેલાં નથી તેવું જાહેર કરવાનો આદેશ પણ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments